રાષ્ટ્રીય શિક્ષા નીતિ-2020, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી સહિતના વિષયો પર યોજાશે કાર્યશાળા
અબતક,
અતુલ કોટેચા, વેરાવળ
જીતુભાઈ વાઘાણી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના 15માં યુવક મહોત્સવનો તા. 9મી ડિસેમ્બરનાં રોજ સવારે 11 કલાકે શુભારંભ કરાવશે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ યુવક મહોત્સવમાં 44 જેટલી સ્પર્ધામાં રાજ્યભરની 26 સંસ્કૃત કોલેજના 316 સ્પર્ધકો ભાગ લેશે. ઉપરાંત રાષ્ટ્રીય શિક્ષા નીતિ-2020, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી, પીએચ.ડી.-સંસોધન વિષય પર કાર્યશાળા સહિતના કાર્યક્રમો યોજાશે.
વેરાવળ ખાતે સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટીના પરિસરમાં યોજાનાર આ યુવક મહોત્સમમાં સંસ્કૃત યુનિવર્સિટીના પ્રકાશન વિભાગ દ્વારા ગ્રંથનું વિમોચન કરવામાં આવશે. તેમજ સી.પી. ચોક્સી આર્ટ્સ એંડ કોમર્સ કોલેજ, વેરાવળના પૂર્વ પ્રધાનાચાર્ય તથા સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સંસ્કૃતના વિદ્વાન ડો. જે. ડી. પરમારનું મહાનુભાવોનાં હસ્તે સન્માન કરવામાં આવશે.
આ યુવક મહોત્સવમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના તથા સંલગ્ન કોલેજના અને ગીર સોમનાથ જિલ્લાની અન્ય કોલેજના પ્રધાનોચાર્યો, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ સહભાગી થશે.
આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના જયશંકર રાવલ, સારસ્વત અતિથિરૂપે ભક્ત કવિ નરસિંહ મેહતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ચેતન ત્રિવેદી, અધ્યક્ષ સ્થાને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી કાર્યકારી કુલપતિ લલિતકુમાર પટેલ, અને આમંત્રક તરીકે યુનિવર્સિટીના કુલસચિવ ડો. દશરથ જાદવ ઉપસ્થિત રહેશે.