113 વર્ષ જૂના જૈન બોર્ડિંગના નવિનિકરણનો કરાયો પ્રારંભ: ભવનના દાતા ચંદ્રવંદનભાઇ દેસાઇ તથા હોલના દાતા ઇન્દુભાઇ બદાણી, સુશીલાબેનને સન્માનિત કરાયા
દશાશ્રીમાળી અને વણિક જૈન વિદ્યાર્થી ભવન માલવીયા ચોક ખાતે જૈન બોર્ડિંગના ગ્રાઉન્ડમાં 1100 વારની જગ્યામાં આકાર લેનારા ડો.ચમનલાલ જે.દેસાઇ અને જશવંતીબેન દેસાઇની સ્મૃતિમાં સેવા ભવન નામકરણનો ચંદ્રવદનભાઇ દેસાઇએ 1.62 કરોડમાં અને 6 હજાર સ્કેવર ફીટના વિશાળ મહાવીર હોલ નામકરણનો 72 લાખમાં સુશીલાબેન ઇન્દુભાઇ બદાણીએ લાભ લીધેલ. દાતા પરિવારના હસ્તે ભૂમિપૂજન વિધિ સંપન્ન થયેલ.
નવનિર્મિત સેવા ભવનના નિશ્રા દાતા પૂ.ધીરગુરૂદેવે નિદ્રાવિજેતા, એકાવતારી પૂ.ડુંગર ગુરૂદેવની 201મી પુણ્યતિથિ નિમિતે ગુણાંજલિ અર્પણ કરતાં જણાવેલ કે ગોંડલ સંપ્રદાયના ક્ષેત્રોમાં જૈનોની સંખ્યા, ઉપાશ્રય, વૈયાવચ્ચ વગેરેમાં રાજકોટ મુખ્ય ક્ષેત્ર બની ગયું છે. ત્યારે સમાજ ઉપયોગી ભવન, હોલ અને અતિથિ હાઉસ અનેકને સહાયક બની રહેશે. મુકેશભાઇ કામદારે ગુરૂદેવના વીઝનને બિરદાવી દાતાઓને વિવિધ વિભાગમાં લાભ લેવા અનુરોધ કરેલ. કામદાર ધર્માલય, ઇન્દ્રપ્રસ્થનગર, શ્રમજીવી, વૈશાલીનગર, રામકૃષ્ણનગર, મહાવીરનગર, સરિતા વિહાર વગેરે સંઘો, દાતાઓ પ્રેરક દાતા શ્રેણીમાં તેમજ એક સદ્ગૃહસ્થે 11 લાખનું અનુદાન જાહેર કરેલ. પ્રમુખ મહેન્દ્રભાઇ મહેતાએ સ્વાગત અને કમિટિએ દાતાઓનું સન્માન કરેલ, નવકારશીની વ્યવસ્થાને સહુએ બિરદાવી હતી.
ભૂમિ પૂજન સમારોહ મધ્યે પ્રોજેક્ટનીઅનાવરણ વિધિ દાતા પરિવાર તથા આર્કિટેક્ટ સુરેશભાઇ અને રીખબભાઇ સંઘવીના હસ્તે કરાયા બાદ ચંદ્રવદનભાઇ દેસાઇએ 54 લાખનો અને ઇન્દુભાઇ બદાણીએ 15 લાખનો ચેક અર્પણ કરતાં સમિયાણો ‘જૈન જયતિ શાસનમ’ના નાદે ગુંજી ઉઠ્યો હતો. શશીકાંત જી.બદાણી જૈન બોર્ડિંગ અને સેવા ભવનનાં નિર્માણ કાર્યનો ટૂંક સમયમાં પ્રારંભ થશે. અતિથિ હાઉસમાં એક ડીલક્ષ રૂમનો નકરો 11 લાખ છે. વધુ વિગત માટે વિમલ પારેખ મો.નં.98242 60760નો સંપર્ક કરવો.
બોડિર્ર્ંગના નવીનીકરણથી સમાજને ફાયદો થશે: ઇન્દુભાઇ બદાણી
‘અબતક’ સાથેની વાતચીતમાં દાતાશ્રી ઇન્દુભાઇ બદાણીએ જણાવ્યું હતું કે 113 વર્ષ જૂની જૈન બોર્ડીંગના નવીનીકરણના ભૂમિ પૂજનમાં ઉપસ્થિત રહ્યો છું. મને ભાવ થયો હતો. એ જ સાચા ભાવથી સમાજ માટે કંઇક સારૂં કરવાના ઉદેશ્યથી દાન કરેલ છે. ગુરૂદેવનો હાથ અમારા પર છે અને તેમની નિશ્રામાં જ કાર્યો સંપન્ન થાય છે. મને મારો પરિવાર ખૂબ જ સપોર્ટ છે. મારો દિકરો ઇથોપીયા રહે છે તેને મને કહેલ કે તમને જે કાર્યો કરવા હોય તે કરો અમે સાથે છીએ. જૈન બોર્ડીંગ બન્યા બાદ ઘણા લોકોને ફાયદો થશે. આ જગ્યાએ બોર્ડીંગ, હોલ, અતિથિ ગૃહનું નિર્માણ થશે. 113 વર્ષ પુરાણું બિલ્ડીંગ નવું બની જશે. તે અમારા માટે આનંદની વાત છે. અમને આશા છે કે બેથી ત્રણ વર્ષમાં કાર્ય પૂર્ણ થશે. આવા શુભકાર્યો થઇ રહ્યાં છે. સંતોષ થઇ રહ્યો છે.
બોર્ડિંગના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત રહી ખૂબ જ આનંદ થયો: ચંદ્રવદનભાઇ દેસાઇ
‘અબતક’ સાથેની વાતચીતમાં દાતાશ્રી ચંદ્રવદનભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે અમે કલકત્તા રહીએ છીએ. હું બે કંપનીનો ચેરમેન છું. જૈન બોર્ડીંગનું નવીનીકરણ થઇ રહ્યું છે મને લાહવો મળ્યો છે. મારા પિતાજીને રાજકોટ પ્રત્યે ખૂબ જ લાગણી હતી. મારા પિતાજી કલકત્તાથી દર વર્ષે રાજકોટ આવતા તેઓની ઇચ્છા રહેતી કે રાજકોટનું કંઇ પણ હોય તો આપણે કરવું જોઇએ. મેં ગુરૂદેવ ધીરજમુનિ મહારાજ સાહેબને જણાવેલ કે કોઇપણ કાર્યમાં મને લાભ આપો અને ગુરૂદેવએ મને સારો લાભ આપ્યો છે. આવા શુભ વિચાર અંદરથી આવ્યાં છે. અંતરમાં ભાવ થયા અને વિચાર આવ્યો અને હજુપણ જરૂરત રહેશે તો હું તૈયાર હોઇશ. મને બોર્ડીંગના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો ખૂબ જ આનંદ થાય છે. આ તમામ કાર્યો ગુરૂદેવ ધીરજમુની મહારાજ સાહેબને આભારી છે.
એજ્યુકેશનના હબ ગણાતા રાજકોટમાં જૈન બોર્ડિંગનું નૂતુનીકરણ વિદ્યાર્થીઓને ઉપયોગી બનશે: પૂ.ગુરુદેવ ધીરજમુનિ મ.સા.
‘અબતક’ સાથેની વાતચિતમાં પૂ.ગુરૂદેવ ધીરજમુનિ મહારાજ સાહેબએ પ્રર્વત પૂજ્યપાદ ડુંગરશ્રીજી સ્વામીનો સ્મૃતિ દિવસ છે. ડુંગરશ્રીજી સ્વામીએ ગોંડલ સંપ્રદાયનું નેતૃત્વ સંભાળ્યું. જેઓ ભાવિકોને ધર્મથી પ્રભાવિત કર્યા એ જ 108 ગોંડલ સંપ્રદાયના સંઘો છે. તેમાં મુખ્ય રાજકોટ જે ધર્મનગરી રાજગ્રહીનગર સમાન 36 ઉપાશ્રયો 100 સાધુ-સાધ્વીઓનો લગભગ અહીંયા વિતરણ સ્થીરવાસ થયેલ. 113 વર્ષ જૂની જૈન બોર્ડિંગ કે જેનું નૂતનીકરણ થાય તો એજ્યુકેશન હબ તરીકે ગણાતા રાજકોટમાં અનેક વિદ્યાર્થીઓને ઉપયોગી બને તે માટે 13 માર્ચના રોજ શ્રીમાન શશીકાંત બદાણી જે 1934ના વિદ્યાર્થી હતા.
તેમના યોગદાનથી અન્ય પરિવારો દેશ-વિદેશના વિદ્યાર્થીઓએ માતબર યોગદાન આપ્યું અને હાલ બોર્ડીંગનું ડિમોલેશન કાર્ય ચાલુ છે અને નજીકના દિવસોમાં નવું બાંધકામ શરૂ થશે. તેવી જ રીતે સમાજને ઉપયોગી જે ભવન બને કારણ કે આ બોર્ડિંગના પ્રાંગણે અત્યાર સુધીમાં ગોંડલ સંપ્રદાયની 60 દિશાઓ ઉજવાયેલ છે તો એ જગ્યામાં ભવન હોલ કે અતિથિ ગૃહ બને તો સમાજને ઉપયોગી બને, ખાસ કરીને મધ્યમ વર્ગીય સમાજ માટે આ આર્શિવાદ કારણ બને અને તે માટે ડો.ચમનલાલ જે.દેશાઇ જે મૂળ રાજકોટના જન્મેલા હતા અને કર્મભૂમિ જેમને કલકત્તા બનાવેલી તેવા માતા-પિતાની સ્મૃતિમાં તેમના પુત્ર દાનવીર એવા ચંદ્રવદનભાઇ દેસાઇ કે જેમણે અત્યાર સુધીમાં 70 કરોડનું અનુદાન સમાજના વિવિધ કાર્યો આપેલ છે અને હમણાં જ કલકત્તામાં કામાણી ઉપાશ્રય નિર્માણમાં બે કરોડ એકાવન લાખ આવ્યા છે. તેનું ભૂમિપૂજન અખાત્રીજના હતું. તેમની ભાવના કે ગુસઆજ્ઞા મળે તો કંઇક સર્જન રાજકોટમાં પિતાજીની સ્મૃતિમાં થાય ત્યારે આજે ડો.ચમનલાલ જે.દેસાઇ જે ભવન બનાવા જઇ રહ્યું છે.
તેમાં ચંદ્રવદનભાઇ દેસાઇ ખાસ કલકત્તાથી જૈન બોર્ડીંગ ખાતે ભૂમિપૂજનમાં હાજરી આપી છે અને સંઘ અને સંસ્થાનો ઉત્સાહ વધાર્યો છે. તેવી જ રીતે ડુંગરશ્રીજી મહારાજ સાહેબના પરિવારનો બદાણી પરિવાર કે એમના વારસાગત એવા ઇથોપિયામાં વ્યવસાય અર્થે પહોંચેલા ઇન્દુભાઇ ભીમજીભાઇ બદાણી અને શ્રીમતી સુશિલાબેન બદાણી કે જેમને 6000 સ્કેવર ફીટના ભવ્ય હોલ માટે માતબર યોગદાન આપી શુભારંભ કરાવો. અન્ય ભાવિકોએ દાન આપ્યું છે. લગભગ દોઢ વર્ષમાં આ કાર્ય પૂર્ણ થાય એવી ભાવના ભાવી રહ્યાં છે. સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઇ મહેતાની ટીમના કાર્યકરો ઉત્સાહથી કાર્ય કરે છે અને તેમનું મિશન છે કે શિર્ઘ કાર્ય પૂર્ણ થાય અને ચંદ્રવદનભાઇ દાતા પરિવાર તરફથી 54 લાખનો ચેક સંસ્થાને અર્પણ કરેલ તથા 15 લાખનો ચેક ઇન્દુભાઇ બદાણીએ આપેલ છે.
આ દાતાઓથી આવા કાર્યો શોભે છે અને આવા જ કાર્યો સમાજના દાનવીરો કરતા રહે તેવી મંગલ ભાવના છે. જૈન બોર્ડિંગનું 1500 વારમાં સર્જન થશે. તેમાં ફ્રન્ટયાર્ડ, નીચે મલ્ટીપપર્સ હોલ સાથે ભોજનાલય, પ્રથમ માળે સાતાકારી અને વિદ્યાર્થીઓને અનુકૂળ પડે તેવા 300 સ્કેવર ફૂટના 12 રૂમ બનશે. બીજા માળે 12 રૂમ બનશે. મિડલમાં બે લાઇબ્રેરી બનશે. અગાસીમાં જીમનેશીયમ બનશે. લગભગ 7 કરોડના ખર્ચે બોર્ડીંગના બિલ્ડીંગનું નિર્માણ થશે. એવી રીતે બોર્ડીંગના પાછળના ગ્રાઉન્ડમાં 8000 વાર જગ્યા સંસ્થા પાસે ઉપલબ્ધ છે. જેમાં 60×12નો હોલ બનશે. અતિથિ હાઉસમાં નવ રૂમ બનશે. નીચે હોલ બે રૂમ, ઓફીસ લીફ્ટ અને તે 5 કરોડના ખર્ચે સંકુલનું નિર્માણ થશે. અંદાજીત 12 કરોડના ખર્ચે બોર્ડીંગ હોલ, અતિથિ ગૃહ બનશે અને દેશ વિદેશના દાતાઓ સ્વયંભૂ રીતે સમાજ ઉપયોગી કાર્યમાં દાન સરિતા વહાવી રહ્યાં છે. જેના કારણે આવા ભગીરથ કાર્યો થઇ શકે છે.
જૈન બોર્ડિંગ નવ્ય સેવા ભવન, હોલનું ભૂમિપૂજન ‘અબતક’ના માધ્યમ દ્વારા લાખો લોકોએ નિહાળ્યું
જૈન બોર્ડિંગમાં પૂ.ધીરગુરૂદેવ પ્રેરિત નવ્ય સેવા ભવન અને હોલના ભૂમિપૂજન ‘અબતક’ ચેનલ અને ડિજિટલ માધ્યમથી જીવંત પ્રસારણ લાખો લોકોએ નિહાળ્યું.