માણાવદરની જે.એમ.પાનેરા કોલેજનાં રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો
જે.એમ.પાનેરા આર્ટસ, કોમર્સ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ કોલેજ-માણાવદરમાં તા.૮ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ એન.એસ.એસ.યુનિટ-૧/૨ વિભાગ દ્વારા સુલતાનાબાદ મુકામે રાષ્ટ્રીય સેવા યોજનાનો ભવ્યાતિભવ્ય ઉદઘાટન સમારોહ યોજાયો. આ સમારોહના અધ્યક્ષસ્થાને લોકલાડીલા પ્રમુખ જેઠાભાઈ પાનેરા ઉપસ્થિત રહ્યા હતાં તથા જીલ્લા પોલીસ અધિક્ષક સૌરભસિંઘ કાર્યક્રમના ઉદઘાટક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેઓનું એનસીસી કેડેટ દ્વારા પરેડ અને સલામી આપીને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં બી. કે. એન. એમ. યુનિ. જુનાગઢના સરકાર નિયુકત એકિઝકયુટિવ કાઉન્સિલના ચાર સદસ્યો અનુક્રમે ચંદ્રેશભાઈ હેરમા, ભાવનાબેન અજમેરા, ડો. જે. એસ. વાળા તથા પ્રિ. જયભાઈ ત્રિવેદી અને વંથલી સરકારી કોલેજના પ્રિન્સીપાલ રાજેશભાઈ ડોડીયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સૌરભસિંઘે પોતાના ઉદબોધનમાં પોતાના સન્માન માટે આભારની લાગણી વ્યકત કરી હતી. વધુમાં તેઓએ જણાવ્યું કે, યુવા પેઢીએ સોશીયલ મિડિયાનો વિવેકબુદ્ધિથી ઉપયોગ કરવો જોઈએ તથા બંધારણના મૂલ્યો પ્રમાણે જીવન જીવવું જોઈએ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ એન.એસ.એસ.કોર્ડિનેટર પનારાએ પોતાના ઉદબોધનમાં સન્માન વિશે જણાવતા કહ્યું હતું કે, વ્યકિતનું નહીં પરંતુ તેની કાર્યનિષ્ઠાનું સન્માન થાય છે. એન.એસ.એસ.ની પ્રવૃતિ દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીયતા અને દેશદાઝની ભાવના વિકસે છે અને તેમનો સર્વાંગી વિકાસ થાય છે. આ કાર્યક્રમનું સફળ સંચાલન ડો.કલસરીયા તથા ડો.રૂપારેલીયાએ કર્યું હતું તથા કાર્યક્રમનું સમાપન પ્રોગ્રામ ઓફિસર ડો. આર. એસ. જીંજાળાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.