“ધોળી ધજા ડેમમાંથી તી વ્યાપક પાણી ચોરી આ એક જ ચોરીનો ગુન્હો પકડાતા જડબેસલાક બંધ થઈ ગઈ
જેમ અમુક વ્યકિતને દારૂ,ગાંજો, અફીણ કે ડ્રગનું બંધાણ કેઆદત હોય છે તે આમ તો એક કુટેવ કે એક પ્રકારની મનોવૃત્તિ કે માનસીકતા થઈ ગઈ હોય છે. કેટલાક લોકોને મીઠી કે ગળી ચીજ ખાવાની પણ એવી આદત થઈ જાય છે કે તેને મધુપ્રમેહ (ડાયાબીટીસ) થઈ જાય, તેને કારણે લોહીનું દબાણ ઉંચુ રહે પણ ગળપણ વગર નથી ચાલતુ, પછી ભલે જે થવાનું હોય તે થાય તે રીતે સમાજમાં અમુક વ્યકિતઓને રાજકારણનો પણ જલદ નશો હોય છે. જીવન સતત રાજકારણમય જ હોય છે.તે પ્રમાણે કેટલાક લોકોને પૈસા રૂપીયાનું એવું ઘેલું લાગેલુ હોય છે કે કરોડો અને અબજો રૂપિયા કમાયા હોય છતા નાની નાની ચીજોની ચોરી કરતા હોય છે.
આવો જ એક બનાવ મુળી તાલુકાના શેખપર ગામે બનેલ આમ તોમનુભાઈ મદ્રેસી સુરેન્દ્રનગર જિલ્લા આખામાં બહુ પ્રખ્યાત, મોટા ગજાના પૈસાદાર ઉદ્યોગપતિ તેમને બાંધકામનો મોટો વ્યવસાય વળી રાજય કક્ષાના પ્રજાપક્ષના મોટા ગજાના રાજકારણી તેઓએ લગભગ બસો વિઘાનું ફાર્મ શેખપર અને સુરેન્દ્રનગર વચ્ચે રાખેલું તેમાં તેમના બાંધકામ વ્યવસાયનો વધારાનો સામાન જેવા કે જેસીબી, બુલડોઝર, ટ્રેકટરો, ડોજરો, મીક્ષચરો વિગેરે માટે અલાયદુ ગોડાઉન અને છાપરા જેવુ બનાવેલું હતુ આ ફાર્મ શેખપરની સીમમાં ભોગાવો નદી ઉપર ધોળીધજા ડેમના કેચ-અપ (પાણીસંગ્રહ) એરીયાનાં કાંઠે લાંબા પટ્ટે આવેલું હતુ હજુ ફાર્મમાં હાઉસ બનાવવાનું બાકી હતુ પણ બાકીની જમીનમાં મોટા પાયે ખેતી ચાલુ કરાવી દીધી હતી.
તે વર્ષ દુષ્કાળનું વર્ષ હતુ પણ દોળીધજા ડેમમાં પાઈપ મૂકી ઈલેકટ્રીક મોટરો વડે પાણી ચોરીને મોલાતને પાતા હતા. મુળી મામલતદાર સેવંતીલાલે સજજનતાપૂર્વક અને જ્ઞાતીની રૂએ મનુભાઈને કહેવરાવ્યું કે આપના જેવા શ્રેષ્ઠીને આ સારું લાગતુ નથી. કેમકે એક બાજુ આખુ સુરેન્દ્રનગર પાણી વગર પરેશાન છે. અને તમારે આ ખેતીની આવા સમયે કયાં જરૂર છે? તમારે ભગવાનની મહેરબાની છે. પરંતુ મનુભાઈ ને નશો પૈસાદાર તરીકેનો અથવા રાજકારણી તરીકેનો જે હોય તે પણ નશામાં સેવંતીલાલને વળતો જવાબ પાઠવ્યો કે ડોસા થોડા સમયમાં નિવૃત થઈશ પછી તારો કોઈ ભાવ પૂછવાનું નથી તેથી સલાહ દેવાનું ડહાપણ કરવું નહિ. સેવંતીલાલ પણ વાણીયાનો દિકરો ત્યારે તો ‘ઘા’ ખાઈ ગયો તાત્કાલીક કોઈ પ્રત્યાઘાત આપ્યા નહિ પણ મનમાં તો આંટી પડી ગઈ.
દુષ્કાળને કારણે ભર ઉનાળે જમીનમાં તો પાણી ડુકી ગયા પાણીનું વિસ્તરણ ઓછુ થતા જનતામાં ત્રાસ થઈ ગયો હતો તે સમયે હજુ નર્મદાના નીર આવ્યા ન હતા. તે જ રીતે ધોળીધજા ડેમનાં પણ તળીયા દેખાવા લાગ્યા હતા પરંતુ પત્રકારો તો મસાલો ગમે ત્યાંથી શોધી છાપામાં સમાચારો છાપ્યા કે ધોળીધજા ડેમમાંથી જ પાણીની ચોરી થાય છે. સુરેન્દ્રનગરમાં પાણીનો બોકાસો બોલતો હતો રાજય સરકારે જ હુકમ કર્યો કે ડેમમાંથી કોઈ પાણી ઉપાડે તો ચોરીનો જ ગુન્હો ભારતીય ફોજદારી અધિનિયમ ક ૩૭૯ મુજબ જ દાખલ કરવો. વાયરલેસ મેસેજ મુળી પોલીસ સ્ટેશનમાં પણ આવ્યો મુળી વિસ્તારમાં ગૌતમગઢ ગામની સીમમાં ભોગાવો નદી ઉપર જ નાયકા ડેમ હતો.
પણ તેનું પાણી સુરેન્દ્રનગર શહેર માટે દરવાજા ખોલી ધોળીધજા ડેમમાં જવા દીધેલુ તેથી ખાલી હતો. પણ શેખપર ગામની સીમમાં જે ધોળીધજા ડેમનું પાણી ભરાઈ રહેતું તેમાં પાણી ચોરી થતી ફોજદાર જયદેવને થયું કે નાના નાના બે ચાર વિઘા જમીન વાળાને શું મારવા, મારવો તો મોટો ખાતેદાર તેની ધરપકડ થાય એટલે મોટા સમાચાર સન્નાટા વાળા બને એટલે પાણી ચોરીના પરચૂરણીયા આપો આપ ચોરી બંધ કરી દે. આથી જયદેવે કોન્સ્ટેબલ જયુભાને આવો અજગર પાણી ચોરની માહિતી મેળવવાનું કામ સોંપ્યું.
જયુભા મુળી માંડવરાયજી મંદિરે દર્શન કરવા આવેલા શેખપરનાં અગ્રણી હરપાલસિંહ ઉર્ફે તાલબ શેઠને જ રૂબરૂ લઈ આવ્યા જયદેવે તેમને કહ્યું કે શેખપર ના દરબારો ધોળીધજા ડેમમાંથી પાણીની બહુ ચોરી કરે છે. શું વાત છે? તાલબ શેઠ હંસતા હંસતા કહ્યું બે ચાર દરબારોના ખેતરો ડેમનાં કાંઠે કોરા ધાકોડ પડયા છે.
આ તો દરબારોની મથરાવટી મેલી જયાં અને ત્યાં જેમ ‘હલકુ નામ હવાલદારનું’ તેમ દરબારોનું નામ આવે. મોટો અને સાચો ચોર તો અડધા સુરેન્દ્રનગરનું પાણી પી જાય છે. મનુભાઈ મદ્રેસી વાળાની પાંચ પાંચ મોટરો આખી રાત્રી અને સવારના નવ વાગ્યા સુધી ધમધમે છે. પણ રામાયણમાં સંત તુલીદાસજીએ કહ્યું છે ને કે ‘સમરથકો નહિ દોષ ગોસાઈ…’ તે ન્યાયે મનુભાઈ ધનપતિ, મોટાછેડા, ધંધા પણ મોટા અને મોટુ રાજકારણ તેનું નામ કોણ લે? વળી મામલતદાર પણ તેમના નાતીલા બોલો હજુ વધારે કાંઈ, કહું? જયદેવે કહ્યું ના તમે સાચુ કહ્યું જયદેવને જે માહિતી જોઈતી હતી તે મળી ગઈ. જયદેવને વિચાર આવ્યો કે જો એકલો પોતે આ મનુભાઈ ઉપર કાર્યવાહી કરશે તો એક એવું તો છે જ કે જયદેવ મોટા મોટા રાજકારણીઓ ને જ સળી કર્યા કરે છે.
કેમકે હંમેશા બનારાજાની ફરિયાદ તો ઉભી જ હોય, પોરબંદરના સંસદ સભ્ય ઉપર દારુનોકેસ કર્યો. તેથી નવા આવેલા પોલીસ વડા જયદેવની આ રાજકારણીઓને સળી કરવાની પધ્ધતિને કારણે જ મુળીથી બદલવા તૈયાર થયા હતા. પરંતુ જયદેવ બજાણા પોલીસ સ્ટેશન માટે તૈયાર ન થયો તો હવે કયાંક ખૂણાના કામવગરની જગ્યાએ નિમણુંક થવાની સંભાવના તો હતી જ તેમાં પ્રજા પક્ષના આ મોટાગજાની વ્યકિત ઉપર કાર્યવાહી થાય તો વાત પુરી જ હતી.
જયદેવે વિચાર્યું કે કલેકટરે જે વાયર લેસ મેસેજ ડેમના પાણીની ચોરી અટકાવવાનો અને તે અંગે જે ગુન્હો નોંધાય તે પણ ચોરીની કલમો મુજબ દાખલ કરવાના સરકારના આદેશ અંગેનો આવેલ તેની નકલો મામલતદાર અને ટીડીઓને પણ આપેલ હતી તેથી જો મામલતદારને આ રેઈડમાં સાથે લઈએ તો રાજકારણીઓ કે અધિકારીઓ ફોજદાર જયદેવને દોષ આપશે નહિ અને જયદેવ ઉપર જે મોટા રાજકારણીઓને સળી કરવાનું આળ છે તે પણ રહેશે નહિ.
આથી જયદેવે મામલતદાર સંવેતીલાલને ટેલીફોન કરી ધોળીધજા ડેમમાંથી થતી પાણી ચોરી અંગે રેઈડમાં સાથે આવવા આમંત્રણ આપ્યું આથી મામલતદારે કહ્યું ચોકકસ કાલે સવારે આઠ વાગ્યે હું કચેરીમાં હાજર જ હોઈશ તેથી દસ વાગ્યા સુધીમાં પાછા આવી જવાય તે રીતે કાર્યક્રમ ગોઠવજો.
જયદેવને મનોમન થયું કે મેળ બરાબર થયો છે મનુભાઈની મોટરો પણ નવ વાગ્યા સુધી ડેમમાંથી પાણી ચોરે છે. આઠ વાગ્યે નીકળીને સાડા આઠ વાગ્યે ચોરીવાળી જગ્યાએ પહોચી જવાશે. રાયટર જયુભાએ મનુભાઈનું આ ફાર્મ જોયેલુ હતુ રેઈડ માટે જવાનોને સવાર આઠ વાગ્યે યુનિફોર્મ પહેરી આવી જવાની વર્ધી અપાઈ ગઈ.
નકકી કર્યા મુજબ બીજે દિવસે સવારે આઠ વાગ્યે મામલતદાર અને પોલીસની જીપો સુરેન્દ્રનગર હાઈવે ઉપર ચડી શેખપર ગામ વટીને થોડે દૂર જતા જયુભાએ રસ્તાની ડાબી બાજુ જીપો લેવરાવી અડધો એક કીમી કાચા રસ્તે જતા જ મનુભાઈનું ફાર્મ આવ્યું આ કારમા દુષ્કાળમાં પણ બસ્સો વિઘાનું ફાર્મ લીલુછમ મોલાતોથી લહેરાઈ રહ્યું હતુ પણ તે સુરેન્દ્રનગરની જનતાના પીવાના પાણીના ભોગે ! ફાર્મનો પશ્ચિમ બાજુનો બીજો શેઢો જ ધોળીધજા ડેમમા પડતો હતો. ત્યાં ડેમમાંથી પીવીસીની પાઈપ લાઈનો દ્વારા ઈલેકટ્રીક મોટરોથી ધોળીધજા ડેમમાંથી પાણી ખેંચવાનું ચાલુ હતુ. સામાન્ય રીતે મનુભાઈના માણસો જનતા કોઈ વાહનો જાય તો જવાબ પણ દેતા નહિ પરંતુ પોલીસની જીપ જોઈ એટલે પાણી વાળતા પાણીયા ભાગવા લાગ્યા છતા પોલીસે એક નજીકનાં માણસને તો દોડીને પકડી જ લીધો. જયદેવને મનમાં એવો વહેમ હતો કે જયારે મામલતદારને એમ ખબર પડશે કે મનુભાઈનું ફાર્મ છે તોતુરત નરમ થઈ જશે.
આથી જયદેવે આંખ મીચકારી કોન્સ્ટેબલ પ્રતાપસિંહને ઈશારો કરી ને જણાવ્યું કે આ માણસને મામલતદાર પાસે જ રજૂ કરો. મામલતદારે આ પાણીયાને જ પુછયું એલા આ કોનું ફાર્મ છે? પેલા માણસે કહ્યું ‘સાહેબ મનુભાઈ પ્રજાપક્ષ વાળાનું છે’ જયદેવને એ નવાઈ લાગી કે પાણીયાએ મનુભાઈનું ફાર્મ હોવાનું કહેતા જ જાતે વાણીયા અને પીઢ અધિકારી સેવંતીલાલ એકદમ આક્રમક થઈ ને પકડાયલે પાણીયાને એક જોરદાર ઝાપટ ઝીંકી દીધી અને તાડુકયા કે તારા શેઠને રાજકારણ અને પૈસા બંનેની ‘મગજમાં રાઈ ભરાઈ ગઈ છે’ હવે હું જોઉ છું કે તેને કોણ બચાવી શકે છે. પોલીસે પાંચેય મોટરો પાઈપલાઈનો તથા પાણી વાળવાના પાવડા કોદાળી વિગેરે બધુ પંચનામુ કરી કબ્જે કર્યું. જયદેવે સેવંતીલાલને ધીરેથી પૂછયું કે ફરીયાદી કોને બનાવીશું? આથી સંવેતીલાલે કહ્યું મને જ ફરિયાદી બનાવો અને એફ.આઈ.આરમાં ફાર્મનાં માલીક મનુભાઈનું નામ મુખ્ય આરોપી તરીકે જલખો.
જયદેવે ને ‘દોડવું હતુ અને ઢાળ મળ્યો’ મનુભાઈ વિરુધ્ધ મામલતદારની પુરાવાકીય રીતે સખત અને ખામી રહીત ફરિયાદ લખી ગુન્હો દાખલ થતા તપાસ પણ જાતે જ શરુ કરી. પરંતુ ખંધા રાજકારણી મનુભાઈ એમ ગાંજયા જાય તેમ નહતા તેણે પણ સેવંતીલાલને અને તેની ફરિયાદને ખોટી પાડવા ‘કમર કસી’ તેમણે બીજો ખેડુત તૈયાર કરી અગાઉની તારીખોમાં જ આ ફાર્મ ઉધડુ વાવવા આપી દીધાનું સોગંદનામું નોટરી પાસે આગળની અગાઉની તારીખમાં જ એક વર્ષ માટે આપ્યાનું તૈયાર કરાવી દીધું.
અને આ સોગંદનામાની એક નકલ મુળીના ધારાસભ્ય અને રાજયના પ્રધાનને આપી ભલામણ સાથે ફોજદાર જયદેવને મોકલી રાત્રીનાં સમયે આ મંત્રી શ્રી મુળી આવી ખાનગીમા જયદેવને કહ્યું કે હુ આ પહેલુ કામ તમને સોંપું છું મહેરબાની કરી મનુભાઈને બચાવી લ્યો જયદેવે કહ્યું કે આ વ્યકિતને સુરેન્દ્રનગર શહેરની જનતાનું પીવાનું પાણી ચોરે છે અને તમારી સરકારના હુકમને પણ ગાંઠતો નથી તેને માટે શુ ભલામણ? જયદેવે કહ્યું આ સોગંદનામાને ખોટુ સાબિત કરીને હું આ અજગર મનુભાઈને તો પકડીશ જ. મંત્રી શ્રીને જયદેવની કાર્ય પધ્ધતિની અને સ્વભાવની ખબર હતી કે તે કોઈને ગણકારતો નહિ અને ચમર બંધીને પણ સબક ખવતો.
આથી મંત્રી શ્રીએ વધારે આગ્રહ અને લાગણીથી ભલામણ કરી એટલે જયદેવે તેમને કહ્યું કે તમે તો રાષ્ટ્રીય પક્ષના છો અને મનુભાઈતો પ્રજાપક્ષના છે, જો તમારા પક્ષના હોય તો વાત કાંઈક સમજાય પણ આ નથી સમજાતું જેથી મંત્રીનીએ હંસતા હંસતા કહ્યું કે તે રાજકારણી પછી પહેલા ઉદ્યોગપતિ છે. મસ મોટો ફાળો ચૂંટણી વખતે મને આપ્યો હતો તો મારે આટલું તો કામ કરવું પડે ને? જયદેવે કહ્યું ભલે હું અત્યારે તો આ એફીડેવીટ (સોગંદનામું)ને માન્ય ગણું છું જો અધિકારીઓ કે બીજી કોઈ બબાલ નહિ થાય તો મને કાંઈ વાંધો નથી. મંત્રીશ્રીએ કહ્યું કે કોઈને કાંઈ પડી નથી તમે જ આટલુ ચીકણુ કરો છો જયદેવ હસ્યો મનમાં થયું કે જનતાની પણ કોને પડી છે?
બીજે દિવસે મામલતદારને આ સોંગદનામા વાળી વાતની ખબર પડી આથી તેમણે જયદેવને ટેલીફોન કર્યો કે સાહેબ મનુભાઈનું નામ તો આરોપી તરીકે રહેવું જ જોઈએ મારી પ્રતિષ્ઠાનો સવાલ છે જો તેનું નામ જે મે એફ.આઈ.આર.માં આપેલ છે. તે નીકળી જાયતો મારે નીચા જોણુ થાય. ફરીથી જયદેવની હાલત ‘સુડી વચ્ચે સોપારી’ જેવી થઈ એક બાજુ સ્થાનીક ધારાસભ્ય કમ મંત્રી અને બીજી બાજુ મામલતદાર શું કરવું? જયદેવ બરાબર મુંજાયો પછી તેણે તેના અંતરાત્માને પુછયું કે શું કરવું? અંતરાત્મામાં અવાજ આવ્યો ‘સત્ય મેવ જયતે’ મામલતદાર જ સાચા હતા. મંત્રી શ્રીને તો ગોળ ગોળ વચન આપ્યું હતુ. જયદેવે તુરત જ યુકિત લડાવી સોગંદનામાના ખંડન માટે કાર્યવાહી શ‚ કરી મામલતદાર સેવંતીલાલ નો રુબરુમાં જઈ વિશેષ જવાબ લીધો. જયદેવે તેમાં ઉલ્લેખ કરાવ્યો કે સોગંદનામું શંકાસ્પદ છે. અને આ પાણી ચોરી થતી હતી તે ઈલેકટ્રીક મોટરોના જોડાણો ફાર્મના માલીકના છે અને વીજ બીલનું ચૂકવણું પણ ફાર્મ માલીક જી.ઈ.બી.ને નિયમિત રીતે મોટી રકમનું તેઓ જ ભરપાઈ કરે છે.
વળી પાછી તપાસની દિશા મનુભાઈ તરફ થઈ જી.ઈ.બી.માંથી આ વીજ જોડાણોના દસ્તાવેજો બીલો વિગેરે મેળવતા આ વીજ જોડાણો અને વીજ બીલો મનુભાઈના પુત્ર ચિરાગના નામના નીકળ્યા. જયદેવે ચિરાગની પાણી ચોરીની મદદગારી કાવત્રામાં ધરપકડ કરી મામલતદાર પણ ખુશ અને મંત્રી પણ ખુશ !
ચિરાગની ધરપકડ થઈ તે જીલ્લાનાં ધરખમ અને ખમતીધર રાજકીય નેતા મનુભાઈ જેટલા દુ:ખી થયા તેથી વિશેષ તેઓ જે છાપાઓમાં સમાચાર રુપે જાહેરાત થઈ તેથી વધુ દુ:ખી થયા. અસંતોષ તો અસંતોષ જ વ્યકત થયા વગર ન રહે તે સમયે સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ટોયાપણ’ની પધ્ધતિ ચાલતી આ ટોયાપણ અમુક ગામ કે ગામોનાં ખેડુતો એકઠા થઈને ચોરીથી કે ભેલાણથી નુકશાન ન થાય તે માટે વાર્ષિક રકમ ખેડુત દીઠ નકકી કરી ચોકીદારીનો વાર્ષિક ઈજારો જ અમુક પાર્ટીને આપી દેતા તેને ટોયાપણ કહેતા જો ખેડુતને ચોરીકે ભેલાણથી નુકશાન થતુ અટકાવવાનું અને છતા નુકશાન થાય તો તે નુકશાની ઈજારદારે ભરપાઈ કરવા કરાવવાની રહેતી. પરંતુ મનુભાઈએ તો પોતાના ફાર્મ ઉપર પોતાના જ ચોકીદારો અમુક ખાસ કોમના રાખ્યા હતા તેથી ટોયાપણનો પ્રશ્ન નહતો.
એક દિવસ મનુભાઈના ફાર્મનો વહીવટદાર માણસ પોલીસ સ્ટેશને આવ્યો અને ફરિયાદ કરી કે તેમના ફાર્મમાં પડેલા બે જેસીબી બુલડોઝરના બે ફયુઅલ પંપની ચોરી થઈ છે. આ ફયુઅલ પંપ એકની કિંમત રુ.૩૨૦૦૦ તે સમયના ઘણા વધારે કહેવાય. જયદેવને નવાઈ લાગી કે ગુનેગાર માથાભારે કોમના ચોકીદાર હોવા છતા ચોરી થાય? પણ બીજુ કાંઈક કારસ્તાન લાગે છે. તેમ માની જયદેવે ચોરીની ફરિયાદ લઈ લીધી અને ઉંડાણ પૂર્વક તપાસ શ‚ કરી ચોકીદારો અને મજૂરોની ચોવીસેય કલાક હાજરી હતી જ. પરંતુ મનુભાઈ અને ચિરાગે ખાસ નિવેદન લખાવ્યા કે અમારા ચોકીદારો અને મજૂરો વર્ષો જુના અને અતિવિશ્વાસુ છે. અમને તેમની ઉપર પૂરો ભરોસો છે. તેથી તેમની કડકાઈથી પૂછપરછ કરવી નહિ. અમારે વળી નવા ચોકીદાર કયાં શોધવા?
જયદેવે ઉંડાણ પૂર્વક્અને યુકિતથી તપાસ ચાલુ કરી આજુબાજુનાં ખેતર સીમ વાળાના નિવેદનો લીધા કોઈને મનુભાઈના ફાર્મમાં જવાનો વ્યવહાર જ નહતો. કોઈ ગુન્હા બાબતે પ્રકાશ પાડતી હકિકત જણાવતા ન હતા. તે હકિકત પણ અમુક નિર્દેશ અવશ્ય કરતી હતી ચોરીમાં ગયેલ ફયુઅલ પંપોની કિમત ખૂબ મોટી હતી. પરંતુ વસ્તુ સાવ નાની 3″X3″X6″ની સાઈઝના લંબચોરસ પંપો જે એક થેલીમાં આવી જાય તેવા નાનાકદના હતા. આ બુલડોઝરના ફયુઅલ પંપો એટલે તેના કાર્બોરેટર, જેમ મોટર સાયકલમાં જવલન માટે કાર્બોરેટર હોય છે તેમ બુલડોઝરમાં ફયુઅલ પંપ હોય છે.
જયદેવને મનમા થયું કે નકકી ચિરાગને પાણી ચોરીમાં પકડયો તેથી નારાજ થઈ ને આ લોકોએ પોલીસને ધંધે લગાડવા આ જાહેરાત કરી લાગે છે. પરંતુ જયદેવે પણ ‘એડી ચોટીનું જોર લગાવી’ ને આ ચોરીનો ગુન્હો શોધવા પોતાના માણસો અને બાતમીદોને કામે લગાડયા.
શેખપર ગામનાં એક આખા બોલા અને મશ્કરી વાળા સ્વભાવના હ‚ભા હતા તેમને જયદેવ મળ્યો અને પુછયું કે બાપુ શું લાગે છે ચોરીમા? અનુભવે એવું જણાયું છે કે ઘણી વખત ગામડાના લોકોની તર્ક શકિત પણ નવાઈ પમાડી દે તેવી હોય છે. હ‚ભાએ કહ્યું સાહેબ અહી ગામમાં એકેય મોટરકાર પણ નથી તો આ ગામના માણસોને આ ફયુઅલ પંપ શું કહેવાય અને આવડા મોટા જેસીબીમાં તે કયાં આવેલ હોય તેની પણ ખબર ન હોય. જયદેવે કહ્યું સાચી વાત છે. આ જેસીબીનાં આ પંપો આટલી કિંમતી છે.
તેની લોકોને ખબર પણ શું હોય ? હ‚ભાએ કહ્યું કે માનો કે અમારા ગામનાં કોઈ કે આ ચોરી કરી તો તે પંપ બે કીલો વજનના લોખંડના ભંગારમાં જ દેવાના? અને તેને માટે આટલા ચોકીદાર અને માણસો વચ્ચે જઈ જોખમ લેવાનું કોઈ સાહસ કરે ? જયદેવને મન ૫૦%તો ગુન્હો ડીટેક્ટ થઈ ગયો લાગ્યો હવે મુદામાલ કેમ મેળવવો તે જ બાકી રહ્યું હતુ ચોરી તો આ ફાર્મના અંદરના અને જાણકાર વ્યકિતએ કરી હોવાનું આ ઉપરથી નકકી થતું હતુ. જયદેવે વિચાર્યું કે ફયુઅલ પંપ ભંગારમાં દેવા માટે નહિ પરંતુ પંપની બજારનાં જાણકારે જ આ ‘હાથ અજમાવ્યો’ હોય તેમ લાગે છે. સુરેન્દ્રનગરમાં તે સમયે જેસીબી બુલડોઝરનું કોઈ બજાર હતુ નહિ પણ રાજકોટમાં કાંઈક કદાચ અતો પતો લાગે તેમ વિચારી જયદેવે આ મનુભાઈના ફાર્મનાં ચોકીદારને અમસતોજ રાજકોટ તપાસમાં લઈ જવાનું વિચાર્યું.
કોન્સ્ટેબલ પ્રતાપસિંહને મુળીથી જ સમજાવી રાખેલા કે ચોકીદારને વિશ્ર્વાસમાં લઈ ચા-પાણી નાસ્તા કરાવી યુકિતપૂર્વક એટલુ જાણી લેવું કે હાલમાં નહિ પણ અગાઉ કયારેય રાજકોટ ભંગાર વાડે આવેલ કે કેમ?
જીપ ચોટીલા હાઈવે ઉપર ચા-પાણી પીવા ઉભી રહેતા ત્યાં પ્રતાપસિંહે ચોકીદારને ચા-પાણી પીવરાવી વિશ્ર્વાસમાં લઈ વાતની નાખણી કરી અને ચોકીદારે અગાઉ શેઠ જોડે રાજકોટ ભાવનગર રોડ ઉપર આવેલ ડેલાએ આવેલનું જણાવી દીધું રાજકોટ આવી જયદેવે ભકિતનગર વિસ્તારમા એક બે વાડાએ અમસ્તોજ આંટો માર્યો અને ફરતા ફરતા છેલ્લે ચોકીદારે જણાવેલ ડેલાએ આવ્યા પોલીસ અને ચોકીદારને દૂર જ ઉભા રાખી જયદેવે ડેલાના માલીકને કહ્યું કે આ માણસ બે ફયુઅલ પંપ અહી આપી ગયો છે. તો ડેલા વાળાએ કહ્યું હા પણ આ વ્યકિતને અમે નથી ઓળખતા પણ ચોટીલા વાળા ભુરાભાઈ આની સાથે લાવેલા અને પંપો અમે લીધેલા અને આ પંપ ધણી સારી સ્થિતિ ના હોય અમોએ ભંગારમાં નહિ ફેંકતા પૂના મોકલેલ છે.
જયદેવ જીપ પાસે ચોકીદારને મળ્યો અને કહ્યું કે ડેલા વાળાએજ જણાવ્યું છે કે તું અને ભૂરો ચોટીલા વાળા અહી બે પંપો આપી ગયા છો. ચોકીદારને પરસેવો વળી ગયો જયદેવે વાણીથી ત્રીજુ નેત્ર કેવું હોય તે દર્શાવ્યું પરંતુ ચોકીદારે તુરત જ કહ્યું ‘સાહેબ ચિરાગ શેઠે જ આ ચોરી કરવા નું કહ્યું હતુ અને મળેલ રુપીયામાંથી મોટાભાગના તેમણે જ ખીસ્સા ખર્ચી માટે રાખી લીધા છે. અમને તો વાપરવા પૂરતા જ આપ્યા હતા ! જયદેવને શંકા ગઈ તેથી પ્રતાપસિંહને પુછી લીધું કે આ ધનપતીનો કોલેજીયન પુત્ર આવું કરી શકે? ‘પ્રતાપનસિંહે ઠંડા કલેજે જવાબ આપ્યો કે સાહેબ ‘જુના પેટમાં લીખુ જ પાકે’ને? તેનો બાપ જનતાના પાણીની ધોળીધજા ડેમના પાણીની ચોરી કરે તો તેનો પુત્ર મોજ ઉડાડવા ખર્ચા ના ‚પિયા આમ જ કાઢેને?
જયદેવ ચોટીલા આવ્યો ભુરા ભંગાર વાળાને ઉપાડયો તે પણ સાચુ બોલી ગયો રાત્રીનાં અગીયાર વાગ્યે મુળી પહોચ્યા, જકાત નાકે થોડીવાર ઉભા રહ્યા જકાત ઈજારદાર મહિપતસિંહે આ બનાવ અંગે ચર્ચા કરી જયદેવે કહ્યું અત્યારે જ સુરેન્દ્રનગર મનુભાઈને ફોન ક‚ છું મહિપતસિંહે કહ્યું ‘સાહેબ હું મનુભાઈને ઓળખું છું રાત્રીનાં સાડાદસ વાગ્યા પછી લાખો ‚પિયાનો ફાયદો હોય તો પણ ઘર બહાર નીકળતા નથી અને નથી લાગતુ કે તેઓ અત્યારે ફોન ઉપાડે. ‘જયદેવે કહ્યું એમ? જોઉ ત્યારે મનુભાઈ ફોન ઉપાડે છે કેકેમ તથા અડધી રાત્રે મુળી દોડે છે.
કે નહિ. કુદરતી નિયમ છે કે જેણે ખોટુ કર્યું હોય તેના મનની શાંતિ અને સલામતીતો ચાલી જ જાય છે. જયદેવની ઈચ્છા મહિપતસિંહને બતાવી દેવાની હતી કે જો ફોન ઉપડે તો મનુભાઈ પણ અડધી રાત્રે મુળી દોડી આવે તો તેની ફોજદારી પાકી નહિતો કાચી મનુભાઈએ ફોન ઉપાડયો. જયદેવે કહ્યું મનુભાઈ તમારો ગુન્હો શોધી કાઢેલ છે. બે આરોપીઓ તમારો ચોકીદાર અને ચોટીલાના ભૂરાને પકડી લીધા છે. આ કાવત્રામાં તમારા ચિરંજીવી ચિરાગ પણ સામેલ છે. ‚પિયા તેમને પણ મળેલ છે. અત્યારે તો અમે કાગળો તૈયાર કરીએ છીએ ચિરાગનો આ ચોરીનો બીજો ગુન્હો છે. હવે તેનું હીસ્ટ્રીશીટ પણ બનાવવું પડશે. પણ તેની આવતી કાલે વાત કહીને ફોન મૂકી દીધો.
જયદેવે વાળુ પાણી કરીને બારેક વાગ્યે જકાત નાકે આવ્યો મહિપતસિંહ ત્યાં જ હતા. તેમણે કહ્યું ચોટીલાથી રાષ્ટ્રીય પાર્ટીના જિલ્લા કક્ષાના નેતા નુરુદીનભાઈનો ફોન હતો કે તેઓ ભુરા માટે ભલામણ અર્થે અત્યારેજ આવે છે. જયદેવે કહ્યું મનુભાઈ પણ અત્યારે સુરેન્દ્રનગરથી આવશે. મહિપતસિંહે કહ્યું ના આવે બોલો કેટ કેટલાની શરત? ‘જયદેવે કહ્યું જુઓ તો ખરા શું થાય છે? હજુ બંને વાતો કરતા હતા ત્યાંજ જકાત નાકે એક એમ્બેસેડર કાર આવી ને ઉભી રહી મહિપતસિંહને એમ કે જકાતનું કાંઈક કામ હશે તેથી ત્યાં ગયા તો મનુભાઈ !
મહિપતસિંહે કહ્યું તમે તો મોટા મોટા માથા અને રાજકારણીઓ અને ધનપતિને પણ અડધી રાત્રીનાં દોડતા કરી દીધા. જયદેવે કહ્યું કે વાસ્તવીક રીતે ધનપતિ પણ કોઈક આવા વૃતિના ગરીબ પણ હોય છે!