નવી અને રિન્યુએબલ એનર્જી તથા વીજ વિભાગના મંત્રી આર.કે. સિંહે સાંસદ પરિમલ નથવાણીને આપી વિગતો: દેશમાં હાલ 70,096 મેગાવોટની કુલ સોલાર વીજ ક્ષમતા સ્થાપિત કરાઇ
ગુજરાતની કુલ સોલાર ઊર્જાની સ્થાપિત ક્ષમતા 30મી જૂન, 2023ના રોજ 10,133.66 મેગાવોટે પહોંચી છે. ગુજરાતનું સોલાર વીજ ઉત્પાદન 2022-23માં 10,335.32 ખઞ હતું. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં નવી અને રિન્યુએબલ એનર્જી તથા વીજ મંત્રી આર કે સિંહે 08 ઓગસ્ટે આ માહિતી રજૂ કરી હતી.
મંત્રીના નિવેદન મુજબ 30મી જૂન સુધીમાં, દેશમાં 70,096 મેગાવોટની કુલ સોલાર વીજ ક્ષમતા સ્થાપિત કરવામાં આવી છે. ભારત 7,48,990 મેગાવોટની અંદાજિત સોલાર વીજ ક્ષમતા ધરાવે છે. આમ, સોલાર ઊર્જાની ક્ષમતાને હજી સુધી પૂરેપૂરો ઉપયોગ કરી શકાયો નથી. આ નિવેદનમાં જણાવાયું હતું કે, સોલાર પ્રોજેક્ટ્સને મોટાભાગે કેપ્ટિવ વપરાશ, અને ત્રાહિત-પક્ષકારના વેચાણ વગેરે માટે ટેરિફ-આધારિત સ્પર્ધાત્મક બીડિંગના માધ્યમથી પસંદ કરાયેલા પ્રોજેક્ટ ડેવલપર્સ દ્વારા ખાનગી રોકાણો થકી વિકસાવવામાં આવી રહ્યા છે. હાલના તબક્કે 55.90 ગીગાવોટના સોલાર પ્રોજેક્ટ્સ અમલીકરણ હેઠળ છે.
નથવાણી દેશમાં સોલાર પાવર ઉત્પાદનની કુલ સ્થાપિત ક્ષમતા, કેટલી ક્ષમતાનો અત્યારસુધીમાં ઉપયોગ કરાયો છે અને દેશમાં વધુ કોમર્શિયલ સોલાર વીજ પ્લાન્ટ્સ માટેની યોજનાઓ વિશે જાણવા માગતા હતા.મંત્રીના નિવેદન અનુસાર, દેશમાં સોલાર ઊર્જા સહિત રિન્યુએબલ ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પગલાં લેવાયાં છે.
સરકારે ઓટોમેટિક રૂટ હેઠળ 100% સુધીના વિદેશી પ્રત્યક્ષ રોકાણને મંજૂરી આપી દીધી છે. 30મી જૂન, 2025 સુધીમાં કાર્યાન્વિત થનારા સોલાર તથા વિન્ડ પાવર પ્રોજેક્ટ્સના આંતર-રાજ્ય વેચાણ માટેના ઈન્ટર સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ ચાર્જિસ માફ કરાયા છે. વર્ષ 2029-30 સુધી રિન્યુએબલ પર્ચેઝ ઓબ્લિગેશન માટેની ધરીની ઘોષણા કરાઈ છે. સરકારે આદેશો જારી કર્યા છે કે, લેટર ઓફ ક્રેડિટ અથવા તો એડવાન્સ પેમેન્ટ સામે વીજ રવાનગી કરવામાં આવશે, જેથી રિન્યુએબલ ઊર્જા ઉત્પાદકોને વિતરણ પરવાના થકી સમયસર પેમેન્ટ સુનિશ્ચિત કરી શકાય. વિવિધ એક્સચેન્જ દ્વારા રિન્યુએબલ ઊર્જા વીજળીના વેચાણને સુલભ બનાવવા ગ્રીન ટર્મ અહેડ માર્કેટ લોંચ કરાયા છે.