શ્રાવણ માસના પ્રથમ દિવસે જ ભારે ભીડ જામતા ભાવિકો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન પાસ વ્યવસ્થા ગોઠવવાનો લેવાયો નિર્ણય
શ્રાવણના પવિત્ર માસમાં માત્ર ૧૦થી ૨૦ ટકા ભાવિકોને જ મંદિરમાં પ્રવેશ મળવાની વ્યવસ્થાથી ભારે ઉહાપોહ મચે તેવી પ્રબળ સંભાવના
દરરોજ હજ્જારોની સંખ્યામાં આવતા ભાવિકોમાંથી ૨૬૦૦ ભાવિકોને જ એન્ટ્રી મળશે, બાકીના વેઇટિંગમાં મુકાશે : સામાન્ય અને અભણ લોકો ઓનલાઇન પાસ કેમ મેળવી શકશે તે પણ પ્રશ્ન
પ્રથમ જયોર્તિલિંગ સોમનાથ મહાદેવ કરોડો હિન્દુનાં શ્રધ્ધાનું કેન્દ્ર છે. તેમાં પણ પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના માત્ર દર્શનથી શ્રદ્ધાળુઓ ધન્યતાની અનુભૂતિ કરે છે. તેવામાં ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન પાસથી દરરોજ ૨૬૦૦ લોકોને જ એન્ટ્રી આપવાનો નિર્ણય કરવામાં આવતા બાકીના હજ્જારો ભાવિકો દર્શનનો લાભ લઇ શકશે નહીં. જેથી ભારે ઉહાપોહ મચવાની પ્રબળ સંભાવના છે.
શ્રાવણ માસ ગઈકાલથી શરૂ થયો છે. જેના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શનાર્થે હજ્જારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. ભીડને કારણે ભારે હોબાળો મચ્યો હતો. જેના પગલે પોલીસે ભાવિકો ઉપર લાઠી ચાર્જ પણ કર્યો હતો. આ ઘટનાથી ભારે ચકચાર ફેલાયા બાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા અનોખો નિર્ણય કરવામાં આવ્યો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર સાથે બેઠક યોજી એવો નિર્ણય કરવામાં આવ્યો છે. કે ટ્રસ્ટની વેબસાઈટ www.somnath.org પર મુકવામાં આવેલ લિંક પરથી અગાઉથી પોતાના દર્શન માટેનો સમયનો સ્લોટ બુક કરાવીને ભાવિકોએ જ દર્શન માટે આવવાનું રહેશે.
તા. ૨૫ જુલાઈને શનિવારથી તા.૧૯ ઓગસ્ટ સુધી સોમનાથ મંદિરમાં દર્શનનો સમય સવારે ૫:૩૦થી ૬:૩૦ , ૭:૩૦થી ૧૧:૩૦, ૧૨:૩૦થી ૬:૩૦ અને સાંજે ૭:૩૦થી ૯:૧૫નો રહેશે. ત્રણમાંથી એક પણ આરતીમાં કોઈને પ્રવેશ આપવામાં આવશે નહી. વધુમાં ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયું છે કે સમય મર્યાદામાં તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને દર્શન કરવાના હોય, દર્શનના તમામ સમય મુજબ દર કલાકે માત્ર ૨૦૦ પાસ જ ઇસ્યુ કરવામાં આવશે. દર્શન માટેનો પાસ ફરજીયાત રહેશે. પાસ વિના દર્શન કરવા ઉપર પ્રતિબંધ રહેશે. આ વ્યવસ્થા આગામી શનિવારથી શરૂ કરવામાં આવશે. દર્શન માટેના પાસ સોમનાથ મંદિરની સામે જૂનું પથીકાશ્રમની જગ્યા પર કાઉન્ટર પરથી મળશે.
સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણના પવિત્ર માસે દરરોજ હજારોની સંખ્યામાં ભાવિકો આવતા હોય ઓનલાઇન પાસની વ્યવસ્થા ગોઠવાયા બાદ માત્ર ૨૬૦૦ ભાવિકોને જ દરરોજ પ્રવેશ મળવાનો છે. જેથી હજારો સંખ્યામાં ભાવિકો દર્શનના લાભથી વંચિત રહેવાના છે. જેના પગલે ભારે ઉહાપોહ મચે તેવી સંભાવના છે. આ ઉપરાંત સામાન્ય લોકો તેમજ અભણ લોકો પાસ માટેની ઓનલાઇન પ્રક્રિયા કેમ કરી શકશે તેના ઉપર પણ અનેક સવાલો ઉભા થયા છે.
દર કલાકે માત્ર ૨૦૦ પાસ જ ઈસ્યુ થશે
દર્શનના સમય પ્રમાણે દર કાકે માત્ર ૨૦૦ પાસ જ ઈસ્યુ કરવામાં આવશે જે દર્શનાર્થીઓની ભીડ વધે નહી અને સોશ્યલ ડીસ્ટન્સનું પણ પાલન થાય દર્શન માટેનો પાસ ફરજીયાત લેવાનો રહેશે. આ વ્યવસ્થા તા.૨૫-૭-૨૦૨૦ને શનિવારથી શરૂ કરવામાં આવશે. દર્શન માટેના પાસ સોમનાથ મંદિરની સામે આવેલ જૂનુ પથિકાશ્રમની જગ્યા પર કાઉન્ટર પરથી મેળવી શકાશે તેમજ દર્શનનો સમય પણ શનિવારથી શ્રાવણ માસના અંત સુધી સવારે ૫.૩૦ થી ૬.૩૦, ૭.૩૦ થી ૧૧.૩૦ અને ૧૨.૩૦ થી ૬.૩૦ તેમજ સાંજના સમયે ૭.૩૦ થી ૯.૧૫ સુધીનો રહેશે.
કોરોના હવે ધાર્મિક લાગણીઓને છંછેડી રહ્યું છે !
બકરી ઈદ ઉપર બકરી બજાર બંધ રાખવાની જાહેરાતથી મુસ્લીમોમાં રોષ ફાટી નીકળશે?
કોરોનાના કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોથી હવે ધાર્મિક લાગણીઓ છંછેડાઈ રહી છે. એક તરફ સોમનાથ મંદિરે વ્યવસ્થા ખોરવાય તેવી ભીતિ છે. બીજી તરફ બકરી ઈદ ઉપર બકરી બજારો બંધ રાખવાના આદેશથી મુસ્લીમો રોષે ભરાય તેવી સ્થિતિ છે.
કોરોના મહામારી કોવિડ ૧૯ વાયરસ સંક્રમણની કટોકટી ભરી સ્થિતિ વચ્ચે અમદાવાદની બે મુખ્ય બકરી બજારો આ વખતે ૩૧ મી જુલાઈએ ઉજવાનારી બકરી ઈદે પર બંધ રહેશે.
અમદાવાદ પોલીસ કમિશ્નર આશિષ ભાટીયાએ જણાવ્યું હતુ કે અમદાવાદના રાણીપ અને દાણીલીમડા ખાતે ભરાતી બકરી બજાર અને અન્ય બજાર પણ આ વખત બંધ રહેશે તેમ છતાં સ્વાયત્ત ધોરણે પશુ વેચતા લોકો પાસેથી કુરબાની માટે કાયદેસર રીતે પશુ વેચાવાની મંજૂરી આપવામાં આવશે.
કમિશ્નર આશિષ ભાટીયાએ જણાવ્યું હતુ કે જાહેરમાં ધાર્મિક વિધિ નહિ કરવા દેવાય તેમણે જણાવ્યું હતુ કે પોલીસે શાંતિ સમિતિની બેઠકોનો મુસ્લિમ આગેવાનો અને સંસ્થાઓ સાથે આયોજન કરીને કોરોના કટોકટીને લઈને બકરી બજારને બંધ રાખવાની જરૂરીયાતની ચર્ચા કરી હતી તેમણે જણાવ્યું હતુ કે લોકોને સેનેટાઈઝ રાખવા માટેની સુચનાઓ પણ આપવામાં આવી હતી.
રાજયનાં ગૃહ વિભાગની માર્ગદર્શિકા મુજબ ઈદની નમાઝનું આયોજન કરવા દેવામાં આવશે. વ્યકિતદીઠ છ ફૂટનું અંતરનો નિયમ આયોજકોએ ફરજીયાત પાળવાનો રહેશે મોટા સમુહમાં લોકોને એકઠા થવા નહિ દેવાય અને થર્મલગન અને માસ્કનો ઉપયોગ ફરજીયાત પણે કરવામાં આવશે.
પોલીસ કમિશ્નરે જણાવ્યું હતુકે તહેવારોનાં સમયમાં કોરોના સામેની સુરક્ષા અને મજબુત પ્રતિકારની વ્યવસ્થા જાળવવામાં આવશે. આશિષ ભાટીયાએ જણાવ્યું હતુકે શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાટે એસઆરપીની બે કંપનીઓ બોલાવવામાં આવી છે શહેરમાં ગાય અને ગૌવંશની હેરાફેરીને અટકાવવા માટે એસઆરપીને ટુંક સમયમાં જ શહેરનાં સંવેદનશીલ વિસ્તારમાં તૈનાત કરવામાં આવશે. અન્ય વધારાની કંપનીઓને કોઈપણ અનિચ્છનીય બનાવ બનતા અટકાવવા તૈનાત કરવામાં આવશે તેમ વરિષ્ટ અધિકારીઓએ જણાવ્યું હતુ.