- પોરબંદર : મોઝામ્બિક રહેતા ભારતીય યુવાન સાથે થયું કંઈક આવું ! ભાઈએ કહી આપવીતી
- મોઝામ્બિક રહેતા ભારતીય યુવાન વિનય સોનેજીનું થયું અપહરણ
- ફાયરિંગ કરીને અપહરણ કર્યું હોવાના CCTV આવ્યા સામે
- પોરબંદર સ્થિત ભાઈએ ન્યાય અપાવવા કરી માંગ
મૂળ પોરબંદર અને હાલ મોઝામ્બિક રહેતા યુવાન વિનય સોનેજીનું મોઝામ્બિકમાં ૩ દિવસ પૂર્વે ફાયરીંગ કરી અપહરણ થયું હતું. જે અંગે પોરબંદર સ્થિત ભાઈએ વિદેશ મંત્રાલય સહીત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી યોગ્ય પગલાં લેવા માંગ કરી છે. ફાયરિંગ કરીને અપહરણ કર્યું હોવાના CCTV સામે આવ્યા હતા. જેને લઈને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઇ છે.
મૂળ પોરબંદર અને હાલ મોઝામ્બિક રહેતા યુવાન નું મોઝામ્બિક માં ૩ દિવસ પૂર્વે ફાયરીંગ કરી અપહરણ થયું હોવા છતાં હજુ સુધી તેનો છુટકારો થયો ન હોવાથી તેના પોરબંદર સ્થિત ભાઈ એ વિદેશ મંત્રાલય સહીત ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરી વહેલીતકે મુક્તિ ની માંગ કરી છે.
પોરબંદર ના જય સોનેજી એ વિદેશ મંત્રાલય ,કલેકટર,એસપી સાંસદ અને ધારાસભ્ય સહીત ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરી જણાવ્યું છે કે તેના ૩૬ વર્ષીય ભાઈ વિનય સોહનભાઇ સોનેજી મોઝામ્બિક ના માપુટો ખાતે રહે છે અને છેલ્લા 16 વર્ષ થી ત્યાં જનરલ સ્ટોર ચલાવે છે તેઓ ૩/૩ ના રાત્રી ના ૮-૧૦ વાગ્યે પોતાની ગેના ગેના નામનો આ સ્ટોર વધાવીને ગુજરાતી સ્ટાફના બે માણસો અને એક ગાર્ડ સાથે દુકાન બંધ કરીને વિનય પોતાની ગાડી લેવા રોડ ક્રોસ કરતો હતો ત્યારે અચાનક જ એક કારમાં કેટલાક શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને કારમાંથી બે શખ્શો હથિયાર સાથે ઉતર્યા હતા અને વિનયભાઈની પાછળ દોડીને અંધાધૂંધ ફાયરીંગ કરવા લાગ્યા હતા. ગણતરીની સેકન્ડોમાં જ તેમનું અપહરણ કરીને તેઓ કારમાં ઉઠાવી ગયા હતા. વિનય સોનેજીના જનરલ સ્ટોર ‘ગેનાગેના’ માં હથિયારધારી સિકયુરીટી ગાર્ડ પણ રાખવામાં આવેલો હતો જ્યારે લૂટારૂઓએ અંધાધૂંધ ગોળીઓનો વરસાદ વરસાવ્યો ત્યારે તેઓ એ સિકયુરીટી ગાર્ડને પણ તેમની ભાષામાં ધમકી આપતા હતા કે ‘તે આડો આવવાની કોશિશ કરી તો પતાવી દઈશું’ આથી એ સિકયુરીટી ગાર્ડ પણ કંઇ બોલ્યો ન હતો અને ચૂપચાપ તમાસો જોતો હતો.
ત્યારબાદ રાત્રિના સમયે ત્યાં સ્થાનિકકક્ષાએ તેમના સાથીદારોને અપહરણ કરનારાઓ એ ફોન કરીને ત્યાંની 30 લાખ ની રકમ ની કરન્સી ની ખંડણી માંગી હતી આથી એ જે કહે તે રકમ આપવાની તૈયારી બતાવવામાં આવી હતી પરંતુ માત્ર એકજ શરત રાખવામાં આવી હતી કે વિનય સાથે ફોનમાં વાત કરાવી દે તેવી માંગ કરી હતી. અડધો કલાક પછી વાત કરાવશુ તેમ ફોનમાં કહ્યુ હતુ. પરંતુ ત્યારબાદ ત્રણ દિવસ વીતી ગયા છતાં લુંટારૂઓનો ફોન આવ્યો નથી. અપહરણ ની સમગ્ર ઘટના સ્ટોર ના સીસીટીવી કેમેરા માં પણ કેદ થઇ છે ૩ દિવસ વીતી ગયા છતાં અપહરણ કરનાર નો ફોન આવ્યો નથી અને વિનય ની મુક્તિ પણ થઇ નથી આથી ત્યાની પોલીસ માં પણ આ અંગે ફરિયાદ કરી છે તેમ છતાં હજુ સુધી વિનય ની ભાળ ન મળતા સમગ્ર પરિવાર ચિંતા માં મુકાયો છે અને વિનય ની વહેલીતકે મુક્તિ થાય તે માટે વિદેશ મંત્રાલય,મોઝામ્બિક એમ્બેસી,કલેકટર,એસપી,સાંસદ ,ધારાસભ્ય સહીત ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરી છે પોરબંદરમાં કોઈ મોટા ઉદ્યોગો નહીં હોવાથી અને બેરોજગારીનું પ્રમાણ વધુ હોવાથી રોજગારીની શોધમાં અનેક લોકો વિદેશ જાય છે. મોઝામ્બિકમાં પણ પોરબંદરના અસંખ્ય યુવકો જુદા જુદા સ્ટોરમાં કામ કરી રહ્યા છે. ત્યારે આ બનાવે ભારે ચકચાર જગાવી છે.
ઉલ્લેખનીય છે કે મૂળ પોરબંદરના અને ઘણા વર્ષોથી મોઝામ્બિક સહિત વિશ્વના અનેક દેશોમાં પોતાનું સામ્રાજ્ય બિઝનેશના માધ્યમથી જમાવનારા રીઝવાન આડતીયાનું પણ ત્યાં અગાઉ અપહરણ થયુ હતુ અને કેટલાક દિવસો સુધી બંધક બનાવ્યા બાદ ત્યાંની પોલીસે તેમને મુકત કરાવ્યા હતા.ત્યારબાદ ફરી હવે પોરબંદરના જ વધુ એક યુવાનનું ત્યાં બંદૂકના નાળચે અપહરણ કરવામાં આવ્યુ છે તેથી પરિવારજનો પણ ખૂબજ ચિંતાતુર બની ગયા છે.અને વહેલીતકે વિનય ની હેમખેમ મુક્તિ થાય તે માટે પ્રભુ ને પણ પ્રાર્થના કરી રહ્યા છે.
અહેવાલ : અશોક થાનકી