ઈસ્ટઝોન ટીપી શાખા દ્વારા રૂ. ૩.૮૦ કરોડ કિંમતની ૬૫૦ ચો.મી. જગ્યા ખુલ્લી કરાવાઈ
મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીની સુચના અનુસાર આજે ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ શહેરના ઈસ્ટઝોન વિસ્તારમાં ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૨૨ ઝુંપડા સહિત કુલ ૨૫ બાંધકામો પર બુલડોઝર ફેરવી બજાર કિંમત મુજબ ૩.૮૦ કરોડની ૬૫૦ ચો.મી. જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી.આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે, વોર્ડ નં.૬માં રાજકોટ ટીપી સ્કીમ નં.૭માં સંતકબીર રોડ પર શોપીંગ સેન્ટરના હેતુના અંતિમ ખંડ નં.૪૪૬માં રહેણાંક હેતુનો સ્લેબનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. ટીપી સ્કીમ નં.૮માં પેડક રોડ પર અટલ બિહારી બાજપાઈ ઓડિટોરીયમ સામે પબ્લીક પર્પસ હેતુના અંતિમ ખંડ નં.૧૮૫માં ખડકાયેલા ૧૨ કાચા ઝુંપડાઓ દૂર કરવામાં આવ્યા હતા.વોર્ડ નં.૪માં ટીપી સ્કીમ નં.૧૨માં શિવધારા રેસીડેન્સી પાછળ ૧૫ મીટર ખીજડાવાળા રોડ પર રહેણાંક હેતુના અંતિમ ખંડ નં.૯૪માં ગેરકાયદે ખડકાયેલા ૧૦ કાચા ઝુંપડા દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ટીપીનો કાફલો રાજકોટ ટીપી સ્કીમ નં.૧૭માં ઓમ શાંતિ પાર્કમાં આવેલા કોમર્શીયલ હેતુના અંતિમ ખંડ નં.૪૨-એમાં ત્રાટકયો હતો. અહીં મંદિરના ઓટાનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. જયારે ટીપી સ્કીમ નં.૩૧માં અભિરામ પાર્કમાં આંતરીક રસ્તાઓમાં ગેરકાયદેસર દિવાલનું દબાણ દૂર કરાયું હતું. આજે સામાકાંઠા હાથ ધરવામાં આવેલા ડિમોલીશનમાં કુલ ૨૫ બાંધકામો દૂર કરી ૩.૮૦ કરોડની કિંમતની ૬૫૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.