- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહિલા બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતીમાં રાખડી કળશ અર્પણ
- એક રાખી દેશ કે જવાનો કે નામ અંતર્ગત
- દેશની સુરક્ષા સાચવતા સરહદના સંત્રીઓને 1 લાખ રાખડીઓ મોકલાઇ
દેશની સુરક્ષા સાચવતા આપણા સરહદના સંત્રીઓ એવા સૈનિકો-જવાનોને 1 લાખથી વધુ રાખડીઓનું રક્ષા કવચ રક્ષાબંધનના પવિત્ર તહેવારે પહોંચાડવાનો પ્રશસ્ય અભિગમ ગુજરાતની આંગણવાડી બહેનોએ અપનાવ્યો છે.
દેશના ફરજપરસ્ત સૈનિકો દરેક તહેવારો અને ઉત્સવો પોતાના ઘર પરિવારથી દૂર સરહદ પર મનાવતા હોય છે.
ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આ સૈનિકો સરહદ પર રહીને પણ મનાવી શકે અને માતાઓ બહેનો તેમની સાથે જોડાયેલી છે એવો તેમને અહેસાસ આપવાનો સરાહનીય પ્રયોગ એક રાખી દેશ કે જવાનો કે નામ અંતર્ગત ગુજરાતે કર્યો છે.
આ હેતુસર રાજ્યની 53 હજાર આંગણવાડીઓની બહેનોએ 1 લાખ ત્રણ હજારથી વધુ રાખડીઓનું રક્ષા કવચ દેશની સરહદે તૈનાત વીર જવાનોને મોકલવાનું આયોજન કર્યુ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહિલા બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ આ રક્ષા સુત્રના આ રાખડી કળશ સરહદના જવાનો સુધી પહોંચાડવા માટે 16 મરાઠા લાઈટ ઈન્ફ્રન્ટ્રીના લેફટનન્ટ કર્નલ રાકેશ કુમાર અને સબ મેજર જનરલ સંતોષ કામટેને અર્પણ કર્યા હતા. તાપ, ટાઢ, વરસાદ કે કોઈપણ કપરી પરિસ્થિતીમાં અડિખમ રહીને દેશની સીમાઓ સાચવતા અને ઘર પરિવારથી જોજનો દૂર ફરજરત રહેતા વીર સૈનિકો-જવાનોના દિર્ઘાયુની શુભેચ્છાઓ અને પ્રાર્થના સાથેના આ રાખડીઓ વીર સૈનિકોને ગુજરાતની બહેનોના તેમના પ્રત્યેના સ્નેહની અનુભુતિ કરાવતી રહેશે. આ કળશ અર્પણ વિધિમાં મહિલા અને બાળ વિકાસ સચિવ તથા કમિશ્નર રાકેશ શંકર, આઈ.સી.ડી.એસ. કમિશ્નર રણજીતકુમાર સિંહ, નાયબ સચિવ કુમુદબેન યાજ્ઞીક તેમજ આંગણવાડી કાર્યકર અને સુપરવાઈઝર બહેનો પણ ઉપસ્થિત રહી હતી.