સોશિયલ મીડિયામાંથી તો કઇ પણ હટાવી શકાય અને ઉમેરી પણ શકાય, માટે વોટ્સએપના મેસેજને પુરાવાનો દરરજો આપી શકાય નહીં : સુપ્રીમ
અબતક, નવી દિલ્હી : સોશિયલ મીડિયાના મેસેજની કિંમત કેટલી ? આ પ્રશ્નનો જવાબ છે કઈ જ નહીં! હા, સુપ્રીમ કોર્ટે પણ કહી દીધું છે કે સોશિયલ મીડિયામાંથી તો કઇ પણ હટાવી શકાય અને કઈ પણ ઉમેરી શકાય માટે વોટ્સએપના મેસેજને પુરાવાનો દરરજો આપી શકાય નહીં.
ચીફ જસ્ટિસ એન.વી. રમના અને જસ્ટિસ એ.એસ.બોપન્ના તેમજ ઋષિકેશ રોયની પીઠે કહ્યું કે આજકાલ વોટ્સએપ મેસજનું વિશ્વાસનીય મૂલ્ય કેટલું ? સોશિયલ મીડિયા ઉપર વર્તમાન સમયમાં કઈ પણ હટાવી અને બનાવી શકાય છે. માટે તેઓ વોટ્સએપ મેસેજને કોઈ મહત્વ આપતા નથી.
દિલ્હીમાં એટુ ઝેડ ઇન્ફ્રાસર્વિસ અને નગર નિગમ વચ્ચે સર્જાયેલા વિવાદમાં સુપ્રીમે આ નિર્દેશ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ઘણા ખરા વિવાદોમાં વોટ્સએપ ચેટ પુરાવા રૂપે મુકવામાં આવે છે. ત્યારે સુપ્રીમે આપેલું આ નિવેદન હવેના તમામ કેસોમાં ચાવીરૂપ સાબિત થવાનું છે. જેમાં વોટ્સએપના મેસેજને પુરાવા તરીકે માન્ય રાખવાની ચોખ્ખી ના કહેવામાં આવી છે.
વધુમાં વર્તમાન સમયમાં અનેક વેપાર ધંધામાં પણ વોટ્સએપના ચેટ ઉપર જ ડિલ કરવામાં આવે છે. આવા લોકોએ હવે ચેતી જવાની જરૂર છે. કારણકે જો વેપાર ધંધાની ડિલમાં કોઈ વિવાદ સર્જાયો તો વોટ્સએપના મેસેજ પુરાવા તરીકે માન્ય રહી શકશે નહીં.