સામાજિક અને સેવાકિય કાર્યો સાથે સંકળાયેલી સંસ્થાઓ જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ અને જિલ્લા લેઉવા પટેલ સમુહલગ્ન સમિતિના માધ્યમથી આગામી દિવસોમાં કોરોનાના કારણે નિરાધાર બનેલા 100 પરિવારોને રોજગારી પુરી પાડીને પગભર બનાવવાનું અભિયાન હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં બહેનોને સિલાઈ મશીન તથા ભાઈઓ અને યુવાનોને સાધન-સહાય આપવામાં આવશે.
કોરોનાના પ્રકોપમાં ગુજરાતમાં હજારો પરિવારો નિરાધાર બન્યા છે. અમુક પરિવારોમાં તો બે-ત્રણ સભ્યોના એક સાથે અવસાન થયા છે. આવા અનેક પરિવારોના માળા પિંખાઈ ગયા છે. કુદરતના આ કહેરમાંથી આવા પરિવારોને ઉગારવા અને માનવતાના ધોરણે એક-બીજાને મદદરૂપ થવાના આશયથી જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ સમુહલગ્ન સમિતિ અને મહિલા મંડળના માધ્યમથી આગામી દિવસોમાં એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંગે વિગતો આપતા સમુહલગ્ન પ્રણેતા હરસુખભાઈ વઘાસિયાએ જણાવ્યું છે કે, અત્યાર સુધી ઉદાર હાથે મદદ કરીને સહયોગી બનેલા દાતાઓના સહકારથી આ સંસ્થાઓના માધ્યમથી 100 પરિવારોને રોજગારી પુરી પાડવાનું નક્કી કરાયું છે.
આખા અભિયાનની રૂપરેખા નક્કી કરીને આગામી દિવસોમાં તબક્કાવાર કાર્યક્રમોના આયોજનો કરવામાં આવશે. કોરોનાનો કહેર હશે તો સોશિયલ ડિસ્ટન્સ, ભીડ એકત્ર ન થાય તેનું ધ્યાન રાખીને અભિયાન આગળ ધપાવવામાં આવશે. સંસ્થાના કાર્યકરો દ્વારા ઘરે ઘરે ફરીને સર્વે કરવામાં આવશે. પુરતી તપાસ કર્યા બાદ સાચા જરૂરિયાતમંદ 100 પરિવારોની યાદી તૈયાર કરવામાં આવશે. જેમાં બહેનોને સિલાઈ મશીન તથા ભાઈઓને સાધન-સહાય આપવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. જેથી કરીને કોરોનામાં નિરાધાર બનેલા પરિવારોને કોઈની સામે હાથ લાંબો કરવો પડે નહીં અને સ્વમાનભેર પરિવારનું ગુજરાન ચલાવી શકે.
એક તરફ અત્યારે મોંઘવારીએ માઝા મુકી છે. બીજી તરફ કોરોના અને રોગચાળામાં ધંધા-રોજગાર બંધ રહેતા લોકો આર્થિક પાયમાલ થઈ ગયા છે. આ સમયે એક માણસ તરીકે બીજા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી તે આપણી ફરજ છે. આ ફરજના ભાગરૂપે આ અભિયાન હાથ ધરાશે. કોઈ પર ઉપકાર કરવાના આશયથી નહીં પરંતુ મદદરૂપ બનવાના હેતુ સાથે સહાય કરવામાં આવશે. જરૂરિયાતમંદ પરિવારો પુરૂષાર્થ અને કર્મ થકી. આત્મનિર્ભર બને તેવી ભાવના સાથે સમગ્ર કાર્ય કરવામાં આવશે. આ વર્ષ પુરૂ થાય ત્યાં સુધીમાં તમામ પરિવારોને સહાય પહોંચાડવાનું લક્ષ્યાંક નિયત કરવામાં આવ્યું છે.
હરસુખભાઈ વઘાસિયાએ વધુમાં વિગતો આપતા કહ્યું છે કે, અત્યાર સુધીમાં કોરોનાકાળમાં રોજગારી ગુમાવનાર જરૂરિયાતમંદ 2200થી વધારે પરિવારોને લાંબો સમય ચાલે એવી રેશક કિટ્સ બનાવીને અર્પણ કરવામાં આવી છે. આ ઉપરાંત ઘણા લોકોને ઓક્સિજનની બોટલ સહિતની જરૂરી મેડિકલ સહાય પણ આપવામાં આવી છે. કોરોનાના કહેર પહેલાના આયોજનોમાં 4700 સિલાઈ મશીન સર્વજ્ઞાતિય બહેનોને અપાયા છે. 1950 દીકરીઓને સમુહલગ્નના માધ્યમથી સાસરે વળાવીને સમાજને ખોટા ખર્ચમાંથી બચાવ્યો છે. ગામડે ગામડે સમાજવાડી, ખેતીનો ઉત્કર્ષ સહિતના અભિયાનો આ સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવે છે. હાલમાં કોરનાકાળમાં સમાજસેવાની દિશા બદલીને રોજગારી તરફ લઈ જવામાં આવી છે. જે આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે.