સોમનાથ ટ્રસ્ટના નેજા હેઠળ દ્વારકાધીશ દેવસ્થાન સમિતિની બેઠક યોજાઈ
દ્વારકામાં તા.૧૮-૧૯ ફેબ્રુઆરીના સોમનાથથી દ્વિતીય દ્વાદશ જયોતિર્લિંગ રથનું આગમન થશે. આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા અને મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાશે. ભારતભરના બાર જયોતિર્લિંગના સ્થળોને સાંકળીને વર્ષ ૨૦૧૮માં શરૂ થયેલ હિત મહોત્સવ બાદ હવે વર્ષ ૨૦૧૯નો ભવ્ય હિત મહોત્સવ તા.૨૩ થી ૨૫ સુધીનો સોમનાથમાં યોજાશે. જેમાં સમગ્ર દેશભરના સંતો તથા રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ગઈકાલે દ્વારકામાં દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના ખંડમાં સોમનાથ ટ્રસ્ટના નેજા હેઠળ મળેલી બેઠકમાં થયેલ જાહેરાત મુજબ તા.૧૮ના સાંજે સોમનાથ જતી વૈદ્યનાથ જયોતિર્લિંગ સ્વરૂપ સાથેનો રથ દ્વારકા આવી પહોંચશે. દ્વારકાધીશ મંદિર પાસે આ રથયાત્રાનું સ્વાગત સાથે મહાઆરતીનું ભવ્ય આયોજન દ્વારકા નગરવાસીઓની ધાર્મિક-સામાજિક સંસ્થા દ્વારા યોજાયું છે તે પછી ૧૯ના સવારે દ્વારકાનગરના મુખ્યમાર્ગો ઉપરાંત ત્રણબતી ચોકથી સિદ્ધનાથ મંદિર, સ્વામિનારાયણ મંદિર, બજરંગદાસ આશ્રમ તથા સંગમનારાયણ સુધીની રથયાત્રા વાજતે-ગાજતે નીકળશે અને જયોતિર્લિંગના દર્શન ભાવિકોને કરાવાશે. આગોતરા આયોજન માટે મળેલી બેઠકમાં દ્વારકાના ભાર્ગવભાઈ, મહેશભાઈ ઠાકર, ઈશ્વરભાઈ ઝાખરીયા, રમેશભાઈ હેરમા, વિજય બુજડ, ચંદુભાઈ બારાઈ વગેરે આગેવાનો સાથે સોમનાથ ટ્રસ્ટના વિજયસિંહ ચૌહાણે વિચારવિમર્શ કર્યા હતા. બાર જયોતિર્લિંગના બાર શિવલિંગ સ્વરૂપે તા.૧૮ના સોમનાથમાં થતી રથયાત્રા સાથે નીકળશે અને ગુજરાતના ૩૩ જિલ્લામાંથી આ યાત્રા પસાર થશે.