સોટી લાગે ચમચમ અને વિદ્યા આવે જમજમ, કોઇ વાતે ન માનતા તોફાની વિદ્યાર્થીને કાબૂમાં લેવા માટે શિક્ષકને સોટી મારવી પડે, ગુરૂ વિના જ્ઞાન નથી આવતું તેમ વિદ્યાર્થીને કાબૂમાં લેવા કડકાઇ બતાવો એટલે વિદ્યાર્થીઓને પાઠ યાદ રહી જાય અત્યારે સોશિયલ મિડિયાનો વાયરલ, વાયરસ બનીને ચિંતાનો વિષય બની ગયા છે એટલે અમેરિકા જેવી મહાસત્તા માટે વાયરલ, વાયરસ માથાનો દુ:ખાવો બની શકે છે ત્યારે વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારત માટે સોશિયલ મિડિયા પર નિયંત્રણની લગામ વધુ જરૂરી બને છે.
અત્યારે સોશિયલ મિડિયા પર નિયંત્રણની ઉભી થયેલી આવશ્યકતામાં સોશિયલ મિડિયા કંપનીઓને નિયમોની અમલવારી માટે સંસદીય ભાષામાં લાંબા સમયથી સમજાવટ કરવામાં આવતી હતી ત્યાં સુધી વિદેશીમૂળની તમામ સોશિયલ મિડિયા કંપનીઓ ભારતની ભૂમિ પર કાયદેસર રીતે કામ કરવા સામે ભારતીયો નાગરિકોને સંવિધાનની ગુહાઇ આપીને નિયમો પાડવા માટે પરોક્ષરીતે આનાકાની કરતી હતી તેની સામે સરકારે પણ સમયની કેટલીક મર્યાદા અને સમયનો તકાજો રાખીને કંપનીઓ પર નિયમોની અમલવારીની શરૂઆત નૈતિકતાના ધોરણે કરવાની છૂટ આપી હતી. પરંતુ સહેલાઇથી કોઇ શરણાગતિ સ્વિકારે છે?
વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર જેવી સોશિયલ મિડિયા કંપનીઓ ભારતમાં નિયમોની અમલવારી માટે ભારતમાં સંવિધાને આપેલી નાગરિકોની સ્વાયતતા અને માનવ અધિકાર અને સંવિધાનની જોગવાઇની દુહાઇ આપીને જરૂરી નિયંત્રણ અને નિયમો પાળવા માટે પરોક્ષ રીતે આનાકાની કરતી હતી. સરકારે શરૂઆતમાં નરમ વલણ અપનાવી ત્યાં સુધી કંપનીઓને નિયમબધ્ધ થવા ફૂરસત ન મળી પરંતુ અંતે કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ વિભાગે લાલ આંખ કરતાની સાથે સોટી લાગે ચમચમ અને વિદ્યા આવે જમજમની જેમ તમામ કંપનીઓ નિયમોની અમલવારી માટે સહમત થઇ ગઇ છે. ભારતમાં કામ કરવું હોય તો સરકારી નિયમોનું પાલન કરવું જ જોઇએ. નિયમ માટેની આનાકાની કરતી કંપનીઓની આવક બંધ થઇ જાય તેવા આકરા પગલાંની તૈયારી શરૂ થતાં સાથે જ કંપનીઓની અક્કલની દાઢ ફૂટી નીકળી હોય તેમ નિયમની અમલવારી માટે કંપનીઓ રાજી થઇ ગઇ છે.
સોશિયલ મિડિયાના વાયરલ, વાયરસ બે કાબૂ થાય અને વપરાશ કારોથી લઇને રાષ્ટ્રની સુરક્ષા સામે પ્રશ્ન ઉભો થાય તેવી સ્થિતિ સર્જાઇ તે પહેલા જ સમય સૂચકતાથી વાયરલ વાયરસને કાબૂમાં રાખવામાં આવે તે આવશ્યક બન્યું છે. સોશિયલ મિડિયાનો ઉપયોગ વધી રહ્યો છે માહિતી અને સામાજીક સંબંધોને ઝડપી અને વ્યાપક બનાવવા માટે આ સવલતોનું ઉપયોગ થાય તે માટે જરૂરી છે. સોશિયલ મિડિયા પર સરકારનો નિયંત્રણ આવશ્યક છે તેને નાગરિકોની સાથે સાથે જાયન્ટ કંપનીઓ પણ સમજી જ લેવું જોઇએ. રાષ્ટ્રની સુરક્ષા, સંવિધાનનું સન્માન સૌથી સર્વપરી છે અને રહેશે.