- વિંછીયાના મનસુખ તલસાણીયાએ જથ્થો ભરી આપેલો અગાઉમાં ફેરા કરી આવ્યાનો ડ્રાયવરનો ખુલાસો
- પુરવઠા વિભાગે સમગ્ર મામલે તપાસ શરૂ કરી
અબતક, જસદણ ન્યૂઝ :
વિંછીયા નજીક પાળીયાદ રોડ ઉપરથી રાજકોટ રૂરલ એસઓજીએ બાતમીના આધારે શંકાસ્પદ 14 ટન ચોખા અને ઘઉં ભરેલી મિનિ ટ્રક સાથે ચાલકને પકડી લઈ ફૂલ રૂ.12 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ આદરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ એસઓજીનો સ્ટાફ વિંછીયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમીના આધારે પીએસઆઈ બી.સી. મીયાત્રા સહિતના શંકાસ્પદ નીકળેલા મીની ટ્રકને અટકાવી ચાલકની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ મેલા ભીખાભાઈ આલગોતર (ઉ.વ.30, રહે. મોટામાત્રા, તા. વિંછીયા) હોવાનું જણાવ્યું હતું.
મીની ટ્રકમાં તપાસ કરતાં તેમાંથી ચોખાની 231 અને ઘઉંની 40 બોરી મળી કુલ રૂ. 4.36 લાખનો 14.5 ટન અનાજનો જથ્થો મળી આવ્યો હતો. જે શંકાસ્પદ જણાતા પુરવઠા અધિકારીને આ અંગે જાણ કરી કાર્યવાહી કરાઈ હતી. પોલીસે અનાજ ઉપરાંત મીની ટ્રક સહિત કુલ રૂ.12.36 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે જણાવ્યું કે મીની ટ્રક ચાલક મેલા આલગોતરને પોતાની ટ્રક છે.
આ શંકાસ્પદ અનાજનો જથ્થો મનસુખ તલસાણીયા (રહે. વિંછીયા, શીતળા માતાજીના ઢોરા પાસે) વાળાએ બાવળા મોકલવા કહ્યું હતું. મેલા અલગોતરે પ્રતિ ટન રૂ. 800નું ભાડુ નક્કી કર્યું હતું. જે મુજબ કુલ ભાડુ રૂ. 11,200 નક્કી કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય બાબત છે કે, અગાઉ પણ મનસુખ તલસાણીયાના કહેવા પર ડ્રાયવર મેલા અલગોતર આ પ્રકારના ફેરા કરી ચુક્યો છે.
હાલ પુરવઠા વિભાગે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે, મનસુખ તલસાણીયા રેશનિંગનું કોઈ જ લાયસન્સ ધરાવતો નથી જેથી આ અનાજનો જથ્થો લગભગ સરકારી હોવાનું નક્કી જ છે.
કાળુ રાઠોડ