સોશિયલ મીડિયા બન્યું ‘એન્ટિ સોશિયલ મીડિયા’: યુવાવર્ગમાં
વધતા જતા ગુનાઓ સમાજનું અધ:પતન નોંતરશે
મા બાપનું હરવા ફરવા ઉપર નિયંત્રણના અભાવ સાથે ભણવાના કે ટ્યુશન ક્લાસના બહાને મુક્ત રખડપટ્ટી ઘણી સમસ્યાના મૂળ છે: સંતાનો પરત્વેના લાલન પાલન સાથે સંસ્કારીતા પણ સવાલો પેદા થયા છે: મોબાઇલ ઇન્ટરનેટનો વધુ પડતો બિનજરૂરી વપરાશ ઘણી સમસ્યાને આમંત્રણ આપે છે
યે આગ કબ બૂઝેગી…..
આજે દરરોજ કંઇકને કંઇક ઘટના દુષ્કર્મ કે સોશિયલ મીડિયાને લગતી પ્રકાશમાં આવે છે. ઘણા યુવાનો અને પરિવારો મુશ્કેલીમાં મૂકાય ગયા છે. કિશોરો, તરૂણો કે યુવાવર્ગની અણસમજ કે ગંભીર ભૂલથી માઠા પરિણામો સૌએ ભોગવવા પડે છે. ટીવી, મોબાઇલ કે ઇન્ટરનેટ સાથે વિવિધ પોર્ન સાઇટથી માનસિક વિકૃતિની ઘટના પણ સમાજમાં બનતી જોવા મળે છે. આજના યુવાનને પ્રેમની પરિભાષા જ ખબર નથી ને તે આકર્ષણને પ્રેમ સમજી બેસે છે. સોશિયલ મીડિયા આજે એન્ટિ સોશ્યલ બની ગયું છે. મા-બાપના લાલન પાલન સાથે સંસ્કારીતાના પ્રશ્ર્નો આવી ઘટનાએ ઉભા કર્યા છે.
યુવાવર્ગમાં વધતા જતા ગુનાઓ સમાજનું અધ:પતન લાવે તે પહેલા આ આગ ઠારવાની જવાબદારી સૌની છે. પરિવારના સંતાનો ઉપર આજે મા-બાપનો અંકુશ ન હોવાથી તે નિરંકુશ થઇ ગયા છે. આજની પવર્તમાન લાઇફ સ્ટાઇલના યુગમાં હરવા ફરવાના નિયંત્રણો ઉપર પરિવારનો અંકુશ નથી રહ્યો. શાળા-કોલેજ કે ટ્યુશન ક્લાસને કારણે એકબીજા સાથે વાતચિતને કારણે આકર્ષણ કે લાગણીના સંબંધો આગળ બધી જ હદ વટાવી દેતા હોય છે. મોબાઇલ કે ઇન્ટરનેટનો વધુ વપરાશ સાથે મોબાઇલ ઉપર લાંબી વાતો પણ ઘણી સમસ્યા સર્જતી જોવા મળે છે.
છોકરો કે છોકરી હોય બન્નેનો ક્યાંકને ક્યાંક વાંક કે ભૂલ હોય છે. એક હાથે તાળી ક્યારેય ન પડી શકે તેવી રીતે જો યુવામાં લાઇફ સ્ટાઇલ સ્કિલ ડેવલપ થઇ હોય તો તે તેના માઠા પરિણામો વિચારી શકે અથવા જાગૃત થઇ શકે છે. આજના યુવાનોને સાચુ માર્ગદર્શન આપવા વાળા જ કોઇ ન હોવાથી તેની ઘણી બધી મુંઝવણોમાં તેની જેવડા ‘સમોવડિયા’ જ હલ શોધી દેતા હોવાથી ઘણીવાર ગંભીર પરિણામો ભોગવવા પડે છે.
સમાજમાં વધતા જતા ગુનાઓના પ્રમાણનું કારણ બદલાતી જતી સામાજીક પરિસ્થિતિ મુખ્ય છે. આજના તરૂણ કે યુવાવર્ગ સાથે વાલી અને પરિવારના મોભીઓનું ઘટતુ જંતુ સંકલન જવાબદાર છે. નવી પેઢીને મુશ્કેલીમાંથી માર્ગ કેમ કાઢવો તેનું માર્ગદર્શન મળતું નથી. વ્યસ્ત પરિવારમાં બાળકોની દરકાર કરવા આજના મા-બાપો કે વડીલો પાસે જ સમય નથી હોતો.
પોતાના પર આવી પડેલી મુશ્કેલીમાં પરિવારનો સાથ મળશે જ તેવી હૈયા ધારણા નવી પેઢીને નથી તેથી ભાગી જવાના બનાવો વધવા લાગ્યા છે. ઘણીવાર તો નાની મુશ્કેલીમાં પણ ગંભીર પગલા લેતા આજનો યુવાન ખચકાતો નથી. ગુનેગારની માનસિકતા, મારકૂટ કે હિંસાને મર્દાનગી ગણવાની ઘેલછાને કારણે અવિચારી પગલા કે અધમકૃત્ય કરવા પ્રેરાય છે. સામાન્ય લાગણીને પ્રેમ સમજી બેસવાની ભૂલ અને તેમાં નાસીપાસ થવાથી તરૂણો કે યુવાનો ગુનાહીત કૃત્ય કે બદનામ કરવા સુધીના પગલા કે આપઘાત પણ કરે છે.
દુષ્કર્મ, યોન શોષણ, બળાત્કાર, છેડતી, જાતિય સતામણી માટે ઘણા પરિબળો જવાબદાર છે. જેમાં મોડા લગ્ન, જાતીય આવેશ કુદરતી રીતે તરૂણાવસ્થાથી જ શરૂ થતાં હોય છે. આજના યુગના પહેરવેશ, ટૂંકા શરીરને ચુસ્ત ટી-શર્ટ, શર્ટ કે સ્લિવ લેસ ડ્રેસ સાથે કમર કે સાથળ સુધીના ભાગ ખૂલ્લા દેખાય કે ગળેથી લોકટના વસ્ત્રોમાં દેખાતી અડધી છાતી ઉપવસ્ત્રો સાથે ભરાવદાર દેખાવ પણ મુશ્કેલીને આમંત્રણ આપે છે. મા-બાપનું હરવા ફરવા પરનું નિયંત્રણનો અભાવ ગેર લેસ વાહનોને કારણે ભણવા કે ટ્યુશનના બહાને મુક્ત રખળપટ્ટી સ્વછંદ આહાર-વિહાર, પૈસાનો છૂટથી બિન ઉપયોગી વપરાશ પણ ઘણીવાર આવા બનાવો પાછળનું કારણ હોય છે. ફિલ્મ ટીવી સીરીયલની દેખાદેખીની વિપરીત અસરો સાથે મોબાઇલ કે સોશિયલ મીડિયાનો દૂરપયોગ કે વધુ પડતો વપરાશ પણ આવી ઘટના પાછળ મૂડમાં જોવા મળે છે. જાતીયતા સંદર્ભે પોર્ન સાઇટને કારણે તેવું કરવા તમે તે હદ સુધી આજનો યુવાન કૃત્ય કરવા પ્રેરાય છે ને તેનામાં હિંમત આવી જાય છે. આજે કાયદાનો ડર કોઇને રહેતો નથી જેને કારણે છડે ચોક ગમે તે કૃત્ય કરવા હિંમત આવી જાય છે.
આજનો યુવા સમસ્યા અને શક્યતા બન્ને છે: તરૂણો-કિશોરોની મુગ્ધાવસ્થાની સમસ્યામાં માર્ગદર્શન તેમને મળતું ન હોવાથી પોતાની મેળે તેનો હલ શોધીને ઘણીવાર મોટી યાતના વ્હોરી લે છે
આપઘાત, કંકાશ, મારામારી, ઘરેલું હિંસાના કારણોમાં મુખ્યત્વે સહનશિલતાનો અભાવ જોવા મળે છે. તાણગ્રસ્ત જીવન અને સામાન્ય કુશળતાનો અભાવ, આર્થિક સંકળામણ, નાની મોટી ફરિયાદ કે અન્યાયની લાગણી સાથે મને કોઇ સમજતું નથીની ભાવના ઘણા માઠા પરિણામો લાવે છે. પુત્ર પણ પિતા કે માતાનું ખૂન કરતાં અચકાતો નથી તેવા બનાવો પણ બની રહ્યા છે. અદેખાઇ અને બીજા સાથે સરખામણી સાથે જતુ કરવાની ભાવના ખૂબ જ જરૂરી છે. સામેના માણસને સમજવાની વૃતિ સાથે ધીરજનો અભાવ જ આવા કિસ્સાઓને જન્મ આપે છે. ઘણીવાર કાલ્પનિક ભય, બિન જરૂરી ચિંતા સાથે પોતાની મુશ્કેલીઓ, ચિંતા બીજા કોઇપાસે રજૂઆત ન કરી શકવાની ક્ષમતાનો અભાવ પણ મુશ્કેલી ઉભી કરે છે. આજનો યુવાવર્ગ ડ્રગ્સના રવાડે પણ ચડી ગયો છે જે એક ખતરનાક સમસ્યા બની જશે.સો વાતની એક વાત સમાજ અને સમાજનું વાતાવરણ બગડી રહ્યું છે એ નક્કી છે, હવે સૌએ સમાજ કો બદલ ડાલોની સંકલ્પના સાચા અર્થમાં સિધ્ધ કરવાની છે જેમાં બગડેલો યુવાધન જ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. બધા જ ઘરોમાં મા-બહેન છે તો પણ આમ કેમ? આ પ્રશ્ર્ન જ ચિંતા ઉપજાવે છે.
આજના યુવાનોનું સેક્સટિંગ જ મુશ્કેલી સર્જે છે
આપણાં સમાજમાં સેક્સ વિશે ચર્ચા કરવાનું સૌ ટાળતા હોય છે પણ તરૂણો, કિશોરો કે યુવા તેના રહસ્યો ચીરવા દિવસ-રાત વિચારતો હોય છે. શાળામાં ટ્યુશન ક્લાસમાં સાથે ભણતા છોકરા-છોકરી વિજાતીય આકર્ષણને પ્રેમ સમજીને ઘણીવાર ન કરવાનું કૃત્ય કરી બેસતા પરિવાર માટે સમસ્યા ઉભી કરે છે. જો કોઇ વ્યક્તિ સોશિયલ મીડિયા દ્વારા એકબીજાને ઉત્તેજક ફોટા, વિડિયો અથવા મેસેજ કરે કે વિડીયો કોલ કરે તેને સેક્સટિંગ કહેવાય છે. આવનારા દિવસોમાં આ એક ભયંકર સમસ્યા બનશે કારણ કે ભવિષ્યમાં એકબીજાના સંબંધો બગડે ત્યારે તેના ફોટા-વિડીયો વાયરલ કરીને બદનામ કરવાનું અધમકૃત્ય કરે છે. આવી ઘટના છેલ્લા થોડા મહિનામાં ઘણી બનતા સૌએ હવે આ બાબતે અને ખાસ મા-બાપે જાગવાની જરૂર છે.
સોશિયલ મીડિયાનો વાયરલ બન્યો ‘વાયરસ’
ડિઝીટલ યુગમાં મોબાઇલ, કમ્પ્યટર અને ટીવી સહિતના ઉપકરણો અતિ જરૂરી અને મહત્વના છે. પરંતુ તેના સદઉપયોગના બદલે દુર ઉપયોગના કારણે તરૂણ અવસ્થામાં ગુનાખોરી તરફ વળે છે, જે સમાજ માટે જોખમી બની ગયા છે. સોશ્યમ મિડીયાના અતિરેકના કારણે હત્યા અને આત્મહત્યાની ઘટનામાં ઉતરોતર વધારો થઇ રહ્યો છે. આધૂનિક ઉપકરણોની સાઇડ ઇફેકટ સમાજ માટે લાલબતી સમાન છે. પરિવારના મોભીએ પોતાના બાળકો મોબાઇલનો કંઇ રીતે ઉપયોગ કરી રહ્યા છે. તેના પર દેખરેખ રાખવી જરૂરી બની છે. સોશ્યલ મિડીયામાં થતા વાયરલ બનાવ પરિવાર માટે વાયરસ બનીને ત્રાટકે તે પહેલાં સમાજે સજાગ બનવું જરૂરી બન્યું છે.