“વર્લ્ડ એઇડ્સ ડે” અંતર્ગત જનજાગૃતિ અભિયાન તેમજ એવોર્ડ એનાયત સમારંભ યોજાયો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “વર્લ્ડ એઇડ્સ ડે” અંતર્ગત આજે જનજાગૃતિ અભિયાન તેમજ એવોર્ડ એનાયત સમારંભ મેયર ડો. પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતો.
એચ.આઈ.વી. એઇડ્સ અંતર્ગત જે-જે સંસ્થાઓ રાજ્યભરમાં કામગીરી કરેલ તેવી 42-સંસ્થાઓને એવોર્ડ આપવામાં આવી હતી. આ ઉપરાંત જનજાગૃતિ માટે રેલીનું પણ આયોજન કરવામાં આવેલ. તેમજ પદાધિકારી દ્વારા એઈડ્સની જન જાગૃતિ માટે સિગ્નેચર કેમ્પેઈન (સહી ઝુંબેશ) કરેલ. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમનું શુભારંભ લક્ષ એન.જી.ઓ.ની ટીમ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવેલ તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવેલ તેમજ મંચસ્થ મહાનુભાવોનું પુસ્તકથી સ્વાગત આરોગ્ય સમિતિ ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડીયા દ્વારા કરવામાં આવેલ તેમજ એઈડસ પ્રત્યે જન જાગૃતિ માટે એઈમ્સ રાજકોટના વિદ્યાર્થી દ્વારા નુક્ક્ડ નાટક રજુ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડો.પ્રદિપ ડવે જણાવેલ કે સાવચેતી દ્વારા એઈડસનો ઈલાજ શકય છે. તેમજ એઈડસગ્રસ્ત લોકો પ્રત્યે ધૃણા રાખવી ન જોઈએ તેમજ સમાજમાં આપણી પણ ફરજ છે કે લોકોને એચ.આઈ.વી. પ્રત્યે જાગૃત કરીએ અને સંક્રમણ ન વધે તે માટે માર્ગદર્શન આપીએ તેમજ સ્કુલ કોલેજો ઓદ્યોગિક વસાહતો વિગેરે ખાતે આ જાગૃતિના કાર્યક્રમો યોજી અને લોકોને માહિતગાર કરવા જરૂરી છે. અને એઈડસ પ્રત્યેની સમાજમાં રહેલ ગેરસમજ દુર કરવી જરૂરી છે. યોગ્ય સારવાર મળે તો એઈડસ અટકાવી શકાય છે. મેડીકલ ક્ષેત્રે વિશ્ર્વમાંભારતનું શ્રેષ્ઠ યોગદાન છે.
કાર્યક્રમની રૂપરેખા આપતા પ્રોજેકટ ડાયરેકટર ગુજરાત રાજ્ય એઈડસ કંટ્રોલ સોસાયટી ડો.રાજેશ ગોપાલએ જણાવેલ કે એઈડસ એ જાગૃતિથી સંપૂર્ણ કંટ્રોલ કરી શકાય છે. રાજકોટની કામગીરી શરૂઆતથી જ સારી રહી છે. આપણે સાથે મળી તમામને માહિતગાર કરવા જરૂરી છે. સને-2017માં દર 1,00,000 વ્યક્તિએ 7-વ્યક્તિ એઈડસ ગ્રસ્ત હતાં. જ્યારે આજે દર 1,00,000 વ્યક્તિએ 3-વ્યક્તિ એઈડસગ્રસ્ત છે. જે જાગૃતિનું પરિણામ છે. આપણે સૌ એક જૂથ થઈ લોકોને જાગૃતિ માટે પ્રયાસો કરવા જોઈએ.
આ પ્રસંગે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક શાસકપક્ષ સુરેન્દ્રસિંહ વાળા, પ્રોજેકટ ડાયરેકટર ગુજરાત રાજ્ય એઈડસ કંટ્રોલ સોસાયટી ડો.રાજેશ ગોપાલ, આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, ડે. કમિશનર આશિષકુમાર, એ.આર.સિંહ તેમજ આરોગ્ય અધિકારી ડો.એલ.ટી.વાંઝા, ડો.પી.પી.રાઠોડ, ડો.મનિષ ચુનારા તેમજ એવોર્ડના લાભાર્થીઓ તથા એઇડ્સ સંસ્થાના હોદેદાર ઉપસ્થિત રહ્યા હતાં.
વન મેન આર્મી અરૂણ દવેનું પણ સન્માન કરતાં પ્રથમ નાગરિક
વિશ્ર્વ એઇડ્સ દિન નિમિતે આજે મહાપાલિકા દ્વારા જનજાગૃતિ અભિયાન અને એવોર્ડ એનાયત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ તકે પ્રથમ નાગરિક ડો.પ્રદિપ ડવ દ્વારા ‘અબતક’ પરિવારના અરૂણભાઇ દવેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
તેઓ છેલ્લાં 3 દાયકાથી એઇડ્સ પ્રિવેન્શન ક્લબના નેજા હેઠળ જનજાગૃતિનું આંદોલન ચલાવી રહ્યાં છે.