રસી તો આવી ગઈ… અને રસીકરણ ઝુંબેશ પણ જોરોશોરમાં શરૂ થઈ ગઈ પણ આ રસીના ડોઝને લઈ હજુ અસમંજસ છે. કઈ રસીના કેટલા ડોઝ ? ક્યારે લેવા ?? વગેરે જેવા પ્રશ્નો પર “રસ્સાખેંચ” યથાવત જ છે. કોવિશિલ્ડ અને કોવેક્સિનના ડોઝ વચ્ચેનું અંતર પણ વધારવામાં આવ્યું છે. કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ 12 થી 18 અઠવાડિયાના અંતરાળે નક્કી થયું છે. જો કે કોવેક્સિનના બે ડોઝ વચ્ચેનું અંતર વધાર્યા બાદ ફરી એક માસનો જ સમય કરી દેવાનો સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. ત્યારે ઘણા લોકોના મનમાં પ્રશ્નો જાગતા હશે કે આ ડોઝનું અંતર વધારવાથી શું થતું હશે ?? ત્યારે તાજેતરનાં એક અભ્યાસમાં ખુલાસો થયો છે કે રસીના બે ડોઝ વચ્ચેનું અંતર શરીરમાં 300 ટકા વધુ એન્ટીબોડી બનાવે છે. એટ્લે કે રોગ પ્રતિકારક શક્તિને બુસ્ટરડોઝ મળે છે.
વૈજ્ઞાનિકો દ્વારા કરાયેલા એક અધ્યયનમાં એ વાતને સમર્થન આપવામાં આવ્યું છે કે પ્રથમ અને બીજા કોવિડ રસીના ડોઝ વચ્ચેના અંતરાલને બમણા અથવા ત્રણ ગણા બનાવવાથી વાયરસ સામે લડવા માટે ઉત્પાદિત એન્ટિબોડીઝનું સ્તર 20% થી 300% વધી જાય છે. નવા રિસર્ચ પ્રમાણે તે રોગપ્રતિકારક શક્તિને પ્રથમ ઇનોક્યુલેશનમાં પ્રતિક્રિયા આપવા માટે વધુ સમય આપીને તેમની રક્ષણાત્મક શક્તિને વેગ આપે છે.
હાલ ખતરનાક મ્યુટન્ટ સિંગાપોરમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે આવા સ્થળો માટે આ આવકારદાયક સમાચાર છે. અહી, ગયા વર્ષે નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો પણ ત્યારબાદ ફરી કેસ ઝડપભેર વધ્યા. આથી આવી સ્થિતિમાં રસીની પણ વધુ જરૂરિયાત હોવાથી રસીના ડોઝ વચ્ચેનું અંતર રાહતરૂપ નીવડશે. હાલ ભારતમાં બે ડોઝ વચ્ચેનું અંતર 12 થી 16 અઠવાડિયા લંબાવાયુ છે.
સંશોધન સૂચવે છે કે પ્રથમ ડોઝ રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે, જેનાથી તે વાયરસ સામે રક્ષણાત્મક એન્ટિબોડીઝ બનાવવાનું શરૂ કરે છે. રસીની વાયરસ સામેની પ્રતિક્રિયાને પરિપક્વ થવાની મંજૂરી જેટલી લાંબી એટલો જ બીજો ડોઝ વધુ સારી રીતે અસર કરે છે. જે અમુક અઠવાડિયા અથવા મહિના પછી આવે છે. વૈજ્ઞાનીકોના જણાવ્યા અનુસાર લાંબા સમય સુધી ડોઝના અંતરાલોથી થતા ફાયદા તમામ પ્રકારની રસીઓમાં જોવા મળી રહ્યા છે.