લતાવાસીઓનાં વિરોધથી ફંગોળાતી કચરો ઠાલવવાની જગ્યા
કલેકટરને અનેક વખત રજૂઆત કરવા છતાં નિરાકરણના નામે મીડું
માંગરોળ નગરપાલિકાને ઘન કચરાના નિકાલ માટે જમીન ફાળવણી થયા બાદ પણ સ્થાનિક વિવાદને લઈ કચરો નાખવા ન દેવાતા પાલિકાની હાલત કફોડી બની છે. હાલ માંગરોળ પાલિકા પાસે કચરો કયાં નાખવો તે મોટો પ્રશ્ર્ન બન્યો છે. આ પ્રશ્ર્નના નિરાકરણ માટે માંગરોળ પાલિકા દ્વારા જૂનાગઢ જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં તેમણે જણાવ્યું હતુ કે તેમજ શહેરનો રોજનો ૨૦ થી ૨૨ ટન કચરો થાય છે. જે પહેલા બંદર વિસ્તારમાં નાખવામાં આવતો હતો આશ્રિતો દ્વારા વિરોધ ઉઠતા તાત્કાલીક અસરથી ચોટલી વીરડી ગામે ઘન કચરા નિકાલ માટે જગ્યા ફાળવવામાં આવી હતી. તે સ્થળે પણ સ્થાનિક લોકો તેમજ રાજકીય વ્યકિતઓનાં વિરોધના કારણે તે સ્થળે ઘન કચરો ઠાલવવા ન આપતા અન્ય જગ્યા કેશોદ રોડ પર કરમદી ચીગરીયા ગામે જમીન ફાળવણી તો કરાય પરંતુ રાજકીય આગેવાનો અને સ્થાનિક લોકોએ વિરોધ કરતા તે જગ્યા ઉપર પણ કચરો ઠાલવવા ન આપતા ફેર મકતુપુર ગામે સર્વે નં.૧ પૈકી ૨ ખરાબાવાળી જમીન જમીન ફાળવેલ ત્યાં પણ જમીન લેવલીંગ અને સાફ સફાઈ તેમજ દિવાલ બનાવવાની કામગીરી હાથ ધરતા ત્યાંના લોકોએ વિરોધ કરતા રાજકીય પ્રતિનિધિઓ અને નેતાઓ સ્થળઉપર આવી ત્યાં પણ કચરો ન ઠાલવવા વિરોધ થઈ રહ્યો છે. જેથી હાલ માંગરોળ શહેરમાં રોગચાળો ન ફેલાય અને કોરોના વાઈરસનાં બનાવો ન બને તે માટે જાહેર લોકોનાં આરોગ્યના હીત માટે માંગરોળ નગરપાલીકા માંગરોળ શહેરી વિસ્તારની હદ કે હદ બહાર ખાનગી વાડીઓમાં ઘન કચરો ઠાલવવામાં આવતો હતો. પરંતુ ખાનગી જગ્યાઓની આજુબાજુમાં વસવાટ કરતા લોકોએ પણ ગંદકીના કારણે વિરોધ કરી કચરો ઠાલવવાનું બંધ કરાયું છે. છેલ્લા ૮ માસથી ઘન કચરા નિકાલ જગ્યા માટે રજૂઆતો કરવામાં આવેલ છે. તેમજ અસંખ્ય પત્ર વ્યવહાર કરવામાં આવેલ છે. તેમ માંગરોળ નગરપાલીકાનાં પ્રમુખ યાદીમાં જણાવાયું છે.