ગીર-સોમનાથ તા. -૧૨, પવિત્ર શ્રાવણમાસમાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઈ પટેલે પરીવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન-પુજા કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઈ પટેલે સોમનાથ ખાતે રૂા.૧૪.૪૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર સરર્કીટ હાઉસની મુલાકાત લીધી હતી.
તેઓશ્રીએ સરર્કીટ હાઉસની મુલાકાત લઈ સરર્કીટ હાઉસના બાંધકામમા વપરાતા મટીરીયલ્સની ચકાસણી કરી માર્ગદર્શન આપ્યું હતું. સર્કીટ હાઉસનું નિર્માણ થયા બાદ મહાનુભાવો રોકાણ કરવા માટે આવે ત્યારે તેઓને સમુદ્ર, સોમનાથ મંદિર અને કુદરતી નજારાના સારી રીતે દર્શન થાય અને દરિયાઈ વાતાવરણમાં ટકાઉ બાંધકામ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
સાગર કિનારે બાંધકામ સાઇટ ની મુલાકાત લઇ અધિકારીઓ સાથે પરામર્શ કરતાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે આ સર્કિટ હાઉસ સામાન્ય સર્કિટ હાઉસ કરતા વિશેષ એકોમોડેશન સગવડ સાધન સુવિધાથી સજ્જ થશે.સોમનાથ મહાદેવના દર્શને આવતા રાષ્ટ્રીય મહાનુભાવો અને દર્શનાર્થીઓને પ્રવાસ રોકાણ દરમિયાન આધુનિક સુવિધા મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સોમનાથના દર્શને આવતા મહેમાનો માટે ભવ્ય સરકીટ હાઉસનું નિર્માણ થનાર છે.રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવી રહેલા આ સર્કીટ હાઉસનુ બાંધકામ આવતા વર્ષે પૂર્ણ થશે.
આ મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારીશ્રી નીતીન સાંગવાન, માર્ગ મકાનના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી સુરેશ ચારણીયા, એસ.ઓ. નંદાણીયા, મામલતદારશ્રી દેવકુમાર આંબલીયા અને સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડા, સહાયક માહિતી નિયામક નરેશ મહેતા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.