જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ
ગીરગઢડા, વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, ઉના તેમજ તાલાળાના મંજૂર થયેલા અને પેન્ડિંગ કામોને સત્વરે પૂર્ણ કરવા સૂચન
જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજાના અધ્યક્ષ સ્થાને, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈઓ તથા અન્ય વિવિધ યોજનાઓ અંતર્ગત વર્ષ 2023-24 માટે રજૂ કરવામાં આવેલા અંદાજે રુ. સાડા સાત કરોડના 319 જેટલા વિકાસ કામો તેમજ તમામ નગરપાલિકા અંતર્ગત 1 કરોડ 28 લાખના 16 કામો મંજૂર કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજાએ વિવિધ વિભાગના સર્વે અધિકારીઓને આયોજન મંડળમાં મંજૂર થયેલા કામોના પ્લાનના એસ્ટીમેટને ટૂંક સમયમાં રજૂ કરી આ મંજૂર કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યુ હતું
આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાએ આયોજન મંડળમાં મંજૂર થયેલ કામો સત્વરે હાથ ધરી સુચારૂ અને પદ્ધતિસર સમય મર્યાદામાં પૂર્ણ થાય તેની તકેદારી રાખવા વિવિધ વિભાગના સંબંધિત અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી તેમજ જિલ્લા આયોજન મંડળ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી શ્રી લલીતભાઈ અમીને વર્ષ 2023-24ના વર્ષની વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઈઓનું આયોજન રજૂ કર્યુ હતુ.
આ બેઠકમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા, ધારાસભ્ય વિમલભાઈ ચૂડાસમા, વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ શ્રી પિયુષભાઈ ફોફંડી તેમજ જિલ્લા વિકાસ અધિકારીરવિન્દ્ર ખતાલે, નગરપાલિકા ચીફ ઓફિસર દેવેન્દ્ર પ્રકાશ મીણા, અધિક કલેક્ટર બી.વી.લિંબાસિયા, પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ તાલુકા તથા નગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ સહિત સર્વે ઉપસ્થિત રહ્યા હતા.