સામાજિક કાર્યકર છોટુભાઇ ગમારાએ પાંચ વર્ષની બાળકીને ગંભીર બિમારીમાંથી ઉગારવા ઓપરેશનનો ખર્ચ એકત્ર કરી માનવતાનું ઉતમ ઉદાહરણ પુરૂ પાડ્યું

એક મધ્યમ પરિવારની પાંચ વર્ષની માસુમ બાળકીને ગંભીર બીમારી હોવાને કારણે તાત્કાલીક ઓપરેશનની જરૂરીયાત હોવાની અપીલ સોશ્યલ મીડીયામાંથી જાણ્યા બાદ સામાજીક કાર્યકર છોટુભાઇ ગમારાએ સેવાભાવી સંસ્થા અને કાર્યકરોના સંપર્ક કરી ઓપરેશનનના ખર્ચ જેટલી રકમ એકઠી કરી અમદાવાદ ખાતે ઓપરેશન સફળ થતાં જે પરિવારે પોતાની માસુમ બાળકીની જીવવાની આશા છોડી દીધી હતી અને પરિવાર ખુદ આપઘાત કરી લે એવી પરિસ્થિતી ઉભી થઇ હતી. ત્યારે સમાજ સેવકોએ કોઇપણ નાત જાતના ભેદભાવ વગર પોતાનું સામાજિક દાયિત્વ નીભાવી એક મધ્યમ પરિવારને જીવતદાન આપવામાં નીમીત બન્યા છે.

પ્રેરણાત્મક કિસ્સાની વિગત એવી છે કે ગોંડલ રોડ ઉપર પરિન ફર્નીચરની પાછળ મોહમ્મદ પાર્કમાં રહેતા અનવરભાઇ રફીકભાઇ મુરીમા પરિવારની પાંચ વર્ષની બાળકી તમન્ના ગંભીર બીમારીને કારણે ખોરાક લઇ શકતી ન હોય અને ઓપરેશન માટેનો ખર્ચ પાંચ લાખ જેટલો હોય જે ખર્ચ કરવાની પરિવારની સ્થિતી ન હોય આ બાબતની પોસ્ટ સોશ્યલ મીડીયામાં વાયરલ થયા બાદ સામાજિક કાર્યકર છોટુભાઇ ગમારાએ લાગતા વળગળતા તથા સેવાકીય સંસ્થાઓને આ બાબતની જાણ કરી બાળકીનું ઓપરેશન કરવવાનું બીડુ ઝડપ્યુ અને અમદાવાદ ખાતે બે દિવસ પહેલા આ બાળકીનું સફળતા પૂર્વક ઓપરેશન થઇ ગયું છે. ઓપરેશનના મોટાભાગના ખર્ચની વ્યવસ્થા સુરતના એચ.આર.કે. હેલ્પ ગ્રુપ અને સેવાભાવી સંસ્થા મુકનાયક પરિવાર તથા રાજકોટના સામાજીક કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી.

માસૂમ તમન્નાની જીંદગી બચાવી એક ગરીબ પરિવારની તમન્ના પૂરી કરવામાં શકિત ટી સ્ટોલ વાળા છોટુભાઇ ગમારા, હીરેનભાઇ ફાંગલીયા (ઉપસરપંચ -તડઘરી), રાજુભાઇ જુંજા, રામભાઇ ખાંટ, એજાજભાઇ, વિપુલભાઇ ગમારા, મોજબાપુ, પોપટભાઇ આહીર (એચ.આર.કે.ગ્રુપ), આશિફભાઇ સીદીકી, ઇરફાનભાઇ શેખ, મેહુલભાઇ ગમારા, સંજયભાઇ બલદાણીયા, પ્રકાશભાઇ બેન્કર (મુકનાયક પરિવાર) સહીત નામી અનામી સેવાભાવી લોકોએ સહયોગ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.