કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વ પ્રભાવિત થયું છે. આ મહામારીના સંક્રમણ ન ફેલાય તે માટે દેશભરમાં ત્રીજા ચરણમાં લોકડાઉન અમલમાં છે. કોરોના વાયરસ ન ફેલાય તે માટે લોકોને ઘરમા રહેવા અપીલ કરવામાં આવી છે. લોકડાઉનમાં સેવાભાવી સંસ્થાઓ દ્રારા જરૂરીયાતમંદ લોકોને અનાજ કિટ અને ભોજન વિતરણ કરવામાં આવી રહ્યું છે.
સોમનાથ ટ્રસ્ટ દ્રારા લોકડાઉનમાં સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું. કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશમાં લોકડાઉન અમલી બન્યું છે. જેના કારણે સુપ્રિસિધ્ધ સોમનાથ મંદિરમાં દર્શન બંધ કરવામાં આવ્યા છે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષશ્રી કેશુભાઈ પટેલ અને ટ્રસ્ટના સેક્રેટરી પી.કે.લહેરીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ સતત સેવામાં હાજર હોય છે. વાયુ વાવાઝોડુ હોય કે લોકડાઉન હોય સોમનાથ ટ્રસ્ટ હંમેશા ગરીબ લોકોની સેવા કરવા તત્પર હોય છે.
હાલમાં જ ૮૫ ઓરિસ્સાના યાત્રિકો સોમનાથ દર્શન કરવા આવતા લોકડાઉનના કારણે ફસાય જતા તેમને દોઢ માસથી રહેવા, જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. અને તેઓને વતન મોકલવામાં મદદ કરી હતી. મોરારીબાપુની પ્રેરણાથી સોમનાથ ટ્રસ્ટના મેનેજરશ્રી વિજયસિંહ ચાવડાએ હાલમાં દાતાઓ અને સોમનાથ ટ્રસ્ટના સહયોગથી ૬૦૦૦ થી વધુ રાશનકીટનું વિતરણ જરૂરીયાતમંદ લોકોને કરવામાં આવ્યું છે. મંદિર નજીક રોજગારી મેળવતા નાના ધંધાર્થીઓને સોમનાથ ટ્રસ્ટ સહાયરૂપ થયું હતું.
દર્શનાથીઓ માટે મંદિર બંધ થતા સોમનાથ ટ્રસ્ટ દ્રારા વેરાવળ-પાટણ શહેરના શ્રધ્ધાળુઓને પ્રસાદીરૂપે ૧૩૫૦૦ ચુરમાના લાડુ, ૩૯૬૦૦ મગજના લાડુ, ૫૮૪૮૦ નંગ ચીકીનું વિતરણ કરી જરૂરીયાતમંદ તથા શ્રધ્ધાળુઓની સેવા કરી હતી. જરૂરીયાતમંદોને ૩૦૦ કિલો ગાંઠિયા, ૧૦૦ કિલો બુંદીનું વિતરણ કરવામાં આવ્યું હતું.