રાજકોટમાં સીઆઇડી ક્રાઇમનો દરોડો: ગાંજા સાથે સપ્લાયરને દબોચી લીધો

ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયાએ નશાકારક પદાર્થોના વેચાણ અને સેવનને ડામવા માટે સુચનાને પગલે હર એક જિલ્લાઓમાં પોલીસે ગાંજાના જથ્થાને ઝડપી પાડવા કવાયત હાથધરી છે. જેના પગલે છેલ્લા એક અઠવાડિયામાં જ પોલીસે અનેક સ્થળોએ દરોડા પાડી ગાંજાનું વાવેતર અને સપ્લાયરને ઝડપી પાડ્યા છે.

સૌરાષ્ટ્રમાં પણ છેલ્લા એક સપ્તાહમાં ગાંજાનું વાવેતર અને વેચાણનું પ્રમાણ વધ્યું હોય તેમ પોલીસે રાજકોટ, ભુજ, જેતપુર, વઢવાણ અને પડધરી જેવા શહેરોમાં દરોડો પાડી ગાંજાનું વાવેતર અને સપ્લાય કરતા શખ્સોને ઝડપી પાડ્યા છે. સૌરાષ્ટ્રમાં ગાંજાના વધતા જતા વેપલાને અટકાવવા માટે પોલીસે કમરકસી હોય તેમ દરોડા પાડી મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો કબ્જે કર્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરી પાસે વણપરી નજીક આવેલી મુરલીધર હોટલ પાસેથી રૂ.૧૦,૦૦૦ની કિંમતનો ૧ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે પોલીસે સુમિતકુમાર કારું મંડલ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂ. ૧૦,૦૦૦ના ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથધરી છે.

તો વધુ એક દરોડામાં રાજકોટમાં સ્થાનિક પોલીસને ઊંઘમાં રાખી સીઆઇડી ક્રાઇમે દરોડો પાડી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને દબોચી લીધો હતો. સીઆઇડી ક્રાઇમે ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં દેવપરા પાસે ભોજલરામ સોસાયટીમાં દરોડો પાડી આશરે ૬૫૦થી ૭૫૦ ગ્રામ જેટલા ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો. રાજકોટમાં ચાર દિવસ પહેલા પણ પોલીસે સંતકબીર રોડ પરથી ગાંજાના મોટા જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.

સૌરાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહમાં પોલીસે ગાંજાના મોટા પ્રમાણમાં દરોડા કરી દુષણને યુવાધનમાં ફેલાવતા અટકાવવા માટે પોલીસે કવાયત હાથધરી છે. જેમાં બે દિવસ પહેલા જ ઝાલાવાડ પંથકમાંથી ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતું. જેમાં ખેતરમાં ગાંજાના છોડવા વાવતા શખ્સને ૯૯ કિલોગ્રામ જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.

તો ગઈ કાલે પણ ભુજમાં યુવાધનને ગાંજાના રવાડે ચડાવવાનું કારસ્તાન ઝડપાયું હતું. પોલીસે ભુજમાં ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી તેની પૂછતાછ હાથધરી હતી. જેમાં આરોપએ ગાંજાનું વેચાણ કોલેજોમાં કરતા હોવાનું અને અનેક કોલેજોના વિદ્યાર્થીઓ ગાંજાના રવાડે ચડ્યા હોવાની કબૂલાત આપી હતી. જેના આધારે પોલીસે તપાસ કરી ગાંજાના વેપલાને નાબૂદ જહેમત ઉઠાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.