માધવરાય સોલંકી રેકોર્ડબ્રેક 149 બેઠકો મેળવીને મુખ્યમંત્રી બન્યા હતા, આ વખતેના ટ્રેન્ડ મુજબ તેઓનો રેકોર્ડ તૂટે તેવા અણસાર
ગુજરાતમાં સોલંકી યુગનો રેકોર્ડ તૂટવાના એંધાણ મળી રહ્યા છે. માધવરાય સોલંકી રેકોર્ડબ્રેક 149 બેઠકો મેળવીને મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારે આ વખતેના ટ્રેન્ડ મુજબ તેઓનો રેકોર્ડ તૂટે તેવા અણસાર મળી રહ્યા છે. માધવસિંહ સોલંકી ગુજરાતના સાતમાં મુખ્યપ્રધાન હતા. તેઓ સૌથી વધુ બેઠકો મેળવીને શાસન પર આવ્યા હતા. માધવસિંહનો જન્મ 30 જુલાઈ, 1928ના રોજ ભરૂચના જંબુસર તાલુકાના પીલુદરા ગામે થયો હતો. માધવસિંહની 1975માં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. જે પછી 24 ડિસેમ્બર, 1976ના રોજ મુખ્યપ્રધાન બન્યા અને ત્યાર બાદ ખૂબ જ ટૂંકા સમય બાદ 10 એપ્રિલ, 1977ના રોજ રાજીનામું આપી દીધું હતું. 7 જૂન, 1980માં ફરીથી મુખ્યપ્રધાન બન્યા હતા. તે વખતે તેમણે મુખ્યપ્રધાનનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો.
ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થયાના બે મહિના પહેલા જ ચૂંટણીની જાહેરાતની ભારે ઉત્કંઠા જોવા મળી હતી. અંતે ચૂંટણીપંચે 3 નવેમ્બરે ચૂંટણી જાહેર કરતા આતુરતાનો અંત આવ્યો હતો. ત્યાર બાદ 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 સીટ પર જ્યારે 5 ડિસેમ્બરે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 સીટ પર મતદાન થયું હતું. જેમાં અનુક્રમે 63.31 અને 65.30 ટકા મતદાન થયું હતું. જેનું સરેરાશ મતદાન 64.30 ટકા થાય છે. જે ગઈ ચૂંટણી કરતા 4 ટકા જેટલું ઓછું છે. જેની સવારના 8 વાગ્યાથી 37 મતગણતરી કેન્દ્રો પર 182 સીટની મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણી પરિણામાં મુખ્યમંત્રી સહિત 20 મંત્રીઓ મળીને કુલ 1621 ઉમેદવારનું રાજકીય ભાવિ નક્કી કરશે. ટ્રેન્ડમાં ભાજપે 150ની સીટ વટાવી જતા પ્રદેશ કાર્યાલય કમલમ પર જીતની ઉજવણીની તૈયારીઓ થઈ ચૂકી છે. બીજી તરફ જેમ સોલંકી યુગમાં 149 બેઠકો કબ્જે કરવાનો રેકોર્ડ છે. તે રેકોર્ડ ભાજપ આ વિધાનસભાની ચૂંટણીમાં તોડે તેવી શકયતા વર્તાઈ રહી છે. ભાજપ હાલ 150 જેટલી બેઠકો ઉપર આગળ ચાલી રહ્યું છે. ત્યારે જો ભાજપ આ તમામ બેઠકો ઉપર લીડ યથાવત રાખે અને 149 બેઠક થી વધુ બેઠક મેળવે છે તો ભાજપ વિધાનસભામાં સૌથી વધુ બેઠક કબ્જે કરવાનો નવો રેકોર્ડ બનાવી શકે છે.