‘આપ’ની સરકાર બનશે તો 10 લાખ સરકારી નોકરી અપાશે, પેપર લીંક સામે કડક કાયદો સહકારી ક્ષેત્રમાં પણ નવી રોજગારીની તકો ઉભી કરાશે
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય ક્ધવીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન બીજી ગેરેન્ટી આપી છે.
તેઓએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આજે અમે ગુજરાતના યુવાનોને રોજગાર ના મુદ્દે બીજી ગેરંટી આપવાના છીએ. અમે આવનારા સમયમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર જેવા દરેક મુદ્દા પર વાત કરીશું. આજે ગુજરાતીઓ ની સામે બે મોડલ છે, એક આ લોકોનું મોડલ છે જેમાં જો તમે તેમને વોટ આપો તો તમને ઝેરી દારૂ મળશે અને અમને વોટ આપો તો યુવાનોને રોજગારી મળશે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે આજે હું આ જ મુદ્દે ગુજરાત ના યુવાનોને રોજગાર ની ગેરેંટી આપવા આવ્યો છું. હું ગુજરાતના એક એક છોકરાઓ અને છોકરીઓને કહેવા માંગુ છું કે તમારે આપઘાત કરવાની જરૂર નથી હવે તમારો મોટો ભાઈ આવી ગયો છે. એક પિતા અને એક એક માઁ ને કહેવા આવ્યો છું કે તમારો દીકરો આવી ગયો છે. ડિસેમ્બર માં ચૂંટણી છે, એટલે હજી ફક્ત 5 મહિના રાહ જોઈ લો, સૌ ને રોજગાર અપાવીશું, તમે આત્મહત્યા ન કરશો,
કેજરીવાલ જી એ ગુજરાત ના યુવાનો ને આશ્વાસન આપતા કહ્યું કે આજે હું રોજગાર ના મુદ્દે ગેરેંટી આપીશ. ગેરેંટી નો મતલબ છે કે અમે જનતા માટે જે કહીએ છીએ તે કરીએ છીએ. બાકી બીજી પાર્ટી આવે છે 15 લાખ રૂપિયા આપવાના વાયદા કરે છે, અને ચૂંટણી પછી પુછીયે તો કહે છે કે એ તો ચૂંટણી માટે જુમલો હતો. એટલે હું તમને કોઈ જુમલો નથી આપી રહ્યો, ગેરેંટી આપી રહ્યો છું. જો હું મારી ગેરેંટી પુરી ના કરું તો બીજી વખત મને ધક્કા મારીને કાઢી દેજો.ે હું રોજગાર ઉપર 5 ગેરેંટીઓ આપવા માંગુ છું.
1) 5 વર્ષમાં પ્રત્યેક બેરોજગાર ને રોજગાર, 2) બેરોજગારને 3000 રૂપિયા પ્રતિ માસ બેરોજગારીનું ભથ્થુ, 3) સરકારી નોકરી માં આશરે 10 લાખ ભરતી, 4) પેપર લીક વિરુદ્ધ કડક કાયદો ) અને 5) સહકારી ક્ષેત્રની નોકરીઓ માં સૌને સમાન તક અપાશે.
દિલ્હીમાં અમે 12 લાખ યુવાનોને રોજગાર આપ્યો છે. મારી નિયત પણ સાફ છે અને ભણેલો ગણેલો માણસ છું, રોજગાર આપતા આવડે છે મને. દિલ્હી માં મેં મારા મંત્રીઓ સાથે બેસીને પ્રણ લીધો છે કે આવતા 5 વર્ષ માં 20 લાખ લોકોને રોજગાર આપશું. આજે સોમનાથ ની પાવન ધરતી પર હું એલાન કરું છું કે જો આમ આદમી પાર્ટી ની સરકાર બની તો ગુજરાતના પ્રત્યેક બેરોજગાર વ્યક્તિ ને રોજગાર આપીશું. જ્યાં સુધી બેરોજગાર યુવાનોને રોજગાર નહિ મળે ત્યાં સુધી પ્રત્યેક બેરોજગાર યુવાન ને 3000 રૂપિયા પ્રતિ માસ બેરોજગારી નું ભથ્થુ આપીશું.
10 લાખ સરકારી નોકરી ની ભરતી જાહેર કરશું. ગુજરાતમાં પેપર લીક થી યુવાનો ખૂબ જ પરેશાન છે, એટલે તેના વિરુદ્ધ કડક કાયદાઓ લાવીશું અને સમયસર સરકારી પરીક્ષાઓ નું આયોજન કરશું. સહકારી ક્ષેત્રમાં અત્યારે ભ્રષ્ટાચાર અને સિફારિશ કરવાથી લાંચ આપીને નોકરી મળે છે, પરંતુ અમે લાગવક અને ભ્રષ્ટાચાર પર રોક લાગવા વાળા કાયદાઓ લાવીશું અને સહકારી ક્ષેત્રની નોકરીઓ માં સૌને સમાન તક મળે એવી વ્યવસ્થા ઉભી કરશું.
જ્યારે હું થોડા દિવસ પહેલા ગુજરાત આવ્યો હતો ત્યારે મેં મફત વીજળી ની ગેરેંટી આપી હતી. હાલ ગુજરાતમાં વીજળી ના ભાવ આકાશે પહોંચી ગયા છે. વેતન વધી નથી રહ્યું, અને મોંઘવારી વધી રહી છે. એટલે અમે દિલ્હી અને પંજાબ માં વીજળી મફત કરી દીધી છે કે લોકો ને મોંઘવારી માં મદદ મળે. અને હવે તે ગેરેંટી અમે ગુજરાત માં પણ આપી છે કે, દરેક પરિવાર ને પ્રતિ માસ 300 યુનિટ વીજળી મફત આપીશું, પાવર કટ વગર 24 કલાક વીજળી આપીશું અને 31 ડિસેમ્બર પહેલા ના જેટલા પણ વીજ બિલ હશે તે બધા માફ કરી દઈશું.
ભાજપ ‘આપ’ને રોકવા વોટ ખરીદવા માંગે છે : ઇસુદાન ગઢવી
આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ જાહેર સભાને સંબોધતા કહ્યું કે, આજે ગુજરાતના 50 લાખથી વધુ યુવાનો અરવિંદ કેજરીવાલ જી તરફ આશા સાથે જોઈ રહ્યા છે. ગુજરાતમાં એક તરફ થોડાક ઉદ્યોગપતિઓની સરકાર છે તો બીજી તરફ ગુજરાત ની સામાન્ય જનતાની સરકાર બનવા જઈ રહી છે. ગુજરાતમાં એક એવી પાર્ટી છે જે થોડા ઉદ્યોગપતિઓની ચિંતા કરે છે અને તેમના માટે કામ કરે છે અને બીજી બાજુ કટ્ટર પ્રામાણિક અરવિંદ કેજરીવાલ જી ની આમ આદમી પાર્ટી છે જે માત્ર જનતાનું જ વિચારે છે અને લોકો માટે કામ કરે છે.
મેં સાંભળ્યું છે કે ભાજપના ભ્રષ્ટ નેતાઓ એ સાથે મળીને નિર્ણય કર્યો છે કે જો આમ આદમી પાર્ટીને રોકવી હોય તો દરેક મત માટે 10000 રૂપિયા પણ ચૂકવવા પડે તો આપો, પરંતુ આમ આદમી પાર્ટી ને મત ન જવો જોઈએ અને જનતાને મફતમાં વીજળી મળવી જોઈએ નહીં. પરંતુ અમે એવું નહીં થવા દઈએ. ગુજરાતની જનતા તેમના વોટ નો સોદો નહીં કરે. જો આપણે બીજેપીના લોકોને રોકવા હોય તો અહીં હાજર દરેક વ્યક્તિ એ નક્કી કરવું પડશે કે તે 100 લોકોને આમ આદમી પાર્ટીમાં જોડશે. જો આમ થશે તો ભાજપ અને કોંગ્રેસ બંને નું પત્તું સાફ થઈ જશે.
ઇન્દ્રના દરબારમાં કેજરીવાલે કરી ભોળીયાનાથની આરાધના
ગુજરાતની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના ક્ધવીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગઇકાલે રાજકોટની ભાગોળે આવેલા હડમતીયા બેડી પાસે સંજયભાઇ રાજગુરૂ કોલેજ સ્થિત શિવધામમાં ભગવાન શંકરની આરાધના કરી હતી. શિવધામમાં સૌથી મોટા 1,11,111 રૂદ્રાક્ષથી રપ ફુટ શિવલીંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. કેજરીવાલે ઇન્દ્રના દરબારમાં મહાદેવની આરાધના કરી ધન્યતા અનુભવી હતી.