કેસમાં કુલ ૩૭ લોકોને આરોપી ઠેરવ્યા હતા જેમાં ૨૦૧૪માં ૧૬ લોકોને છોડી દેવામાં આવ્યા હતા
મુંબઈની સીબીઆઈ કોર્ટે ૧૩ વર્ષ જુનો પોલીસના મોરલને અસર કરતો સોહરાબુદ્દીન કેસનો ચુકાદો આપતા તમામ ૨૨ આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે. સૌથી મોટા ફેક એન્કાઉન્ટર કેસને રીયલ બતાવતા ચુકાદાને લીધે ૨૨ જુનીયર અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર સાચું હોવાનું કોર્ટે માન્યુ અને આ કેસમાં સીબીઆઈએ પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જતાં ૨૨ જણાને નિર્દોષ છોડી દેવાયા હતા. મુંબઈની સીબીઆઈની ખાસ કોર્ટે ૨૦૦૫ના સંવેદનશીલ કેસ સોહરાબુદ્દીન શેખ, તુલસી પ્રજાપતિનો આજે ચુકાદો આવ્યો છે.
આ કેસમાં મોટાભાગના પોલીસ કર્મી સહિત ૨૨ આરોપીઓ સામે ખટલો ચાલી રહ્યો હતો. આ કેસના બે સાક્ષીઓની ફરીથી તપાસ કરવાની માંગણી કરાઈ છે. આ અંગે કોર્ટે કહ્યું હતું કે, સીબીઆઈની થીયરી ખોટી છે. એન્કાઉન્ટરમાં સોહરાબુદ્દીન અને તુલસીની અપહરણ કરીને હત્યા કરાઈ તેવું સીબીઆઈ સાબીત કરી શકયું નથી. આ કેસમાં કુલ ૩૭ લોકોને આરોપી ઠેરવવામાં આવ્યા હતા. જયારે ૨૦૦૪માં ૧૬ લોકોને છોડી દેવામાં આવ્યા હતા. જે લોકોને છોડવામાં આવ્યા તેમાં બીજેપીના અધ્યક્ષ અમિત શાહ, પોલીસ ઓફિસર ડી.જી.વણઝારા જેવા મોટા હોદ્દેદારોના નામ હતા. પહેલા આ કેસ ગુજરાતમાં ચાલી રહ્યો હતો પરંતુ મામલો અતિ સંવેદનશીલ બનતા તેને મુંબઈ મોકલવામાં આવ્યો હતો.
૨૦૦૫ અને ૨૦૦૬ દરમિયાન એન્કાઉન્ટરમાં કથીત ગેંગસ્ટરને મારી નાખવાથી રાજકીય ક્ષેત્રે ખૂબજ હોબાળો થયો હતો. હવે ૧૩ વર્ષ બાદ સંવેદનશીલ કેસનો ચુકાદો આપતા જુનીયર અધિકારીઓ માટે રાહતના સમાચાર છે. ૨૦૦૬માં આ કેસ આગળ વધ્યો હતો અને સાગ્રીત તુલસી પ્રજાપતિનું એન્કાઉન્ટર પણ કરવામાં આવ્યું હતું. પરંતુ આ મામલો સુપ્રીમ સુધી પહોંચે તે પહેલા ગુજરાત સીઆઈડી ક્રાઈમે સીબીઆઈ આ કેસમાં સામેલ થયું હતું. આ કેસમાં રાજસ્થાનના પૂર્વ રાજયમંત્રી ગુલાબચંદ કટારીયાનું પણ નામ સામે આવ્યું હતું.
તુલસી પ્રજાપતિ આ કેસ અંગે પોતાનું નિવેદન આપે તે પહેલા જ રાજસ્થાન અને ગુજરાત પોલીસે અંબાજી નજીક તેનું એન્કાઉન્ટર કરી નાખ્યું હતું. આશ્ચર્યની વાત તો એ છે કે, આ કેસમાં કે જેમાં સોહરાબુદ્દીનની પત્ની કૌશર બીનો કોઈ સંબંધ ન હતો તેની પણ હત્યા ત્રણ દિવસની અંદર કરવામાં આવતા આ કેસ વધુ ગુંચવણભર્યો બન્યો હતો. આ કેસમાં ખાસ વણાંક તો ત્યારે આવ્યો હતો કે જયારે ૧૬ ઉચ્ચસ્તરીય તમામ અધિકારીઓ તેમજ નેતાઓ નિર્દોષ જાહેર કરાયા હતા અને હવે માત્ર પોલીસ ઈન્સ્પેકટર, સબ ઈન્સ્પેકટર અને કોન્સ્ટેબલો ઉપર જ આ કેસની લટકતી તલવાર હતી.
આ કેસમાં તપાસ કરનાર સીઆઈડી ક્રાઈમના ઈન્સ્પેકટર વી.એલ.સોલંકીએ આપેલી જુબાની પ્રમાણે અમિત શાહ એન્કાઉન્ટરની તપાસ બંધ થાય તેવું ઈચ્છતા હતા. પરંતુ સીબીઆઈની તપાસમાં બહાર આવેલા અહેવાલો મુજબ સહેલાઈથી સોહરાબુદ્દીન કેસનો ચુકાદો આવે તેમ ન હતો. સોહરાબુદ્દીન કેસ અંગે ૧૩ વર્ષ થઈ ચૂકયા છે. પરંતુ બાકીના તમામ ૨૨ આરોપીઓને હવે નિર્દોષ જાહેર કરાયા છે.
કેટલાક સમયથી આ ચુકાદાની આતુરતાથી વાટ જોવાઈ રહી હતી. તેમાં મોટા રાજનેતાઓના નામ પહેલેથી જ કાઢી નાખવામાં આવતા હવે માત્ર કોન્સ્ટેબલો તેમજ સબ ઈન્સ્પેકટરો બચ્યા હતા.