- જિલ્લા કલેકટર ડી.ડી. જાડેજાએ મેળાનો શુભારંભ કરાવી સુરક્ષા અને સુલમતા સાથે મુલાકાતીઓ માટે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી
વર્ષ 1955 થી યોજાતો સોમનાથનો પારંપરિક “કાર્તિકી પૂર્ણિમા મેળો” આ વર્ષે તા.11-11-2024 થી 15-11-2024 સુધી યોજાયો છે. આજરોજ તા.11 નવેમ્બરના રોજ માન.જિલ્લા કલેકટર ડી.ડી જાડેજાના શુભ હસ્તે અને ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા, અધિક કલેકટર શ્રી રાજેશ આલ, શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, સહિતના રાજકીય અને સમાજિક અગ્રણીઓ તેમજ વિવિધ સમાજના મોભી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સ્થાનિક જાણકારોનું કેહવુ છે કે સોમનાથ જ્યોતિર્લિંગના આદ્યસ્થાપક ચંદ્રદેવ કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રીએ સોમનાથ જ્યોતિર્લિંગના શિખર પર આવે છે અને પોતાનો શીતળ પ્રકાશ વરસાવે છે. જેને અમૃતવર્ષા યોગ પણ કહેવામાં આવે છે. આ વિશેષ દિવસે ખગોળીય સંયોગમાં મધ્ય રાત્રિએ ચંદ્રદેવ સોમનાથ મંદિરના શિખરના કેન્દ્ર પર આવે છે, મહાદેવની ધ્વજા અને શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ એક સીધી હરોળમાં આવે છે.
કાર્તિકી પૂર્ણિમાના મેળાના 05 દિવસ દરમિયાન શ્રી સોમનાથ મંદિર રાત્રે 11:00 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. તેમજ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ સોમનાથ મંદિર રાત્રે 01:00 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. પૂર્ણિમાની મધ્યરાત્રિએ વિશેષ મહાપૂજા તેમજ મહાઆરતી કરવામાં આવશે.આ ઉપરાંત મેળા ગ્રાઉન્ડમાં સીસીટીવી સીસ્ટમ લગાવવામાં આવી છે. વિશાળ પાર્કિંગની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. ફાયર સેફ્ટી માટે તમામ જગ્યાએ ફાયર એકસ્ટીંગ્યુસર બોટલની વ્યવસ્થા તેમજ સ્ટેન્ડબાય ફાયર ટેન્ડર ટીમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મેળામાં ઈલેકટ્રીક સપ્લાય માટે 4 વિશાળ ક્ષમતા વાળા સ્ટેન્ડબાય જનરેટરની વ્યવસ્થા કરાઇ છે. મેળા કાર્યાલય તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમના સ્ટેજમાં પબ્લીક એડ્રેસ સીસ્ટમ ઊભી કરવામાં આવી છે. જેથી માઇક દ્વારા જન સંપર્ક સરળ અને અસરકારક બની શકે. મેળામાં બંદોબસ્ત અને દેખરેખ માટે પોલીસ વોચટાવર, પોલીસ ક્ધટ્રોલ રૂમની વ્યવસ્થા કરાઇ છે. ઈમરજન્સીના કેસમાં મેળાની ફરતે વ્હીકલ લઈ જઈ શકાય તે માટે પહોળો રસ્તો તૈયાર કરાયો છે.
આમ, સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં પધારતા લોકોને સુરક્ષિત, સુલભ અને આનંદસભર વાતાવરણ મળે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ, જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ તંત્ર તેમજ નગર સેવા સદનના સહયોગથી તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.
રાજકોટ જેલના કેદીના ભજીયા હોટ ફેવરીટ
સોમનાથ કાર્તિક પુર્ણિમાના મેળાનો પ્રારંભ થયો. પ્રત્યેક મેળાની જેમ આ વરસે પણ રાજકોટ મઘ્યસ્થ જેલના બંદીવાનો દ્વારા બનાવાતા ભજીયાં લોક આકર્ષણ હોટ ફેવરીટ રહ્યાં.
રાજયના એડી. ડી.જી.પી. કે.એલ. રાવ તથા એસ.પી. રાધવ જૈનની સુચના માર્ગદર્શન હેઠળ સોમનાથ કાર્તિક પુર્ણિમાના મેળામાં ખાસ ભજીયા વેચાણ કેન્દ્ર શરુ કરાયું છે.
રાજકોટ ઇન્ચાર્જ સેન્ટ્રલ જેઇલ ફેકટરી મેનેજર ચંન્દ્રકાંન્ત પરમાર કહે છે કે આ મેળામાં 6 કર્મચારી અને રાજકોટ જેઇલના 13 બંદીજનો ભાગ લઇ રહ્યાં છે. કે જેઓ ભજીયાનો સામાન પોતે બજારમાં જઇ લઇ આવે છે. ભજીયાં બનાવે અને ભજીયા પડીકા વાળે અને કેશ કાઉન્ડર સંભાળે.
તેઓ બંદીજન હોવા છતાં કયાંય ભાગતા નથી તેઓ ખુલ્લી રીતે અહીં ફરે છે. હાથ કડીની પણ જરુર પડી નથી આમ છતાં પ્રમાણિકતા વિશ્ર્વાસ અને નીતી મુજબ કામ કરી પ્રેરક દ્રષ્ટાંત આપે છે.
આ ભજીયા હાઉસ પ્રવૃતિને એટલા માટે અગત્ય અપાયેલ છે કે બંદીજન જયારે તેની સજા પૂર્ણ થાય અને સમાજમાં ભળી શકે અને આત્મનિર્ભરતાથી પોતાનું ગુજરાત ચલાવી શકે તે છે.
વ્યવસ્થામાં અમારી સાથે રાજકોટ મઘ્યસ્થ જેઇલ-જેઇલર જાવેદ ચાનીયા પણ આવેલ છે. જે ફરજ કાર્યરત છે. સંપૂર્ણ ભજીયા મશીનથી હવે બનાવવામાં આવે છે. જે માટી વેસણ, મરી, સમારેલ કોથરીમ, મરચા, મીઠું નિર્દેશીત પ્રમાણસર મશીનમાં નખાય છે અને ભજીયાં બની બહાર આવે છે.