સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા, સરદાર વંદના, દિપમાળા,મહાપૂજા, પાઘપૂજા સાથે વિશેષ શૃંગાર સહિતના વિશેષ આયોજન
સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા તિથિ વૈશાખ સુદ પાંચમ ના રોજ વર્ષ 1951 માં અખંડ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદના હસ્તે સવારે 9 કલાક અને 46 મિનિટે કરવામાં આવેલ હતી.
દેશ વિદેશમાં વસતા શિવભક્તો ની આસ્થાનું કેન્દ્ર અને સૌરાષ્ટ્રના રત્નાકર સમુદ્રતટ પર બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર નો આજે વૈશાખ સુદ પાંચમના રોજ તિથિ પ્રમાણે આજરોજ 73’ મો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે. 11’ મે 1951, ના વૈશાખ માસની શુકલ પંચમી શુક્રવારે સવારે 9 કલાક 46 મીનીટે ભારતના મહામહિમ પ્રથમ રાષ્ટ્રપતિ ડોકટર રાજેન્દ્ર પ્રસાદ ના શુભ હસ્તે હાલના જ્યોતિર્લિંગ ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી.
આ દિવ્ય પ્રસંગ ની વિશેષ ઉજવણી એવી હતી કે “પ્રતિષ્ઠા સમયે તત્કાલીન રાષ્ટ્રપતિશ્રીએ શિવલિંગના તળ ભાગે રાખેલી સુર્વણ શલાકા ખસેડીને શિવલિંગ સ્થાપિત કરી, પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ. આ સમયે પવિત્ર 108 તીર્થસ્થાનોના અને સાત સમુદ્રોના જળથી શિવલિંગનો અભિષેક કરવામાં આવ્યો હતો, આ ધન્ય પળે 101 તોપોના ગગનભેદી નાદ સાથે મંદિરમાં ઘંટનાદ થયો હતો.
સોમનાથ સ્થાપના તિથિ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈના હસ્તે મહાદેવની વિશેષ પાઘ પૂજા કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર તમિલ સંગમ માં આવેલા તમિલ મહેમાનો પણ આ પાઘ પૂજામાં જોડાયા હતા. સચિવ ઉપરાંત ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી દિલીપ ચાવડા પણ પાઘ પૂજન માં જોડાયા હતા. સોમનાથ મહાદેવની પાઘ ને પાલખીમાં બિરાજમાન કરીને સમગ્ર મંદિરની પ્રદક્ષિણા કરવામાં આવી હતી.
આ પાલખીયાત્રામાં તંજાવુરના મહારાજા બાબાજી રાજા ભોંસલે, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, ગુજરાત રાજ્યના મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળીયા, શ્રી ઋષિકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો સોમનાથ ટ્રસ્ટની સ્થાપના તિથિ દિન નિમિત્તે યોજવામાં આવેલ આ પાલખીયાત્રામાં ઉત્સાહ અને ભક્તિ ભાવ સાથે જોડાયા હતા. મંગલ વાદ્યો સાથે મંદિરની પ્રદક્ષિણા કર્યા બાદ પાઘ પુજારી શ્રી ને અર્પણ કરવામાં આવી હતી જે પાઘને મધ્યાહન શૃંગારમાં મહાદેવ પર શણગારવામાં આવી હતી. સાંજે સોમનાથ મહાદેવ ને વિશેષ શૃંગાર અને દિપમાલા કરવામાં આવશે.