વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે: ભગવાન શિવની આરાધના માટે લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ તિર્થધામમાં ઉમટશે
પ્રથમ આદિ જયોતિર્લિગ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના સાનિઘ્યમાં પાવન શ્રાવણ માસની ઉજવણી શરૂ થનાર છે. શ્રાવણ મહોત્સવનો પ્રારંભ તા.૧૨ શ્રાવણ સુદ એકમને રવિવારના રોજ થશે અને પૂર્ણાહુતી તા.૯ સપ્ટેમ્બર શ્રાવણ વદ અમાસને રવિવારે થશે. મહામૃત્યુંજય મંત્રજાપ યજ્ઞ, ઘ્વજારોહણ, શૃંગાર દર્શન પુજા, સવાલક્ષ બિલ્વપુજા, વિશેષ પુજાવિધિમાં હજારો દેશ-વિદેશના ભાવિકો અને ભકતજનોએ ઉમળકાભેર જોડાશે. શ્રાવણમાં પ્રત્યેક શ્રાવણી સોમવારે સવારે ૯:૧૫ કલાકે મંદિર પરિસરમાં સોમનાથ દાદાની પાલખી યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવેલ છે.
શ્રાવણ માસના પ્રથમ દિને ભગવાન સોમનાથજીની પ્રાત:પુજા આરતી બાદ નુતન ઘ્વજારોહણ, બિલ્વપુજાના યજમાનોને સવાલક્ષ બિલ્વપુજાનો સંકલ્પ કરાવવામાં આવશે. ટ્રસ્ટની વેબસાઈટ પરથી પુજાવિધિ, ડોનેશન, ગેસ્ટ હાઉસ બુકિંગ સાથે લાઈવ દર્શન પણ થઈ શકશે. શ્રાવણ માસમાં દેશ-વિદેશથી આવતા યાત્રીઓ શાંતિપૂર્ણ દર્શન કરી શકે તેમજ કોઈ અગવડ ન પડે તેને ધ્યાને લઈ સોમનાથ મંદિરના સમયમાં શ્રાવણ માસમાં ફેરફાર કરાયો છે. રવિવાર-સોમવાર શ્રાવણી તહેવારો દરમ્યાન મંદિર સવારે ૪:૦૦ વાગ્યે ખુલી જશે જે રાત્રીના ૧૦:૦૦ સુધી ખુલ્લુ રહેશે. શ્રાવણના આ સિવાયના દિવસોમાં મંદિર સવારે ૫:૩૦ થી રાત્રે ૧૦:૦૦ સુધી ખુલ્લુ રહેશે. તા.૮/૯/૨૦૧૮, શ્રાવણ વદ ચૌદશ શનિવારના દિવસે માસિક શિવરાત્રી સબબ રાત્રીના મહાપુજન તેમજ ૧૨:૦૦ વાગ્યે આરતી બાદ સોમનાથ મંદિર રાત્રીના ૧:૦૦ વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે. વિશેષમાં શ્રાવણ માસ દરમ્યાન સોમનાથ ખાતે પ્રસિદ્ધ કલાકારો ભગવાન નટરાજ સમક્ષ પોતાની સુરઆરાધના પ્રસ્તુત કરશે, આવતા યાત્રિકો આદ્યાત્મિકતા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનો લહાવો લઈ શકશે.
ગીતા મંદિર, ગોલોકધામ તીર્થ ખાતે શ્રાવણ સુદ-બિજથી શ્રાવણ વદ-અમાસ સુધી વિશિષ્ટ હિંડોળા દર્શનનું તેમજ શ્રીકૃષ્ણ ચરણપાદુકા પુજનનું વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવેલ છે. આ હિંડોળા દર્શન માટે ભકતજનો નિયત કરેલ ન્યોછાવર આપી યજમાન બનવાનો લાભ લઈ શકશે. તેવી જ રીતે નવનિર્મિત શ્રી રામ મંદિર ખાતે શ્રાવણના પ્રત્યેક સોમવારે સુંદરકાંડનું આયોજન સુંદરકાંડ ગ્રુપ રેયોન કર્મચારી મંડળ વેરાવળ દ્વારા તથા શ્રાવણના પ્રત્યેક શનિવારે રામધુનનું આયોજન વેરાવળ મહિલા મંડળ દ્વારા કરવામાં આવશે. જેનો લ્હાવો લેવા સર્વે ભકતજનોને હાર્દિક નિમંત્રણ છે. શ્રાવણ માસ દરમ્યાન દરરોજ ભગવાન સોમનાથ મહાદેવને અલગ અલગ વિશિષ્ટ શ્રૃંગારોથી ૨૯ જેટલા અલગ-અલગ શણગાર કરવામાં આવશે. આ શૃંગારના નિયત કરેલ ન્યોછાવર આપી ભકતજન યજમાન બનવાનો લાભ લઈ શકશે. શ્રાવણ માસ દરમ્યાન મહામૃત્યુંજયયજ્ઞમાં યાત્રિકો હોમ કરી લાભ લઈ શકશે.
શ્રાવણમાં કરો સોમનાથ મહાદેવને સુવર્ણનો અભિષેક સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ પ્રોજેકટ અંતર્ગત શ્રી સોમનાથ મંદિર પર ૧૪૫૭ કળશો નાના-મોટા પ્રકારના કળશો છે જેમાં મોટા કળશ મુલ્ય રૂ.૧.૫૧ લાખ, મધ્યમ કળશ મુલ્યરૂ.૧.૨૧ લાખ, નાના કળશ મુલ્ય રૂ.૧.૧૧ લાખ છે. જેને સુવર્ણથી મઢવાની યોજના મુકવામાં આવેલ છે જેનો પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન સર્વે ભકતજનોને સહભાગી થવા વિનંતી છે. પથિકાશ્રમ ડોમ ખાતે તા.૧૭ થી તા.૧૯ ઓગસ્ટ દરમ્યાન ગૌ-વિજ્ઞાન કથા અને સ્વાસ્થ્ય કથા વકતા ડો.નિરંજન વર્મા ગુરુજીના વકતા સ્થાને યોજાશે. જેમાં નિ:શુલ્ક અસાઘ્ય રોગો માટે પંચગવ્ય ચિકિત્સા નિદાન, પંચગવ્ય મેડીસીનનું વિતરણ, સોમનાથ ટ્રસ્ટ તરફથી આયોજન કથાના દિવસો દરમ્યાન યોજાશે. સોમનાથ હરિહર પ્રસાદ સેવા કેન્દ્ર ખાતેથી ભકતોને નિ:શુલ્ક બુંદી તથા ગાંઠીયાનું વિતરણ કરવામાં આવશે સાથે જ શ્રાવણમાં આવતા સંઘો તરફથી યાત્રિકોને પ્રસાદ તેમજ ફરાળની નિ:શુલ્ક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. શ્રાવણ માસ દરમ્યાન ભાવિકોના ઘસારાને ધ્યાનમાં રાખીને દેશ-વિદેશથી દર્શનાર્થે પધારતા ભકતો શાંતિપૂર્ણ અને સુંદર રીતે દર્શન કરી શકે તેમજ સુરક્ષા વ્યવસ્થા સુદઢ રીતે જળવાઈ રહે તેવા શુભ હેતુથી સોમનાથ મંદિર તેમજ અહલ્યાબાઈ મંદિર ગત વર્ષની જેમ આ વર્ષે નીચે પ્રમાણેના દિવસોએ સવારના ૪:૦૦ વાગ્યે ખોલવામાં આવશે. તેમજ આ સિવાયના દિવસોએ ૫:૩૦ વાગ્યે ખોલવામાં આવશે. તા.૮ સપ્ટેમ્બર શ્રાવણ વદ ચૌદશ શનિવારના રોજ માસિક શિવરાત્રી નિમિતે રાત્રીના દિપ પુજન ૧૦ વાગ્યે, મહાપુજન ૧૧ વાગ્યે તેમજ ૧૨:૦૦ વાગ્યે મહાઆરતી બાદ દર્શનાર્થીઓ માટે રાત્રીના ૧:૦૦ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે.
શ્રાવણ માસનાં દૈનિક કાર્યક્રમો
સવારે ૬ કલાકે પ્રાંત: મહાપુજન પ્રારંભ, ૭ કલાકે પ્રાંત: આરતી, ૮ કલાકે સવાલક્ષ બિલ્વાર્ચન, ૯:૦૦ કલાકે ‚દ્રપાઠ ઈત્યાદીવિધિ પ્રારંભ, ૧૧ કલાકે મધ્યાહન પુજા, મહા‚દ્ર અભિષેક, ૧૨ કલાકે મધ્યાહન આરતી, ૫:૦૦ કલાકે સાયં શૃંગાર દર્શન, દીપમાળા, રાત્રે ૧૦:૦૦ કલાકે મંદિર બંધ થવાનો સમય રહેશે. આ ઉપરાંત શ્રાવણના રવિવાર, સોમવાર તથા તહેવારના દિવસોમાં મંદિર સવારે ૪ કલાકે ખુલશે. આ સિવાયનાં દિવસોમાં મંદિર ૫:૩૦ કલાકે ખુલશે.