1955 થી યોજાતો સોમનાથનો પારંપરિક કાર્તિકી પૂર્ણિમાનો મેળો આ વર્ષે 22 નવેમ્બરે સાંજે 05:00 કલાકે જીલ્લા કલેકટરના વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. કાર્તિકી પુર્ણીમા મેળો-2023 ત્રિવેણી સંગમ સમીપ ગોલોકધામ ખાતે આવેલ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. મેળામાં મનોરંજનના સાધનો, ખાણીપીણીના સ્ટોલ, બાળકો માટે રમકડાં, તેમજ અન્ય વેચાણ સ્ટોલ, ઇન્ડેક્ષ-સી વિભાગના હસ્તકલા અને ગૃહઉદ્યોગ જેવા આકર્ષક સ્ટોલ, જેલના કેદીઓના ભજીયાનો સ્ટોલ, સેલ્ફી પોઇન્ટસ, પંચદેવ મંદિર, સોમનાથ એટ 70 પ્રદર્શની, માહિતી સભર સ્ટોલની સાથે પ્રતિદિવસ ખ્યાતનામ કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં પ્રવેશ માટે બે માર્ગોની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પ્રથમ ત્રિવેણી સંગમ પાસે તેમજ દ્વિતીય કલાકેન્દ્ર સામેથી યાત્રીઓ મેળામાં પ્રવેશ કરી શકશે.
લોક સંસ્કૃત્તિ અધ્યાત્મ અને મનોરંજનના ત્રિવેણી સંગમ સમાન
મુલાકાતીઓ માટે સુરક્ષા અને સુલભતા સાથે ઉભી કરાય છે સાત્વિક આનંદની તમામ વ્યવસ્થાઓ
કાર્તિકી પૂર્ણિમાના મેળાના 05 દિવસ દરમિયાન શ્રી સોમનાથ મંદિર રાત્રે 11:00 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. તેમજ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ સોમનાથ મંદિર રાત્રે 01:00 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. પૂર્ણિમાની રાત્રિએ વિશેષ મહાપૂજા તેમજ મહાઆરતી કરવામાં આવશે.
આ ઉપરાંત મેળા ગ્રાઉન્ડમાં સીસીટીવી સીસ્ટમ લગાવવામાં આવી છે. વિશાળ પાર્કિંગની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. ફાયર સેફ્ટી માટે તમામ જગ્યાએ ફાયર એકસ્ટીંગ્યુસર બોટલની વ્યવસ્થા તેમજ સ્ટેન્ડબાય ફાયર ટેન્ડર ટીમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મેળામાં ઈલેકટ્રીક સપ્લાય માટે 4 વિશાળ ક્ષમતા વાળા સ્ટેન્ડબાય જનરેટરની વ્યવસ્થા કરાઇ છે. મેળા કાર્યાલય તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમના સ્ટેજમાં પબ્લીક એડ્રેસ સીસ્ટમ ઊભી કરવામાં આવી છે. જેથી માઇક દ્વારા જન સંપર્ક સરળ અને અસરકારક બની શકે. મેળામાં બંદોબસ્ત અને દેખરેખ માટે પોલીસ વોચટાવર, પોલીસ ક્ધટ્રોલ રૂમની વ્યવસ્થા કરાઇ છે.
ઈમરજન્સીના કેસમાં મેળાની ફરતે વ્હીકલ લઈ જઈ શકાય તે માટે પહોળો રસ્તો તૈયાર કરાયો છે. મેળામાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરાઇ છે, તેમજ સ્ત્રીઓ તથા પુરૂષો માટે અલગ અલગ પોઇન્ટ પર યુરીનલની વ્યવસ્થા કરવામાં આવી છે.સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા લોકો માટે લોકસાહિત્ય, સંગીત અને ભજનો કલાસંગમની ત્રિવેણી રચાશે. પ્રથમ દિવસે સ્થાનીક કલાકારો દિનેશભાઇ ચુડાસમા, નાજાભાઇ ભાદરકા, જીગ્નાશાબેન ચુડાસમા, બિજા દિવસે ઓસમાણભાઇ મીર તથા સાથી વૃંદ, ત્રિજા દિવસે પ્રીયંકાબેન બાસુ, અભિજીતભાઇ રાવ, અલખભાઇ કંસારા, મંગલભાઇ રાઠોડ ચોથા દિવસે અપેક્ષાબેન પંડ્યા, પાંચમા દિવસે માયાભાઇ આહિર તથા જાહલબેન આહિર કાર્તિકી મેળામાં સ્વરવંદના કરશે.
આમ સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં પધારતા લોકોને સુરક્ષિત, સુલભ અને આનંદસભર વાતાવરણ મળે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ, જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ તંત્ર તેમજ નગર સેવા સદનના સહયોગથી તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. જેથી મેળામાં સેહલાણીઓને કોઈપણ તકલીફ ન પડે. મેળા દરમિયાન ફરજ પરના કર્મચારીઓને સહયોગ કરવા યાત્રિકોને અનુરોધ કરવામાં આવે છે.