- ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો ‘તાલીમમાં સહકાર આપ્યો ન હતો’ તેવું લખાશે
રાજકોટ કોર્પોરેશનની ફાયર બ્રિગેડ શાખા દ્વારા છેલ્લા સવા વર્ષથી શહેરમાં ફાયર સેફ્ટીની અને તાલીમ માટે ખાસ ડ્રાઇવ યોજવામાં આવે છે. અત્યાર સુધીમાં 731 સ્થળે મોકડ્રીલ યોજાઇ છે.32090 લોકોને ફાયર સેફ્ટી અંગે તાલીમ આપવામાં આવી છે. હજી અનેક સોસાયટીઓમાં લોકો ફાયર સેફ્ટી અંગેની ડ્રાઇવમાં સહકાર આપતા ન હોય હવે તેઓને નોટિસ ફટકારવામાં આવશે.તેવું ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરે જણાવ્યું છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં 731 સ્થળે ફાયર સેફ્ટીની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 32090 લોકોને તાલીમ આપવામાં આવી છે.જેમાં 419 હાઇરાઈઝ બિલ્ડીંગમાં 13415 લોકોને, 6 કોલેજમાં 530 લોકો, 106 સ્કૂલમાં 15226 છાત્રો, 13 કચેરીમાં 542 લોકો,
3 હોટલમાં 80 લોકો 174 હોસ્પિટલમાં 1728 લોકો અને 6 ઇન્ડસ્ટિઝમાં ફાયર સેફ્ટિની મોકડ્રીલમાં 390 લોકોને તાલીમ આપવામાં આવી હતી.
હજી શહેરના અનેક વિસ્તારોમાં લોકો ફાયર સેફટી મોકડ્રીલમાં સહકાર આપતા નથી.તાલીમ દરમિયાન એકત્રિત પણ થતા નથી. આવા કેસમાં હવે તમામને નોટિસ આપવામાં આવશે. નોટિસમાં એવું નોટિંગ કરવામાં આવશે કે ભવિષ્યમાં કોઈ અંશની બનાવ બનશે તો આપની જવાબદારી રહેશે કારણ કે ફાયર સેફટીની તાલીમ દરમિયાન હાજર રહ્યા ન હતા.