દર્શનનો સમય મર્યાદિત રહેશે: આરતીમાં શ્રઘ્ધાળુઓને પ્રવેશ નહીં અપાય
વૈશ્વીક મહામારી કોરોનાના કારણે દેશભરમાં છેલ્લા અઢી માસથી મંદિરો બંધ છે. કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-૧માં આગામી ૮મી જૂનથી મંદિરો ખોલવાની મંજુરી આપી છે. જે અંતર્ગત સોમનાથ મહાદેવ મંદિર તથા અંબાજી મંદિર આગામી સોમવારથી ખુલ્લી જશે. પરંતુ દેશભરમાં બીએપીએસ સ્વામીનારાયણ મંદિરો ૧પમી જુન સુધી બંધ રહેશે. ત્યાર બાદની પરિસ્થિતિની સમીક્ષા કર્યા મંદિર ખોલવા અંગે નિર્ણય લેવાશે. મંદિરનો સમય મર્યાદિત રહેશે આરતીમાં પણ ભાવિકોને પ્રવેશ નહીં અપાય.
શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના શ્રી ભાલકા મંદિર, શ્રી રામ મંદિર, શ્રી અહલ્યાબાઇ મંદિર, શ્રી ભીડીયા મંદિર, શ્રી ગીતા મંદિર શ્રઘ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. ટ્રસ્ટના અઘ્યક્ષ કેશુભાઇ પટેલની સુચના અને માર્ગદર્શન મુજબ કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર એવું શ્રી સોમનાથ પ્રથમ જયોતિલિંગ મંદિર ૮ જુનથી શ્રઘ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. સરકારની સુચના અને માર્ગદર્શન મુજબ કોરોના વાઇરસની મહામારીને ઘ્યાનમાં રાખી સોશ્યલ ડીસ્ટન્સ જળવાય તે પ્રકારની તકેદારી રાખીને શ્રી સોમનાથ મંદિરમાં દર્શન ખોલવામાં આવશે. મંદિરમાં દર્શનનો સમય મર્યાદિત રહેશે સવારે ૭.૩૦ થી ૧૧.૩૦ તેમજ બપોરે ૧૨.૩૦ થી ૬.૩૦ સુધીનો રહેશે. સોશ્યલ ડીસ્ટન્સ જળવાય તે માટે આરતીમાં કોઇપણ શ્રઘ્ધાળુને પ્રવેશ આપવામાં આવશે નહીં. શ્રી સોમનાથ ટ્રસ્ટ, વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગ દ્વારા દર્શન માટેના નિયમો નકકી કરેલ છે તે પ્રમાણે દરેક ભકતોએ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. પોતાનું ટેમ્પરેચર પણ ચેક કરાવવાનું રહેશે, તેમજ સેનેટાઇઝ ટનલમાંથી પસાર થવાનું રહેશે. દર્શનની લાઇન માટે જે સોશ્યલ ડીસ્ટન્સના રાઉન્ડ કરવામાં આવ્યા છે તે પ્રમાણે જ લાઇનમાં ચાલવાનું રહેશે. બહારથી જે પણ ફુલો, પ્રસાદી, સામગ્રી સાથે લઇને આવે તે મંદિરના નકકી કરેલ જગ્યાએ જ પધરાવવાના રહેશે. દર્શનની લાઇનમાં સતત ચાલતા રહેવું જેથી વધુ લોકોને દર્શનનો લાભ મળે, દર્શન થઇ ગયા બાદ કયાંય પણ ઉભા ન રહેતા સીધા બહારની તરફ નીકળવાનું રહેશે. મંદિરમાં દર્શનનો સમય મર્યાદિત હોય સૌ લોકો તે પ્રમાણે ભીડ ન થાય તેવી રીતે જ દર્શન માટે આવે, જેથી સોશ્યલ ડીસ્ટન્સ જળવાય, તા. ૮ જુન થી ૩૦ જુન સુધી શ્રઘ્ધાળુઓના માર્ગદર્શન- મદવ માટે હેલ્પ ડેસ્ક પણ મંદિર પાસે રાખવામાં આવશે. અંબાજી મંદિર પણ ૮મી જુનથી ખોલવામાં આવશે.