Table of Contents

લોકસભાની ચૂંટણી પહેલા ૧૦૦ મણનો સવાલ

ભારતમાં ૪૫ કરોડ સોશિયલ મીડિયાના વપરાશકર્તાઓ છે જેનો આગામી લોકસભાની ચૂંટણીમાં મહત્તમ ઉપયોગ થવાની સંભાવના: ૨૦૧૪ની ચૂંટણીમાં સોશિયલ મીડીયાનો મહત્તમ ઉપયોગ કરીને મોદી સરકારે સત્તા પ્રાપ્ત કરી હતી

સોશિયલ મીડિયામાં ફેક ન્યુઝના થતા અતિરેક અને વાઈરલવાઈરસ બની જતા હોય લોકોનો સોશિયલ મીડિયા પરનો ભરોસો ઉઠી રહ્યો છે જેથી, સોશિયલ મીડિયામાં થતા વાઈરલ બુમરેંગ સાબિત થવાની સંભાવના

તમામ સોશિયલ મીડિયા કંપનીઓ વિદેશોમાંથી ઓપરેટ થતી હોય લોકોને મફતમાં અપાતી આ સુવિધાનો ઉપયોગ કરવાથી કંપનીઓ દર વર્ષે અબજો રૂ.નું હુંડીયામણ વિદેશોમાં ઘસડી રહ્યા છે

સોશિયલ મીડિયાઓ પર સરકારનો સીધો કાબુ ન હોય, લોકમત ઘડવામાં પ્રિન્ટ કે ઈલેકટ્રોનીકસ મીડિયા કરતા વધારે અસર કરે છે; પરંતુ તેનો બિન જરૂરી વધારે પડતો ઉપયોગ કિંમતી સમયનો વેડફાટ કરી રહ્યો છે

ઝડપભેર વિકસી રહેલા ભારત દેશમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ સર્વોચ્ચ કક્ષાએ પહોચી ગયો છે. વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં આગામી વર્ષે લોકશાહીનું માપર્વ એવી લોકસભાની ચૂંટણી યોજાનારી છે. જયારે આ ચૂંટણીમાં સોશિયલ મીડીયાનો ઉપયોગ અતિ મહત્વનો બનનારો છે. ત્યારે તેના લાભ અને નુકશાનને જોતા સોશિયલ મીડિયા ‘બુમરેંગ’ સાબિત થશે કે ‘બોમ્બ’તે અતિ મહત્વનો મુદો થઈ ગયો છે.

આપણા દેશમાં સ્માર્ટ મોબાઈલ ફોન અને ઈન્ટરનેટ વાપરનારા લોકોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જેથી દુનિયાભરમાં સૌથી વધારે યુવા વયના નાગરીકો ધરાવતા ભારત પર વિદેશની સોશિયલ મીડીયા કંપનીઓએ નજર ઠેરવી હતી. યુવાનો પણ મફતમાં અપાતી ફેસબુક, ટવીટર, ઈન્સ્ટાગ્રામ, વ્હોટએપ સહિત વિવિધ એપોનો ઉપયોગ રમત-રમતમાં કરવા લાગ્યા હતા જેથી, ખૂબ જ ટુંકા સમય ગાળામાં ભારતમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ તેની સર્વોચ્ચ કક્ષાએ પહોચી જવા પામ્યો હતો.

ઈન્ટરનેટ પર મફતમાં ઉપયોગ થતી વિવિધ સોશિયલ મીડીયાનો ક્રેઝ ભારતમાં એટલો બધો વધ્યો કે તેને પ્રિન્ટ અને ઈલેકટ્રોનીકસ મીડિયા કરતા પણ વધારે મહત્વ મળવા લાગ્યું હતુ જેથી, તેનું મહત્વ સમજીને ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં સોશિયલ મીડિયાનો મહત્તમ ઉપયોગ કરીને તત્કાલીન યુપીએ સરકારના નબળા પાસાઓને ઉજાગર કરીને ને ગુજરાતમાં થયેલા વિકાસકામોને હાઈલાઈટ કરીને નરેન્દ્રભાઈ મોદી ભાજપના દેશભરનાં લોકપ્રિય નેતા થઈ ગયા હતા સોશિયલ મીડિયા દ્વારા મળેલી લોકપ્રિયતાનો લાભ લોકસભાની ચૂંટણીમાં ભાજપને મળતા ભારે બહુમતી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન પદે બિરાજી ગયા હતા.

આ ચૂંટણીમાં યુપીએની મનમોહનસીંગ સરકારને પછડાટ મળતા કોંગ્રેસે પણ સોશિયલ મીડિયા તરફ પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યું હતુ તાજેતરમાં યોજાયેલી રાજસ્થાન, મધ્ય પ્રદે અને છતીસગઢ રાજય વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે સોશિયલ મીડિયાનો મહત્તમ ઉપયોગ કરીને કેન્દ્રની મોદી અને સ્થાનિક રાજય સરકારોને વિવિધ મુદે નિષ્ફળતાઓનો હાઈલાઈટ કરીને જનાક્રોસને ભડકાવવામાં સફળ થઈ હતી. જેથી આ ત્રણેય રાજયોમાં કાર્યરત ભાજપ સરકારોને મતદારોએ પછડાટ આપીને તેના વિકલ્પ રૂપે કોંગ્રેસને વિજયી બનાવ્યું હતુ.

સોશિયલ મીડિયામાં ‘વાઈરલ થતા અનેકા મેસેજો વાઈરસ’ બનીને નુકશાનકારક પણ પૂરવાર થતા રહ્યા છે ગૌ વંશનું અપહરણ કરી હત્યા કરવાના કે બાળકોને ઉઠાવી જતી ટોળકીના ખોટા વાઈરલ થતા મેસેજોનાં કારણે ગત વર્ષે દેશમાં ૩૦ નિદોર્ષ લોકોના બેકાબુ ટોળાએ મારી નાખ્યા હતા સોશિયલ મીડિયાના દૂરપયોગથી સફાળી જાગેલી કેન્દ્ર સરકારે વિવિધ કંપનીઓ વ્હોટએપ ફેસબુક, ટવીટર, વગેરેને ‘ફેક ન્યુઝ’ રોકવા માટે તાકીદ કરી હતી. જે બાદ, વિદેશોમાંથી ચાલતી સોશિયલ મીડિયા કંપનીઓએ વિવિધ સુધારાઓ કરીને ‘ફેક ન્યુઝ’ને રોકવા પ્રયત્નો કર્યા છે. પરંતુ દેશમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ મહ્ત્તમ કક્ષાએ પહોચી ગયો હોય સોશિયલ મીડિયા કંપનીના આવા પ્રયત્નો નિરર્થક પૂરવાર થઈ રહ્યા છે.

વ્હોટએપ, ફેસબુક, ટવીટર, ઈન્સ્ટાગ્રામ વગેરે જેવી સોશિયલ મીડિયા કંપની વિદેશોમાં ચાલે છે. ભારતનાં નાગરીકો દ્વારા તેના મહત્તમ ઉપયોગથી દર વર્ષે અબજો રૂ.નું હુંડીયામણ વિદેશોમાં ઢસડાઈ રહ્યું છે. દેશના લોકપ્રિય નેતા મનાતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફેસબુક પર ૪.૩ કરોડ ફોલોઅર્સ છે.

જયારે, ટવીટર પર ૪.૫ કરોડ ફોલોઅર્સ છે. મુખ્ય વિપક્ષી નેતા રાહુલ ગાંધીના ફેસબુક પર ૨.૨ કરોડ જયારે ટવીટર પર ૮.૧ કરોડ ફોલોઅર્સ છે. આ નેતાઓ તેમના ટવીટર પર કે ફેસબુક પર એક ટીપ્પણી મૂકે અને તેના ૧૦ ટકા ફોલોઅર્સ આ ટીપ્પણીને વાંચે કે ઉતર આપે ત્યારે તો પણ સીધુ જ વિદેશી સોશિયલ મીડિયા કંપનીઓને કરોડો રૂ.નો ફાયદો થાય છે.

સોશિયલ મીડિયાના વધતા ક્રેઝ પર ફેક ન્યુઝ મુદે ભારે અસર થતા અને ભારતીય લોકોમાં આવા પ્લેટફોર્મોની વિશ્વસનીયતા પર શંકા ઉદભવતા આ કંપનીઓને ખૂલાસા કરવા પડયા હતાક અને તેના ભાગરૂપે જેનું તે હરીફ માનવામાં આવે છે તેવા અખબારો અને ઈલેકટ્રોનીકસ મીડિયાઓમાં જાહેરાતો આપીને પોતાની વિશ્વસનીયતા ટકાવી રાખવા ‘ફેક ન્યુઝ’ રોકવા તેમને લીધેલા પગલાઓની જાહેરાત કરવી પડી હતી.

આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ભારતમાં આશરે ૯૦ કરોડ મતદાતાઓ છે જેમાના અડધા ઉપરાંતના મતદાતાઓ સ્માર્ટ ફોન અને ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે.જેમાં ૩૦ કરોડ લોકો ફેસબુકનો જયારે ૨૦ કરોડ લોકો વ્હોટએપની મેસેજીંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે. જેથી આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ પક્ષોએ પોતાના પ્રચાર, પ્રસાર માટે સોશયલ મીડિયાનો ઉપયોગ કરનાર છે. જેથી આ ચૂંટણીમાં સોશયલ મીડીયાનો ઉપયોગ અતિશય વધારે પડતો થવાની સંભાવના સેવાય રહી છે.

પરંતુ, આપણા દેશમાં શિક્ષણનું પ્રમાણ પણ વધી રહ્યું હોય સોશયલ મીડીયામાં આવતા સાચા ખોટા મેસેજો કે વાઈરલને લોકો પારખતા થઈ ગયા છે. જેથી, લોકો હવે ઝડપથી સોશયલ મીડિયા પર આવતા મેસેજોને સાચા માનતા નથી. અને આવા મેસેજોની ખરાઈ માટે બીજા માધ્યમનો ઉપયોગ કરવા લાગ્યા છે. જેથી, આગામી લોકસભાની ચૂંટણીમાં સોશ્યલ મીડિયા માટે વિશાળ તકો પણ અને તેવી જ રીતે નિષ્ફળતા મળવાની સંભાવના પણ છે.જેથી આગામી ચૂંટણીમાં સોશયલ મીડીયા બુમરેંગ સાબિત થશે કે બોમ્બ તે તો સમય જ કહી શકે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.