ઓનલાઈન-ઓફલાઇન બુકિંગ કરાવનાર દરેકને યાત્રિકોને લાભ મળશે: ટ્રસ્ટ દ્વારા પ્રવાસનને વેગ આપવા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય
કોરોનાની મહામારીને કારણે યાત્રાધામ સોમનાથના ભાંગી પડેલા પ્રવાસનને ફરી ધમધમતું કરવા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી ૩૧ ડિસેમ્બરના મીની વેકેશન અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ટ્રસ્ટ હસ્તકના ગેસ્ટહાઉસ અને અતિથિગૃહમાં આજથી ૩૧ જાન્યુઆરી દરમિયાન રૂમ બુક કરાવનાર પર્યટકોને ૧૫ થી ૨૫ ટકા જેટલું બમ્પર ડિસ્કાઉન્ટ પ્રવાસીઓને આપવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
આ અંગે ટ્રસ્ટના જીએમએ જણાવ્યું હતું કે, વૈશ્વિક કોરોનાની મહામારીને કારણે દરેક ક્ષેત્રમાં ખાસ કરીને વેપાર ઉધોગોમાં ગંભીર અસર પડી છે. નાના ઉધોગો ધરાવતા લોકોને ગંભીર અસર પહોંચી છે ત્યારે અત્યારે ડિસેમ્બર માસમાં મોટાભાગના શહેરોમાં કફર્યુંનો માહોલ છે તેને ધ્યાને પ્રવાસીઓને આકર્ષવા માટે આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા થોડા વર્ષો દરમિયાન ૩૧ ડિસેમ્બરના મીની વેકેશનમાં યાત્રાધામ સોમનાથમાં મોટી સંખ્યામાં પર્યટકો ફરવામાં આવે છે તથા સ્થાનિક રોજગારી પણ મળી રહે તેવા આશયથી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આજથી ૩૧ જાન્યુઆરી સુધીના સમયગાળા દરમિયાન ટ્રસ્ટના લીલાવતી, માહેશ્વરી અતિથિભવન અને સાગરદર્શનમાં રૂમો બૂક કરાવનાર પર્યટકોને ભાડામાં મહત્તમ ૨૫ ટકા સુધીના ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓફલાઇન કે ઓનલાઈન કોઇપણ રીતે બુક કરાવનાર યાત્રિકોને આનો લાભ મળશે.