જાહેરનામામાં બાંધકામ પ્રવૃત્તિને અપાયેલી મુક્તિ મતલબ વગરની: બાંધકામ માટે જરૂરી લોખંડ, સિમેન્ટ, રેતી-કપચી, હાર્ડવેર સહિતની વસ્તુઓનું વેંચાણ કરતી દુકાનોને લાકડીના સહારે બંધ રખાવતું તંત્ર
ગુજરાત સરકારે 12મી સુધી મીની લોકડાઉન લંબાવ્યું છે અને તેની અમલવારી પોલીસ દ્વારા કરાવાઇ રહી છે. પરંતુ સરકારે આપેલી અમુક છુટછાટ તેને આનુસંગિક વેપારની સ્પષ્ટતા ન કરાઇ હોવાથી શોભાના ગાંઠીયા સમી કે ફારસરૂપ બની છે.ગુજરાત સરકારે 35 થી વધુ શહેરોમાં રાત્રી કફર્યુ ઉપરાંત દિવસના ભાગમાં પણ મીની લોકડાઉન જાહેર કર્યુ છે. જેમાં ટ્રાન્સપોર્ટ, ઉદ્યોગ, આવશ્યક સેવાને મુકિત આપી છે.
આ અંગેના જાહેરનામામાં ઉદ્યોગ અને બાંધકામ ક્ષેત્રને મુકિત આપવામાં આવી છે. પરંતુ આ મુકિતનો પુરો લાભ જે તે ક્ષેત્રના ધંધાર્થીને કે તેની સાથે સંકળાયેલ વેપારીઓને મળતો નથી. ખાટલે મોટી ખોટ સમાન આ છુટછાટ આપતા જાહેરનામામાં રાજય સરકાર અને તેનું અનુકરણ કરતા સ્થાનિક કલેકટરના જાહેરનામામાં પણ આનુસંગિક ચીજવસ્તુના વેચાણને છુટ આપવામાં આવી ન હોવાથી અપાયેલી છુટ પણ નિર્થક સાબિત થઇ રહી છે.
વિસ્તૃત રીતે વાત કરીએ તો ઉદ્યોગનગરમાં કારખાના ખુલ્લા રાખવા, ઉત્પાદન પ્રક્રિયા ચાલુ છે પરંતુ આ ઉદ્યોગમાં જેની ઓચિંતી-ગમે ત્યારે જરૂર પડે છે તે સ્પેરપાર્ટસના દુકાનદારોને તેની દુકાન ખોલવા દેવામાં આવતી નથી. આવી જ હાલત બાંધકામ ક્ષેત્રની બાબતમાં પણ જોવા મળે છે.સરકારના જાહેરનામામાં બાંધકામ સાઇટને મુકિત તો આપવામાં આવી છે. પરંતુ તે અપુરતી અને નિર્થક છે. કેમ કે, બાંધકામ માટે જરૂરી સિમેન્ટ, લોખંડ, રેતી-કપચી, લુહારી કામ (વેલ્ડીંગ સહિત), લાકડાની લાતી કે સન્માઇકો વેચતા હાર્ડવેર વેચતા, કલર (પેઇન્ટ) વેચતા વેપારીઓની દુકાનો લાકડીના જોરે ખોલવા દેવામાં આવતી નથી. આ સામાન વગર બાંધકામ શકય નથી. સરકારમાં બેસેલા જનપ્રતિનિધિઓ આ બાબતે મુખ્યમંત્રી મારફત વહેલી તકે યોગ્ય નિર્ણય લેવરાવી છુટછાટવાળા ઉદ્યોગોને આનુસંગિક વેપારને પણ છુટ અપાવે તેવી માંગણી-લાગણી સંબંધિત ધંધાર્થીઓમાં જોવા મળે છે.