લગ્નની તમામ વિધિ એક જ સ્થળે અને એક જ દિવસે આટોપી લેવામાં આવે છે: ઘડિયા લગ્નને પ્રોત્સાહન આપવા સમાજની વાડી નિ:શુલ્ક આપવાનો સંકલ્પ
ભારતીય પરંપરામાં લગ્ન સંસ્કાર એટલે બે વ્યકિત અને બે પરિવારોનું મિલન જેમાં વર વધુ સાથે મળી પોતાનો સંસાર વસાવી સામાજીક વ્યવસ્થાનો ભાગ બને છે. પરંતુ સાંપ્રત સમયમાં આધુનીકતા અને દેખાદેખીની રાહે આ લગ્ન પરંપરામાં ધામધુમ, દેખાડો, મર્યાદા બહાર ખર્ચ કરી બહારી તામઝામનો પર્યાય બની ગયો છે. આપણા લગ્નો સમારંભમાં માત્ર દેખાદેખીથી અંધાધુંધ સંપતિ, શકિત, સમય નો વ્યય થઇ રહ્યો છે. ત્યારે તાજતરમાં જ ઉમિયા કડવા પાટીદાર સેવા સમાજ ખાતે સામાજીક આગેવાનોએ રાજકોટ ખાતે ના પ્રથમ ઘડીયા લગ્નની શરુઆત કરી સામાજીક પરિવર્તનની પહેલ કરી હતી.
સાદગીપૂર્વક વિધીવત લગ્ન વિધી કરી ખોટી ધામધુમ ટાળી સઁપતિ, સમય બન્નેની બચત થઇ શકે છે. આપણા સમાજમાં દીકરા-દીકરીનું સગપણ નકકી થાય ત્યારથી જ એટલે કે જલ જલાવવા, ચાંદલા ચુંદડી (સગાઇ વિધી) કંકુ પગલા, લગ્ન લખવા, લગ્ન વધાવવા, મંડપ રોપણ:, ગોતીળો પાટે ઉઠામણ, મહેમાનગતિ કરવી, લગ્ન વિધી, દીકરીને તેડવા જવું, વાયણું, જમણવાર માટે તમામ પ્રસંગો યોજવામાં આવે છે. આ પ્રસંગો અલગ અલગ દિવસે યોજી દરેકનો અલગ ખર્ચ કરવામાં આવે છે. એના બદલે આ તમામ વિધી એક જ સમયે એક જ જગ્યાએ વર તથા ક્ધયા પક્ષ સાથે મળીને એક જ દિવસમાં સવારથી સાંજ સુધીમાં આટોપી લે તેને ઘડીયા લગ્ન કહેવામાં આવે છે.
મા ઉમિયાની કૃપા અને પટેલ સેવા સમાજના પ્રમુખ અરવિંદભાઇ કણસાગરા ની પ્રેરણાથી તાજેતરમાં જ હમીરપરના મુળવતની હાલ રાજકોટ રહેતા શાંતાબેન તથા ધીરજલાલ અવચરભાઇ ચીકાણીના પુત્ર પંકજભાઇ ના ઘડીયા લગ્ન સાવડીના મુળ વતની હાલ રાજકોટ નિવાસી સાધનાબેન તથા સ્વ. ગંગારામભાઇ દલસાણીયાની પુત્રી શીતલબેન સાથે અતુટ બંધનમાં બંધાયા હતા. તા.ર૭ ના રોજ યોજાયેલા આ ઘડીયા લગ્નમાં મોરબી ઉમિયા માનવ સેવા સમાજના પ્રમુખ પોપટભાઇ કગથરા, ઉપપ્રમુખ ગોપાલભાઇ ચારોલા, આર.પી. ભાલોડીયા કોલેજના કાલીદાસભાઇ જાગાણી સમાજના અગ્રણીઓ મુળજીભાઇ ભીમાણી, શિવલાલભાઇ આદ્રોજા, એ ઉ૫સ્થિત રહ વરવધુને આશીવાદ આપ્યા હતા. તેમજ વર-ક્ધયાના માતા પિતાને સમય પ્રમાણેના પરિવર્તનને અનુસરવા બદલ અભિનંદન આપ્યા હતા.
કડવા પાટીદાર સમાજ સામાજીક પરિવર્તનો અપનાવવામાં હમેંશા મોરખે રહ્યો છે. ત્યારે ઉમિયા માનવ સેવા સમાજ મોરબીના આગેવાનોના પ્રયત્નોથી મોરબી જીલ્લામાં છેલ્લા ૪ મહીનામાં ૧રપ ઘડીયા લગ્ન લેવાયા છે. ત્યારે રાજકોટમાં પણ આ પરિવર્તનનો પવન ફુંકાયો છે. આ તકે ઘડીયા લગ્નની પ્રથાને વેગ આપવા માટે ફીલ્ડ માર્શલ વાડી રાજકોટ પૂર્વના પ્રમુખ પ્રતાપભાઇ સીણોજીયા, મંત્રી મનસુખભાઇ લીખીયા, ટ્રસ્ટી રમેશભાઇ પાડલીયા,અમુતભાઇ ઘેટીયા, પ્રભુભાઇ પનારા, મેનેજર ધીરુભાઇ નીદ્રોડા તથા સભ્યો દ્વારા ઘડીયા લગ્નમાં જોડાનાર પરિવારને સમાજની વાડી કોઇ પણ જાતના ભાડા વગર નિ:શુલ્ક આપવાની નેમ વ્યકત કરાય હતી.