‘વરાહરૂપમ’, ‘દશાવતારમ’, ‘શેષશૈયા’…!
વડાપ્રધાનની ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની પરિકલ્પનાને સાકાર કરતા ગુજરાત અને તામિલનાડુની સંસ્કૃતિનો અદભૂત સમન્વય સૌરાષ્ટ્ર તમિલ સંગમ દરિયાકિનારે યોજાવાનો છે ત્યારે મૂળ સૌરાષ્ટ્રના અને તમિલનાડુ સ્થાયી થયેલા બંધુ-ભગીનીઓને આવકારવા સોમનાથ સજ્જ થયું છે. સોમનાથ મંદિરની આસપાસ પ્રભાસ ક્ષેત્રમાં ગુજરાતના ખૂણેખૂણેથી આવતા કલાકારોએ ‘વરાહરૂપમ’, ‘દશાવતારમ’, ‘શેષશૈયા’ જેવી ભારતીય સંસ્કૃતિમાં જેનો ઉલ્લેખ છે એવા પૌરાણિક મહત્વ દર્શાવતા ભીંતચિત્રોથી શોભાયમાન કર્યુ છે.
ગુજરાતના ખૂણેખૂણાથી આવેલા કલાકારોએ આશરે 90 કરતા પણ વધુ ચિત્રોથી સોમનાથ મંદિર પ્રાંગણ તેમજ પ્રભાસ તીર્થને પોતાની અનોખી કલાકારીથી સજાવ્યું છે. આ તમામ ચિત્રોમાં પ્રતિકરૂપે વહાણવટા માફક હિજરતથી લઈ અને તમિલ સંસ્કૃતિનું તેમજ પ્રભાસની ભૂમિ પર રહેલા વિવિધ તીર્થક્ષેત્રની ઐતિહાસિક ધરોહરનું અનોખું સાયુજ્ય દર્શાવવામાં આવ્યું છે.
સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ‘સોમનાથ તીર્થમાં પધારતા તમિલ બાંધવોનું ઢોલ શરણાઈ દ્વારા સ્વાગત કરવામાં આવશે તેમજ તેમના માટે મંદિરોમાં ઈતિહાસ તેમજ સાઈન બોર્ડ પણ તમિલ ભાષામાં તૈયાર કરવામાં આવ્યા છે. ઉપરાંત મંદિરમાં યોજાનાર લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ અંગ્રેજી ભાષામાં રજૂ કરવામાં આવશે. ખાસ સૌરાષ્ટ્ર અને તમિલનું સાયુજ્ય દર્શાવતા ભીંતચિત્રો પણ આર્ટિસ્ટો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અને તમિલ બાંધવો ધ્વજાપૂજા પણ સારી રીતે કરી શકે તેવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.’