વ્યાસપીઠ એ રાગદ્વેષના કોગળા કરવાની જગ્યા નથી, ખૂબ સંતુલન રાખીને વ્યાસપીઠ જનકલ્યાણ માટે બોલતી હોય છે !
સદગુરુ દેવશ્રી રણછોડદાસજી મહારાજના આશીર્વાદ વચ્ચે પૂ. હરિચરણદાસજી મહારાજના સાનિધ્યમાં શ્રી સદગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા ગોંડલમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસાસને ચાલતી ૧૦૮ પોથીજી શ્રીમદ ભાગવત કથામાં આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે હજારો ભાવિકોએ કથાનું રસપાન કરીને ધન્યતા અનુભવી હતી. આ તકે મુખ્યમંત્રીએ ગોંડલની શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલને મેડિકલ કોલેજ બનાવીને દર્દીઓ માટે ૫૦૦ બેડની સુવિધાસભર હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી હતી.
શ્રીમદ ભાગવત કથાના મુખ્ય મનોરથી ક્રિકેટર ચેતેશ્વર પુજારા પરિવાર દ્વારા ગોંડલમાં ચાલતી શ્રીમદ ભાગવત કથા આજે કથાના છેલ્લા આઠમા , સમાપન દિવસે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજરી હોય, સમસ્ત કથા સ્થળ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આગમન પછી મહામંડલેશ્વર ડોક્ટર સ્વામી રામેશ્વરદાસજી મહારાજ, અજયભાઈ શેઠ દ્વારા પ્રસંગોચિત વક્તવ્ય આપવામાં આવ્યા હતા.
આ તકે કથાના મુખ્ય મહેમાન મહારાજ જ્યોતીન્દ્ર સિંહજીનું સહદેવસિંહ રાયજાદા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ક્રિકેટર ચેતેશ્વર પુજારાનું પંકજ તન્ના દ્વારા કરાયું હતું. માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનુ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ સન્માન કર્યું હતું. નગરપાલિકાના પ્રમુખ અશોકભાઇ પીપળીયાનું ગોંડલના અગ્રણી ગીરધરભાઈ પટેલે સન્માન કર્યું હતું. સંસદસભ્ય રમેશભાઈ ધદુકનું નીતિનભાઈ રાયચુરાએ સન્માન કર્યું હતું કથા સ્ટેજ પરથી પૂજ્ય હરિચરણદાસજી મહારાજશ્રીએ પણ સૌને આશિર્વચન પાઠવ્યા હતા..
કથાના ૮માં અને અંતિમ દિવસે પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે, સરકાર અને સમાજે ભાગીદારી પૂર્વક જનકલ્યાણ કરવું જોઈએ. સમજથી સમાજ બને છે. તેની સમજ ને બતાવવાનું કામ કથા, સત્સંગ, ધર્મ અને સાહિત્ય કરે છે. પત્રકાર,કથાકાર અને કલાકારનું સમાજના ઘડતરમાં અને નિર્માણમાં મહત્વનું યોગદાન હોય છે. પૂજ્ય ભાઇ શ્રી એવું પણ જણાવેલ કે આ ત્રણ કાર સરખી ચાલતી હોય તો ચોથી કાર સરકાર સારી ચાલે જ !
વ્યાસ પીઠ એ રાગદ્વેષના કોગળા કરવાની જગ્યા નથી. ખૂબ સંતુલન રાખીને વ્યાસપીઠ જનકલ્યાણ માટે બોલતી હોય છે. વ્યાસપીઠ ક્યારેક આંખ પણ દેખાડે પણ તેમાં કોઈ રાગદ્વેષ ના હોય. સંતાનોના કલ્યાણ માટેની ચિંતા માટે મા બાપ વઢતા હોય છે, તેમાં રાગ-દ્વેષ હોતો નથી.
સંવિધાન વગર રાષ્ટ્ર કે ધર્મ ના ટકે. ધર્મ દ્વારા લોકો સેલ્ફ કંટ્રોલ થાય છે. વ્યાસપીઠ હંમેશા સમાજના હિત માટે બોલતી હોય છે. સંપ્રદાયો સમસ્યા નહીં પરંતુ સમૃદ્ધિ છે. આચરણથી શીખાય તે ઉપદેશથી નથી શીખવાડી શકાતું. શહેર કે નગરની ઘડિયાળ ખોટો સમય બતાવે તો આખા શહેર કે નગરને મુશ્કેલી ભોગવવી પડતી હોય છે.
ભાઈશ્રી એવું પણ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં જનતા કરતાં ડોક્ટર ઓછા છે ત્યારે દેશ અને રાજ્યમાં મેડિકલ સીટો વધે, મેડિકલ કોલેજ વધે, સારું અને સાચું કાર્ય થતું હોય ક્યાં અને જે જગ્યાએ ઓછો ભ્રષ્ટાચાર થતો હોય જ્યારે સરકારે અને અધિકારીઓએ સહયોગ આપવો જોઈએ. અહીં રૂપિયો આપો તો સવા રૂપિયો પાછો મળે સેવાભાવ હોય છે. ટ્રસ્ટના નામે ખોટું કરતા લાગતા વળગતા હો સામે સરકારે ધોકો લઈને ઊભુ રહેવું જોઈએ. આજે કથા સમાપન દિવસે સેંકડો ભાવિકોએ કથાનું રસપાન કર્યું હતું. કથાના તમામ દિવસો દરમિયાન આચાર્યશ્રી અશોકભાઈ અને નિખિલભાઈ શાસ્ત્રી દ્વારા હજારો યજમાનને વૈદિક વિધિથી પૂજન કરાવ્યું હતું. કથા આયોજનને સફળ બનાવવા શ્રી રામ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી સદગુરુ ચેરીટેબલ ટ્રસ્ટના તમામ સેવાભાવીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
ગોંડલની શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલને મેડિકલ કોલેજ બનાવાશે: વિજયભાઈ રૂપાણી
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગોંડલમાં કથા સ્થળે પોતાના પ્રસંગોચિત વક્તવ્યમાં જણાવ્યું હતું કે કથામાં વિષાદ પણ નથી અને કન્ફયુઝન પણ નથી. ગંગા અને ગૌમાતા બધા માટે પ્રેરણા રૂપ છે.
પૂજ્ય રણછોડદાસજી મહારાજ, પૂજ્ય હરિચરણદાસજી મહારાજ, પૂજ્ય જલારામ બાપા, ભગત નરસિંહ મહેતા, બજરંગદાસબાપુ(બાપા સીતારામ), પૂજ્ય મોરારીબાપુ, પૂજ્ય રમેશભાઈ ઓઝા અને નાથાભાઈ જેવા સંતો મહંતોના પ્રતાપે ગુજરાત આજે ઉજળું છે. આવા સંતોની શક્તિ અને પ્રેરણાથી ગુજરાતમાં વિકાસના વાવટા ફરકાવી શકીએ છીએ.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે ગુજરાતમાં આધ્યાત્મિક ચેતના વધુ જાગે, ગુજરાત શક્તિશાળી થાય, ગુજરાત સમૃદ્ધ બને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ પણ કરે તેવી આશા છે. તેઓએ જણાવ્યું હતું કે સંત સુરાની ભૂમિ ની જેમ ગુજરાત નરેન્દ્ર મોદીની પણ ભૂમિ છે. તેઓએ ગુજરાતને લીડરશિપ આપી છે.
કથા સ્થળે હાજર રહેવાનું સૌભાગ્ય સ્વીકારીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નવી હોસ્પિટલના નિર્માણ માટે ખુબ મોટું આર્થિક યોગદાન આપનાર અજયભાઈ શેઠ અને ચેતનભાઈ ચગ સહિતના તમામ દાતાઓનો આભાર માન્યો હતો અને અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ એવું પણ જણાવ્યું હતું કે સાચો વૈષ્ણવ તો તેને કહેવાય કે જે પીડ પરાઈ જાણે રે. ગોંડલની શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલનું પણ આવું જ છે. કારણ કે અહીં દવા સાથે સંતોની દુઆ પણ સમાયેલી છે.
ગોંડલ શહેર, રાજકોટ જીલ્લો, અને સમગ્ર ગુજરાતમાં આનંદ થાય તેવી જાહેરાત કરતા મંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે ગોંડલની શ્રી રામ હોસ્પિટલમાં હાલના દિવસોમાં ૧૦૦ બેડની સુવિધા છે, અને વધુ ૫૦ બેડની સુવિધા વધારવા માટે સેવાભાવીઓ કમર કસી રહ્યા છે. પરંતુ એટલી જ નહીં ગોંડલની શ્રીરામ હોસ્પિટલમાં ૫૦૦ બેડની સુવિધા ઉભી થાય અને મેડિકલ કોલેજ બને તે માટે ગુજરાત સરકાર તમામ પ્રકારનો આર્થિક સેવા અને સહકાર આપવા તૈયાર છે.