સોમનાથ મંદિરમાં પ્રસાદી-ફૂલહાર વાંસની છાબડીમાં જ લઈ જઈ શકાશે
ટ્રસ્ટ દ્વારા વિનામુલ્યે ૪૦૦ જેટલી છાબડીઓનો પ્રબંધ કરાયો
વિશ્ર્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર સમગ્ર દેશનું આઈકોનીક દરજ્જો પ્રાપ્ત થયા બાદ એક પછી એક વિકાસલક્ષી પગલાંઓ લઈ રહ્યું છે.
અત્યાર સુધી મંદિરના પ્રથમ ચેક પોસ્ટ પાસે ફૂલહાર અને પ્રસાદી વહેંચતા ફેરીયાઓ પાસેથી દર્શનાર્થીઓ ખરીદી કરીને પ્લાસ્ટીકની થેલીમાં મંદિરમાં ધરવા ફૂલ-બિલીપત્ર-હાર અને પ્રસાદી લઈ જતાં જેમાં હવે ફેરફાર કરી સોમનાથ ટ્રસ્ટે તમામ ફેરીયાઓ-વિતરકોને વાંસની છાબડી, નાની ટોપલી વિનામુલ્યે ઉપલબ્ધ કરાવી છે. તેમાં જ આ ફૂલહાર-પ્રસાદ મંદિરમાં લઈ જઈ શકશે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવિણભાઈ લહેરીના માર્ગદર્શન મુજબ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ આ અંગે જણાવ્યું હતું કે, ટ્રસ્યે સોમનાથ મંદિર પ્લાસ્ટીક-પ્રદુષણ મુકત બને અને વાંસની છાબડી બનાવતા ગરીબ-મધ્યમ વર્ગને રોજીરોટી મળે તથા પર્યાવરણ જળવાઈ રહે તે માટે આ અભિનવ પ્રયોગ કર્યો છે.
દર્શનાર્થીઓ દ્વારા ખરીદાયેલ છાબડી મંદિરમાં કાઉન્ટર ઉપર ફૂલહાર પ્રસાદી સાથે ભાવપૂર્વક ધરી રાખી મુકવામાં આવશે અને એકઠી થયેલી તે છાબડીઓ ફરી પાછી ફેરીયાઓ-વિતરકોને બહાર પહોંચાડવામાં આવશે જેથી તે નવા ગ્રાહકોને તે જ ખાલી છાબડીમાં ફૂલહાર નાખી વહેંચી શકશે.દેશના સ્વચ્છતા-પ્લાસ્ટીક મુક્ત અભિયાનને યાંત્રિકો અને ફેરીયા-વિતરકોએ મંદિરની આ પહેલની પ્રસંશાની નોંધ લેવાઈ છે.