વોટસએપ, ફેસબુક, ટવીટ્ટર, ઇન્સ્ટાગ્રામ દ્વારા લોકો સુધી પહોંચતા રાજકીય પક્ષોની સભામાં હવે ‘ભીડ’ ઘટવા લાગી છે
વિધાનસભાની સામાન્ય ચુંટણીમાં આ વખતે પ્રચાર કાર્યમાં સોશ્યલ મિડિયાનો ઉપયોગ વધી ગયો છે. આ વખતે તો દરેક પક્ષની હાલત ‘રાત થોડી ને વેષ જાજા’ જેવી છે ત્યારે સોશ્યલ મીડિયામાં પ્રચાર વધી ગયો છે. સોશ્યલ મીડિયા પરથી થતો પ્રચાર કયાંક નકારાત્મક તો કયારેક હકારાત્મક પરિણામ લાવે છે.
યાદ કરો એ સમય જયારે સોશ્યલ મીડિયા ઇન્ટરનેટનું અસ્તિત્વ નહોતું ત્યારે નેતાઓનો લોકસંપર્ક જ મહત્વનું માઘ્યમ હતું.એટલું જ નહીં પ્રિન્ટ મીડિયાના માઘ્યમથી પોતાના આયોજન, ચુંટણી ઢંઢેરો, પોતાના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસ તેમજ ‘વિઝન’ વિષે લોકો સમક્ષ મુકવામાં આવતા હતા. લોકો એના પર વિશ્ર્વાસ પણ મુકતા હતા.
આજે વિવિધ ટીવી ચેનલો ઉપરાંત વોટસએપ, ઇન્સ્ટાગ્રામ, ટવીટ્ટર, ફેસબુક જેવા સોશ્યલ મીડિયા દ્વારા જ ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ લોકો સુધી નેતાઓ પહોંચી શકે છે.સોશ્યલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. આમ, તો ચુંટણી પૂર્વે જ ભાજપાએ ઝુમ મીટીંગ શરૂ કરી દીધી હતી, જેમાં ખુદ વડાપ્રધાને નાના કાર્યકરો સાથે વાત પણ કરી હતી.
ચુંટણી પ્રચાર શરુ થયા પછી ભાજપા વોટસએપ, ફેસબુક, ટવીટ્ટર અને ઇન્સ્ટાગ્રામ પર સતત જીવંત રહી એક મતદારોના મોટા વર્ગ સુધી પહોચવાની કોશિષ કરી છે.
રેડિયો જેવા માઘ્યમને પણ ‘મન કી બાત’ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અન્ય માઘ્યોને પણ રેડિયો સાંભળતા કરી દીધાં છે.
‘મન કી બાત’ પર થતી વાતચીતમાંથી પ્રિન્ટ અને ઇલેકટ્રીક મીડિયા સમાચાર મેળવતા થઇ ગયા છે.ભાજપામાં તો સોશ્યલ મીડિયાનો એક આખો અલગ જ વિભાગ છે, ગાંધીનગર ખાતે ‘કમલમ’ માં વિશાળ લાયબ્રેરી પણ છે. અહીંથી ‘રે.રન્સ’ સાથે સોશ્યલ મીડિયા પર સમાચાર, રીવ્યુઝ, વ્યુઝ વહેતા થાય છે.
ભાજપા સાથે હવે કોંગ્રેસ પણ સોશ્યલ મીડિયાનું મહત્વ સમજવા લાગી છે, તાજેતરમાં રાજકોટ ખાતે યોજાયેલી રાહુલ ગાંધીની સભાનું જીવંત પ્રસારણ થાય તે માટે અગાઉથી જ વ્યવસ્થા અને આયોજન કરી દેવાયા હતા.
પ્રિન્ટ મીડિયાનું મહત્વ હજુ યથાવત છે છતાં જયારે પ્રચાર કાર્યમાં હવે દરેક પક્ષ જે વ્યવસ્થા કે આયોજન કરે તેમાં સોશ્યલ મીડિયાની પણ નોંધ ચોકકસ લે છે. જેમ સિકકાની બે બાજુ હોય તેમ સોશ્યલ મીડિયા દ્વારા થતાં પ્રચારમાં પણ નેગેટીવ અને પોઝીટીવ વલણની પ્રતીતિ થયા વગર રહેતી નથી.
ખાસ કરીને ચુંટણી હોય ત્યારે જે તે પક્ષના ઉમેદવારના વ્યકિતગત જીવન કે નૈતિક બાબતને અવળી રીતે, ટવીસ્ટ કરીને અને વિડીયો કે ઓડિયોમાં કાપકૂપ કરી પ્રચાર કરીને મતદારોને ગુમરાહ કરવામાં આવે છે.
બીજી એ પણ નોંધ લઇ શકાય કે સોશ્યલ જ નહી પરંતુ તમામ મીડિયાએ જો મોરબી પુલ દુર્ધટનાના સમાચાર દ્વારા ચમરબંધીઓ કે જવાબદાર તંત્રવાહકોના ‘કાન આમળયા’ ન હોત તો આ મામલો આટલો ઝડપથી હાઇકોર્ટ સુધી પહોચ્યો પણ ન હોત !
આ ઘટના બેદરકારીની છે કે આકસ્મિક એ તો સમય જ નકકી કરશે પરંતુ હાલ આ ઘટનાનો રાજકીય ‘લાભ’ લેવા ઘટના સમયે પ્રચાર કરવાની વાયરલ થયેલા વિડીયોના સહારે પ્રચાર કરવાની નેતાઓએ તક મૂકી નથી.ટૂંકમાં ચુંટણી પ્રચારમાં પ્રિન્ટ મીડિયાની સાથે ઇલેકટ્રોનિક મીડિયાની પણ ગણતરી કરવામાં આવે છે. જેનાથી રાજકીય પક્ષોની મહેનત ઘટી છે, સમય અને શકિત બચી છે એટલે જ આજે વારંવાર એવા સમાચાર સામે આવે છે કે ફલાણી સભામાં ભીડ એકઠી કરવા ભાડુતી માણસોને બોલાવાયા હતા, કે સરકારી શાળાઓ, જે તે પક્ષ પ્રેરિત- સંચાલીત સંસ્થાઓના કાર્યકરો હોદેદારોને હાજર રહેવા ફરજ પડાઇ હતી.