તહેવારોમાં યાત્રિકોને આવકારવા સોમનાથ ટ્રસ્ટ સજજ
સોમનાથ મહાદેવ દર્શન પથમાં પ્રવેશતા જ કતારમાં ઉભેલા શિવ-ભાવિકોને ભગવાન સોમનાથના લાઈવ દર્શન કરી શિવમય બની શકે તે માટે વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીન મુકાઈ
વિશ્ર્વ પ્રસિધ્ધ ભારતનાં બાર જયોર્તિલિંગ પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવનું દિવ્ય મંદિર આગામી નૂતનવર્ષ દિવાળી પર્વો રજાઓને અનુલક્ષી સોમનાથ આવતા ભાવિકો-યાત્રિકોની સુવિધા સ્મૃતિમય યાત્રા બને તે માટે જોરશોરથી અનેકવિધ કાર્યો ઝડપભેર ઉપાડયા છે. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા કહે છે ટ્રસ્ટે બે ખાનગી મોબાઈલ કંપનીઓનાં સહયોગથી યાત્રિકો માટે એક સુંદર પ્રોજેકટ કાર્ય હાલ ગતિમાં છે. જેમાં દર્શન માટે એન્ટ્રીગેટમાં પ્રવેશતા જ દિગ્વીજય દ્વાર સુરક્ષા કુટીર પાસે એક વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીન મૂકાશે જે દસ ફૂટના ઉંચા સ્ટ્રકચર ઉપર ૨૦ બાય ૧૦ના સ્ક્રીન ઉપર સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કતારમાં દર્શન માટે જતા હશે ત્યારે આ સ્ક્રીન ઉપર મંદિરમાં પ્રવેશ્યા પહેલાં જ ભગવાન ભોલાનાથના દર્શન કરી શિવ અનૂભૂતિ સાથે શિવમય બનશે.
સ્ટ્રકચર માળખું ફીટ કરાઈ રહ્યું છે. જે આગામી દિવાળી પહેલા ચાલુ કરી દેવાની ટ્રસ્ટની નેમ છે. સોમનાથ યાત્રિ સુવિધા ભવનની દિવાલોને પણ થીમ આધારીત કલાત્મક કલાકૃતિઓથી શણગારાઈ રહી છે.
સોમનાથ ટ્રસ્ટ ટ્રસ્ટી પ્રવિણભાઈ લહેરીના માર્ગદર્શન હેઠળ ટેરાકોટા આર્ટથી ભવનની દિવાલોને ઉપસેલ પેઈન્ટીંગ કોતરણી કલાકૃતિથી દિવાલોને મઢાઈ રહી છે. જેમાં પ્રથમ તબકકામાં ગ્રામ્ય જીવન વહેલી સવારના ઉઠીથી માંડી ખોરડામાં વાસીદા, ધમ્મર ધમ્મર છાશ વલોણા, ખેતરમાં પક્ષી ઉડાડવા, ખેતરમાં પાકેલ અનાજ કોઠીમાં ભરવું પશુ પ્રાણીને નિરણ પાણીના કુંડા ભરવા ટપાક ટપાક રોટલા ઘડવા, ખાંડણીયું, ગાયને દોહવું, ચબુતરા ચણ નાખવું આવા અંદાજે ૬ બાય ૬માં કુલ ગ્રામ્ય જીવનના કુલ ત્રીસ દ્રશ્યો કંડારાયા છે. જે જોઈ યાત્રિકો પ્રાચીન ભારતની સંસ્કૃતિથી અવગત થશે અને નવી પેઢી ભારતનાં આ પ્રાચીન વારસાને સેલ્ફી મોબાઈલ દ્વારા યાત્રાને સ્મરણીય બનાવશે આવીજ રીતે સાંસારીક લગ્ન થીમ અને વુમન પાવર સહિત વિવિધ થીમો પણ ટેરાકોટાથી મઢવામા આવશે. ગેરૂ આ રંગના ઉપસેલ ટેરાકોટા આર્ટ ભારતીય ચિત્ર શિલ્પ શૈલીની પ્રાચીન સંસ્કૃતિ છે.