તમે ક્યારે ઓનલાઇન થાઓ છો, ક્યારે પોસ્ટ કરો છો, કઈ જગ્યાએથી પોસ્ટ કરો છો તેની સચોટ માહિતી પર નજર રાખી શકાય છે
એક અંદાજિત વ્યક્તિ રોજ આશરે ૪ કલાક સોશિયલ મીડિયા પર ગાળે છે. સવારે ઉઠતાં ની સાથે જ આપણે સૌપ્રથમ સોશિયલ મીડિયા ના અપડેટ જોવા ટેવાયેલા છીએ. આપણી સૌથી સુખી પળો થી માંડી ને દુ:ખ ભરેલી ક્ષણો આપણાં સોશિયલ મીડિયા અકાઉંટ પર મળી શકે. કોઈ વ્યક્તિ વિશે જાણવા સૌપ્રથમ આપણે એનું ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ અકાઉંટ જોઈએ છીએ. એક વ્યક્તિ ના જન્મ થી આખરી ક્ષણો સુધી ની સામાજિક ડાયરી સોશિયલ મીડિયા પર થી બનાવી શકાય. વ્યક્તિ ના મંતવ્યો, ગમો – અણગમો, સામાજિક તથા રાજકારણીય વિચારો, તથા જીવન ની દરેક અમુલ્ય પળો તેમના સોશિયલ અકાઉંટ ને વાંચી ને જાણી શકાય છે. આપણાં મિત્ર વર્તુળ થી શરૂ કરી ને આપણાં મનપસંદ અભિનેતા અને અભિનેત્રી સુધી ની દરેક માહિતી આપણાં સોશિયલ અકાઉંટ પર દેખાય છે.
પરંતુ શું તમે જાણો છો તમારા આ જ સોશિયલ મીડિયા અકાઉંટ પર ની દરેક ક્રિયા પર જાપ્તો રાખી શકાય છે? તમારી દરેક લાઇક, કમેંટ અને પોસ્ટ ટ્રેક કરી શકાય છે. તમે ક્યારે ઓનલાઇન થાઓ છો, ક્યારે પોસ્ટ કરો છો, કઈ જગ્યાએ થી પોસ્ટ કરો છો તેની સચોટ માહિતી પર નજર રાખી શકાય છે. કદાચ તમને ખબર પણ ન હોય અને તમારી પ્રોફાઇલ નજર હેઠળ રાખવામા આવી હોય. કદાચ જે ગ્રુપ માં તમે જોડાયા હોય તે ગ્રુપ ૨૪ કલાક મોનિટર થતું હોય શકે. આ આખી પ્રણાલી ને સોશિયલ મીડિયા સર્વેલન્સ કહેવાય છે.
આજ થી લગભગ ૩ વર્ષ પહેલા(૨૦૧૭) બીઇસીઆઇએલ દ્વારા દરખાસ્તો આમંત્રિત (Request for proposal) કરવા માં આવી હતી. આ મુજબ એક એવા સોફ્ટવેર બનાવવા ની વાત હતી જે ભારત ના નાગરિકો ના સોશિયલ મીડિયા તથા ઓનલાઇન ડેટા પર નજર રાખી શકે. પરંતુ સર્વોચ્ય ન્યાયાલય માં તેને પડકારવા માં આવતા સરકાર તેના પર પુન:વિચારણા કરવા સમ્મત થઈ હતી. વધુ જોઈએ તો આ સોફ્ટવેર દ્વારા સોશિયલ મીડિયા ઉપરાંત દરેક ડિજિટલ પ્લેટફોર્મ પર થી માહિતી મેળવી સ્વચલિત અહેવાલો તથા વિશ્લેષણ પૂરા પાડવાના હતા. પરંતુ આ સોફ્ટવેર ભારત ના નાગરિકો ની વ્યક્તિગત ગોપનીયતા નું સંપૂર્ણ હનન કરી શકે એમ હતો. આ સાથે એ પ્રશ્ન પણ થઈ શકે કે જે ખાનગી સંસ્થા આ સોફ્ટવેર પૂરો પાડે તેની પાસે ભારત ની વિશાળ વસ્તી નો સંપૂર્ણ સોશિયલ મીડિયાનો ડેટા ખુલ્લો થઈ જાય. જે સોશિયલ મીડિયા આપના દરેક અનુભવો ને દુનિયા સામે આપણી પરવાનગી થી રજૂ થાય છે તે કદાચ આપણી પરવાનગી વિના જ જોવામાં આવે. આ બાદ તાજેતરમાં જ ફરી વખત ૧૮ સપ્ટેમ્બર,૨૦૨૦ એ બીઇસીઆઇએલ દ્વારા ફરી એવા જ સોફ્ટવેર માટે દરખાસ્તો આમંત્રિત કરવામાં માં આવી કે જેનાથી સોશિયલ મીડિયા પર ની ક્રિયાઓ તથા અભિવ્યક્તિ ને ટ્રેક કરી શકાય. આ સાથે આ ક્રિયાઓ તથા અભિવ્યક્તિઓ ને વાંધાજનક કે બિન-વાંધાજનક એવા બે વર્ગ માં વિભાજિત કરવામાં આવે.
સોશિયલ મીડિયા તથા ઇન્ટરનેટ પર ના ડિજિટલ માહિતીઓ પર ચાંપતી નજર રાખવાનો વિચાર નવો નથી. ભારત સાથે બીજા દેશો એ પણ આ માટે કવાયતો કરેલી છે. અલગ અલગ દેશો માં આ સોશિયલ મીડિયા સર્વેલેન્સ પર વિરોધ કરવા માં આવેલો. લોકશાહી ધરાવતા દેશ માં આ સોશિયલ મીડિયા પર સરકાર ની નજર રાખવાના ખ્યાલ ની ખૂબ જ ટીકા કરવામાં આવી. ઘણા દેખાવો તથા વિરોધ પણ થયા છે. આ વિરોધનું કારણ આ જ મીડિયા સર્વેલેન્સ ના એવા પાસાઓ છે જે ખૂબ જ જોખમી પુરવાર થઈ શકે છે.
સોશિયલ મીડિયા સેર્વેલન્સ ને ઊંડાણ માં સમજીએ તો ઓક્ટોબર,૨૦૨૦ સુધી માં વિશ્વ સ્તરે જીવંત ડિજિટલ વસ્તી ૪૦૮ કરોડ ની હતી. ફેસબુક ના ૨૭૦ કરોડ, યૂટ્યૂબ ના ૨૦૦ કરોડ, ઇન્સ્ટાગ્રામ ના ૧૧૫ કરોડ તથા વ્હાત્સપ્પ ના ૨૦૦ કરોડ જીવંત વપરાશકર્તા છે. આધુનિક સમય ની ડેટા સાઇન્સ તથા આર્ટિફિકલ ઇન્ટેલીજન્સ ની મદદ થી કોઈ પણ વપરાશકર્તા ની સોશિયલ મીડિયા અકાઉંટ પર ની વર્તણૂક ની નોંધ લઈ શકાય છે. તમે ગૂગલ પર સર્ચ કરેલા શબ્દો થી શરૂ કરી ને તમારા દરેક સોશિયલ મીડિયા પર લખેલા વાક્યો પર જાપ્તો રાખી શકાય છે. એક આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ પર આધારિત સોફ્ટવેર તેને આપેલા નિર્દેશ મુજબ સોશિયલ મીડિયા ના ગ્રુપ્સ, બ્લોગ્સ તથા કોઈ પણ અહેવાલો ને વાંચી ને તેના પર નિર્ણય કરી શકે છે. તે કોઈ પણ ના સોશિયલ મીડિયા અકાઉંટ ની અંદર રહેલી માહિતી ને બહાર લાવી શકે છે. આ સાથે જરૂર પડ્યે કોઈ પણ નું સોશિયલ મીડિયા અકાઉંટ ને બંધ અથવા તો અટકાવું પણ શક્ય છે. એક અમેરિકન ટીવી સિરીઝ પર્સન ઓફ ઇન્ટરેસ્ટ માં સરકાર પાસે એક એવી આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્ટ પ્રણાલી બતાવવા માં આવી છે જે ન ફક્ત તમારા પર નજર રાખે છે પરંતુ તમારી દરેક ક્રિયાઓ નું પૂર્વાનુમાન પણ કરે છે. સોશિયલ મીડિયા સર્વેલન્સ આવી જ એક પ્રણાલી નું સ્વરૂપ લઈ શકે.
જેવી રીતે સોશિયલ મીડિયા પર લોકો પોતાના વિચારો અને સંવેદનાઓ અભિવ્યક્ત કરી શકે છે, તેમ તેની પહોંચ કોઈ પણ દેશ ના ખૂણે ખૂણા સુધી હોય છે. પહેલાના જમાનમાં જે સમાચાર ફેલાવવા ખૂબ મહેનત અને સમય લાગી જતાં તેજ સમાચાર આજે સોશિયલ મીડિયા થી સેકંડ ના ક્રમ માં પૂરા વિશ્વ માં ફેલાઈ જાય છે. સોશિયલ મીડિયા ના આ ફાયદા નો ઘણી જગ્યાએ ગેરવપરાશ પણ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા થી રાષ્ટ્રીય ચૂંટણી સમયે અફવાઓ ફેલાવવા ની સાથે ચૂંટણી ના વોટ સાથે ચેડા કરવાના પણ બનાવો સામે આવ્યા છે. ફેબ્રુઆરી, ૨૦૧૯ માં ઓસ્ટ્રેલિયા માં ચૂંટણી ના ૩ મહિના પહેલા તેમની પાર્લામેન્ટ તથા મુખ્ય રાજકારણીય સંગઠનો ના નેટવર્ક પર સાઇબર હુમલા ના અહેવાલો મળ્યા હતા. યુક્રાઈન ના કેન્દ્રિય ચૂંટણી કમિશન પર પણ સાઇબર હુમલા ના અહેવાલો બહાર આવ્યા હતા. કોઈ પણ દેશ પોતાના ફાયદા માટે પોતાના દુશ્મન દેશ ના રાજકીય સમીકરણો પર સોશિયલ મીડિયા પર નજર રાખી તથા અફવાઓ ફેલાવી ને અસર કરી શકે છે. કોઈ પણ આસામાજિક તત્વો દ્વારા સોશિયલ મીડિયા ની મદદ થી રાષ્ટ્ર પ્રત્યે ઉગ્રતા ફેલાવવા માં આવે છે. વિવિધ દેશો પોતાના ગુપ્ત સંસ્થાઓ સાથે એક સોશિયલ મીડિયા એનાલિસિસ અને સર્વેલેન્સ ના વિભાગો કાર્યરત કરે છે. આ વિભાગો તેમના દુશ્મન દેશ ના નાગરિકો ને ખોટી દિશામાં દોરવે છે. દેશ ના નાગરિકો ની વ્યક્તિગત માહિતીઓ ચોરી ને તેનો દુરુપયોગ પણ કરે છે. જેમ ડીજીટલાઇઝેશન વધતું ગયું છે તેમ વિવિધ આતંકવાદી સંગઠનો તથા રાષ્ટ્ર વિરોધી તત્વો લોકો સુધી ખૂબ જ સહેલાઈ થી પહોચી ને તેમના ઉગ્ર તથા હિંસક વિચારો સોશિયલ મીડિયા મારફતે વહેતા કરી શકે છે. આજે કોઈ પણ એક પોસ્ટ કે ફોટો ને વાઇરલ થતાં સમય નથી લાગતો. આ જ રાષ્ટ્ર વિરોધી તત્વો કલાકો માં કોઈ પણ વહેમાવતા વિચારો આખા દેશ માં વહેતા કરી દે છે. મહામારી કે કુદરતી આફતો ના સમયે લોકો માં સોશિયલ મીડિયા પર આવતા મેસેજ થી ભય ફેલાતા વાર નથી લાગતી. જો સરકાર દ્વારા થતાં સોશિયલ મીડિયા સર્વેલન્સ થી સોશિયલ મીડિયા પર ફેલાતા આ દૂષણો ને અંકુશ માં રાખવા માં આવે તો તે રાષ્ટ્ર ના ફાયદારૂપ થઈ શકે છે. પરંતુ આ દૂષણો દૂર થવા ની સાથે જો લોકશાહી દેશ માં વ્યક્તિ ની અભિવ્યક્તિ ની સ્વતંત્રતા છીનવાઇ જાય તો દેશ ને સામ્યવાદી બનતા સમય નથી લાગતો. સોશિયલ મીડિયા સેર્વેલન્સ ના ઉપયોગ અને દુરુપયોગ વચ્ચે અત્યંત પાતળી ભેદરેખા છે. બીઇસીઆઇએલ દ્વારા કોઈ ખાનગી કંપની ને આ માટે સોફ્ટવેર બનાવવા કહેવું એ જોખમી છે. સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખતો સોફ્ટવેર બનતા જ સત્તા પર આવતા રાજકીય સંગઠનો તેનો પોતાના વ્યક્તિગત ઉપયોગ માં લાવી શકે છે. લોકશાહી ના એક પાયારૂપ એવી વિચાર ની અભિવ્યક્તિ પર પ્રતિબંધ આવી શકે છે. આ સાથે લોકો ની વ્યક્તિગત માહિતીઓ પર તો જોખમ ખરું જ.
જો એક એવા સતયુગ ની કલ્પના કરીએ તો સોશિયલ મીડિયા સર્વલેન્સ થી ઘણા ફાયદાકારક કાર્યો કરી શકાય છે. એક વ્યક્તિ દ્વારા મૂકવામાં આવતી પોસ્ટ તેના માનસ પર ચાલતા વિચારોનો અંદાજ પણ આપી શકે છે. કોઈ અતિ હતાશ વ્યક્તિ, કોઈ ખૂબ જ ઉગ્ર વ્યક્તિ, કોઈ અસમાજિક વ્યક્તિ તથા કોઈ બાળકો ને વહેમાવતા પ્લેટફોર્મ સોશિયલ મીડિયા સર્વલેન્સ થી શોધી અને પારખી શકાય છે. આ તત્વો પર ખરા સમયે પગલાં લઈ ને મોટું નુકશાન ટાળી શકાય છે. સોશિયલ મીડિયા સર્વલેન્સ ને જો એકદમ ચીવટ થી લોકશાહી ના પાયારૂપ વિચારો ની અભિવ્યક્તિ ના હનન વગર ઉપયોગ માં લેવામાં આવે તો તે એક આશીર્વાદ રૂપ સાબિત થાય શકે છે. પરંતુ જેમ આગળ જણાવ્યુ તેમ આ એક સતયુગ ની કલ્પના છે. પરંતુ અદ્રશ્ય આંખો ની અનંત દ્રષ્ટિ હમેશા આપણાં પર છે.
Email: [email protected]
વાંચકો પોતાના ટેક્નોલોજી, ગેજેટ્સ તથા સોફ્ટવેર વિશે ના સવાલો ઈમેલ દ્વારા મોકલી શકે છે. દર મંગળવારે તથા શુક્રવારે શ્રેષ્ઠ સવાલો ના જવાબ નામ સાથે સ્ટેટસ : ઓનલાઇન કોલમ માં પ્રકાશિત થશે. વાંચકો ને નમ્ર વિનંતી કે સવાલો પોતાની સ્પષ્ટ માહિતી સાથે [email protected] પર ઈમેલ કરે. વાંચકો પોતાના સવાલો અબતક મીડિયા ના ઓનલાઇન પેજ પર પણ સ્ટેટસ : ઓનલાઇન કોલમ ના આર્ટિક્લ નીચે કમેંટ કરી શકે છે.