આર્થિક નુકસાની અને જાહેરાત ઘટતા મેટા દ્વારા લેવાયો નિર્ણય !!!
છેલ્લા દસ વર્ષમાં ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીમાં ઝડપી વિકાસ જોવા મળ્યો હતો અને હવે આ ક્ષેત્રે છટણીથી ચિંતા વધી ગઇ છે. ટ્વિટર પછી સોશિયલ મીડિયા સાઇટ ફેસબુકની પેરેન્ટ કંપની મેટામાં પણ મોટા પાયે છટણી થયાના સમાચાર વહેતા થયા છે. એક રિપોર્ટ અનુસાર માર્ક ઝુકરબર્ગની કંપની મેટામાં ચાલુ સપ્તાહમાં મોટી છટણી કરવામાં આવી શકે છે. રિપોર્ટ અનુસાર મેટામાં આગામી બુધવારે એટલે કે 9 નવેમ્બરે મોટા પાયે છટણી થવાની વાત કરવામાં આવી હતી. હવે ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ 11,000થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.
મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે આજે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે, હું મેટાના ઈતિહાસના કેટલાક સૌથી મુશ્કેલ ફેરફારો કરી રહ્યો છું. મેં મારી ટીમનું કદ લગભગ 13 ટકા ઘટાડવાનું અને લગભગ 11 હજારથી વધુ પ્રતિભાશાળી કર્મચારીઓને કંપનીમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. ઝુકરબર્ગે કહ્યું, “અમે ખર્ચમાં ઘટાડો કરીને અને ક્વાર્ટર 1 દ્વારા અમારા હાયરિંગ ફ્રીઝને લંબાવીને વધુ કાર્યક્ષમ કંપની બનવા માટે ઘણા વધારાના પગલાં લઈ રહ્યા છીએ.” મોટા બજેટમાં કાપ મૂકવાની તૈયારીઓ ચાલી રહી છે.
નોંધપાત્ર વાત એ છે કે, ડિજિટલ એડવર્ટાઇઝિંગની આવકમાં તીવ્ર ઘટાડો થવાના કારણે કંપનીએ આ પગલું ભરવું પડ્યું છે. મેટાના જે કર્મચારીઓને કંપનીમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવશે તેમને 4 મહિનાનો પગાર આપવામાં આવશે. કંપનીના માનવ સંસાધન વડા લૌરી ગોલરના જણાવ્યા અનુસાર, નોકરીમાંથી કાઢી મૂકેલા કર્મચારીઓને વળતર તરીકે 4 મહિનાનો પગાર આપવામાં આવશે. કંપનીના 18 વર્ષના ઈતિહાસમાં આ સૌથી મોટી છટણી છે. અન્ય સોશિયલ મીડિયા કંપનીઓની સરખામણીમાં મેટા એ ન્ડેમિક અને લોકડાઉનના સમયમાં ખૂબ સારો નફો રડ્યો હતો અને આર્થિક સદર પણ બન્યું હતું કારણ કે લોકો ઘર બેઠા મોબાઈલના ઉપયોગથી કામ કરતા હતા પરંતુ લોકડાઉન પૂર્ણ થયા બાદ હવે લોકો ઓફિસે જતા હોવાથી જે કદ મેટા નું વધ્યું હતું તેમાં ઘણો ઘટાડો પણ નોંધાયો છે.