અબતક, રાજકોટ
રાજ્ય સરકાર દ્વારા હાલ સોલાર સ્કીમમાં બે ધારી નીતિ સરકારે અપનાવી છે તેની સામે ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઇન્ડસ્ટ્રીઝ સેન્ડવિચ થઈ ગયું છે. જેમાં રોકાણકારો અને ખેડૂતોને લોભામણી લાલચ આપી રોકાણ કરાવ્યા બાદ માત્ર દોઢ માસમાં સબસીડીની સ્કીમ બરખાસ્ત કરતા હવે સોલારના રોકાણકારો સરકાર સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. મંત્રીઓ બદલાયા બાદ હાલ સોલારના રોકાણકારોની હાલત બેહાલ બની છે.
ગુજરાત સરકારે જાહેરાત કર્યા પછી યુનિટદીઠ રૂ . 2.83 ના ભાવે પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરીને મૂડીની સબસિડી અને વ્યાજની સબસિડી આપવાની મનાઈ ફરમાવી દેતા સેંકડો નાના ઉદ્યોગકારોને હળાહળ અન્યાય કર્યો છે . સમગ્ર ગુજરાતનાં 33 જીલ્લાઓમાં સોલાર તેમજ તેની સાથે જોડાયેલાં અન્ય તમામ નાનાં ઉધોગકારો (MSME) , રોકાણકારો અને ખેડૂતો ગાંધી ચીંધ્યા માર્ગે સત્યાગ્રહના ભાગરૂપે ગુજરાત માં આવનાર તમામ ઇલેક્શનમાં સબસીડીનાં મુદ્દા નો નિકાલ ન આવે ત્યાં સુધી મતદાન મથકે મત આપવાથી દુર રહેશે , ગુજરાત સરકારે SSDSP ( સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટેડ સોલાર પ્રોજેક્ટ ) 2019 સ્કીમ થકી લોભામણી , લલચામણી જાહેરાતો (પોનઝો સ્કીમ) કરીને રોકાણકારોનાં કરોડો રૂપિયાં ઓવળી ગયા હોય તેવો ગુજરાત ની પ્રજા ને અહેસાસ રહ્યો છે .
2500 મેગાવોટ વીજળી પેદા કરવા માટે 3967 સાહસિકોએ સરકાર સાથે કરાર કર્યા’તા
આ અંગે ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઇન્ડસ્ટ્રીઝ ના પ્રમુખ કિશોરસિંહ ઝાલા , ઉપપ્રમુખ પંકજભાઇ પટેલ અને સેક્રેટરી પાર્થિવભાઈ દવેએ જણાવ્યું હતું કે , SSDSP – 2019 યોજના હેઠળ , ગુજરાત સરકારના ઉર્જા વિભાગે તેની વિવિધ ડિસ્કોમ દ્વારા 0.5 થી 4.00 મેગાવોટ માટે વિવિધ સોલાર ઇલેક્ટ્રિસિટી ઉત્પાદકો , રોકાણકારો અને ખેડૂતો (MSME) સાથે 4000 PPA (પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ્સ) કર્યા હતા . ઑક્ટોબર 2020 થી મે 2021 સુધીના 7 થી 8 મહિનાના સમયગાળા દરમિયાન (COVID – 19 ના કઠોર સમયમાં ) આ PPA પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને 31 મી મે , 2021 ના રોજ ઉક્ત ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી , 1.5 મહિનાના સમયગાળામાં એટલે કે 20 મી જુલાઈના રોજ ઉર્જા વિભાગે સબસિડી ( મૂડી અને વ્યાજ ) ચૂકવવાનો ઇનકાર કર્યો જે વાસ્તવમાં તેમના કાર્યક્ષેત્રમાં આવતું નહતું અને વાણિજ્ય વિભાગને પત્ર જારી કર્યો કે SSDSP – 2019 યોજનાને કોઈપણ પ્રકારની સબસિડી આપવામાં આવશે નહીં . આ સ્કિમ હેઠળ ગુજરાતમાં નાના રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયા છે . લોકો આને ગુજરાત સરકારની પોન્ઝી સ્કીમ તરીકે માને છે અને નાના , મધ્યમ અને સૂક્ષ્મ ઉદ્યોગપતિઓ (MSMEત) ને બદલે માત્ર મોટા ખેલાડીઓ અને ઉત્પાદકોને જ પ્રોત્સાહન અપાય છે .
વધુમાં અગાઉ પરિપત્ર પાછો ખેંચી લેવાની માગણી સાથેના આવેદન પત્ર પણ ગુજરાતના તમામ જિલ્લામાં ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઇન્ડસ્ટ્રીઝના હોદ્દેદારો દ્વારા કલેક્ટર્સને આપવામાં આવેલા છે . જેમાં બીજી ઓગસ્ટ 2021 ના દિને લઘુ ઉદ્યોગ વિભાગ તરફથી એસએસડીપીએસ 2019 ના અનુસંધાનમાં ઉપસચિવ ડી.કે. ભોઈની સહી સાથે કરવામાં આવેલા પરિપત્રને પાછો ખેંચી લેવાની માગણી પણ કરવામાં આવી છે . છતાં કંઇ પરિણામ ન આવતા વ્યાજ સબસિડી અને કેપિટલ સબસિડીને મુદ્દે રોકાણકારોએ પ્રજા વચ્ચે જઈને ગામડે – ગામડે ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ કરવાની શરૂઆત કરી દીધી છે . આ સાથે જ ગુજરાતના દરેક જિલ્લામાં વાઈબ્રન્ટ સમિટનો વિરોધ કરવાનો પણ નિર્ણય કરાયો હતો અને હવે નાનાં ઉધોગકારો (MSME) , રોકાણકારો અને ખેડૂતો ગુજરાત માં આવનાર તમામ ચૂંટણીમાં સબસીડીનાં મુદ્દા નો નિકાલ ન આવે ત્યાં સુધી મતદાન મથકે મત આપવાથી દુર રહેશે .
ગુજરાત ફેડરેશન ઑફ સોલાર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત સરકારે સોલાર પાવરના પ્રોજેક્ટ નાખવા માટેનું આમંત્રણ આપતા મે 2021 સુધી તેમની સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટ પણ કર્યા હતા . ત્યારબાદ 20 મી જુલાઈએ જ એકાએક ઠરાવ બહાર પાડીને વીજળી ખરીદવા માટેના કરાર હેઠળ આપવા પાત્ર થતી સબસિડી આપવાનું રદ કરી દેવાનો ઠરાવ કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરતાં હોબાળો મચી ગયો હતો . કારણ કે 2500 મેગાવોટ વીજળી પેદા કરવા માટે 3967 ઉદ્યોગ સાહસિકોએ ગુજરાત સરકાર સાથે કરાર કર્યા હતા . આ કરાર હેઠળ રૂ . 10,000 કરોડનું રોકાણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું . ઉપર દર્શાવેલા આયોજનના ભાગ રૂપે તેમણે પનલનો ઓર્ડર આપવાના જમીન ખરીદીને જમીનને લેવલિંગ કરાવવાના કામો પણ કરાવવાના શરૂ કરી દીધા હતા . પરંતુ સરકારે તેમની સાથેના કરાર મુજબના ભાવથી વીજળી ખરીદવા માટેની તૈયારી તો દર્શાવી પરંતુ તેમને મળવા પાત્ર બનતી મૂડીની સબસિડી અને વ્યાજની સબસિડી આપવાની ના પાડી દીધી હતી . ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા સબસિડી ન આપવાની જાહેરાત કરતો અને વ્યાજ સબસિડી ન આપવાનું જણાવતો પરિપત્ર ધરાર ખોટો હોવાની માગણી સાથે આ પરિપત્ર પાછો ખેંચવાની માગણી પણ ઉદ્યોગ વિભાગ દ્વારા કરવામાં આવી છે . ગુજરાત ઉર્જા વિકાસ નિગમે મૂડી અને વ્યાજમાં સબસિડી આપવાની જવાબદારી ગુજરાત ઉર્જા વિકાસ નિગમની ન હોવાનું જોઈને હાથ ઊંચા કર્યા હતા .
મતદાનનો બહિષ્કાર એ એક જ હથિયાર છે કિશોરસિંહ ઝાલા (જીએફએસઆઇ પ્રમુખ)
‘અબતક’ સાથેની વાતચીતમાં ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ કિશોરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે સૌરઉર્જા રાજ્ય માટે ખૂબ ફાયદાકારક છે. જેમ ઉર્જા સસ્તી થશે તેમ ઇકોનોમી પણ વધુ સુધરશે. પરંતુ હાલ ઉદ્યોગ વિભાગ અને ઉર્જા વિભાગ વચ્ચે નાના રોકાણકારો સબસીડી માટે હીંચકા ખાઈ રહ્યા છે.સોલારની સ્કીમમાં હાલ 4000થી પણ વધુ રોકાણકારો હોય જેની સાથે ડીલ કરવા કરતાં એક મોટા ઇનવેસ્ટર સાથે કરાર કરવો વધુ હિતાવહ છે. દેશભરમાં ગુજરાત એક માત્ર રાજ્ય છે જ્યાં સોલાર ઉર્જા પર મોટું રોકાણ કરે છે. ગુજરાતની સોલાર ઉર્જા સ્થિતિ પણ ઘણી સારી છે. છતાં પણ હાલ આ સ્થિતિ વણસી છે અને હાલ કોઈ પણ રોકાણકારોને 1000 કરોડ કરતા પણ વધુની મળતી સબસીડી નામંજૂર કરવામાં આવી છે. આ સબસીડી ઉદ્યોગ વિભાગને આપવાની રહે છે પણ ઉર્જા વિભાગે પરિપત્ર બહાર પાડી સબસીડી ન આપતા સરકારની બે ધારી નીતિ દેખાઈ રહી છે.સરકાર દ્વારા જાહેર કરાયેલી સોલરની પોલિસી સારી છે પરંતુ સબસીડી ન મળતા નાના-મોટા રોકાણકારો પોતાની સ્કીમ પાછી ખેંચી રહ્યા છે. જેની સામે લડવા માટે હાલ રાજ્યના 4000 રોકાણકારો અને ખેડૂતો પાસે વાઇબ્રન્ટ અને મતદાન બહિષ્કાર કરવા સિવાય કોઈ હથિયાર પણ નથી.