શાળા-કોલેજ-યુનિવર્સિટીઓમાં છેલ્લા ૨૨ વર્ષથી ખાલી પડેલી જગ્યાઓ ભરવા શિક્ષણમંત્રીને રૂબરૂ રજુઆત
ફકત વચન નહીં પણ હકારાત્મક પરિણામ આપો તેવી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રજુઆત: ૭મીએ ઉગ્ર રજુઆતો કરવાનું જણાવતા ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન પરીષદ ગાંધીનગરના ઉપાધ્યક્ષ ડો.મહેશ સોલંકી
આપણુ ગુજરાત, આગવું ગુજરાતને ખરા અર્થમાં આગવું બનાવવું હોય તો શિક્ષણ ક્ષેત્રે જ‚ર હોય છે ગ્રંથપાલની, કે જેના સુચારું માર્ગદર્શનથી વિશ્ર્વભરની સચોટ માહિતીઓ આંગળીના ટેરવે ઉપયોગકર્તાઓને લાઈબ્રેરી સાયન્સના સિઘ્ધાંતોને કારણે ગ્રંથપાલની સુઝબુઝ અને આવડત થકી ઝડપથી મળી શકે છે, જે વાતને ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન પરિષદ-ગાંધીનગરના ઉપાધ્યક્ષ ડો.મહેશ કે.સોલંકી અને અન્ય પ્રતિનિધિઓ દ્વારા રૂબરૂ આ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને તા.૨૪/૧૨/૨૦૧૮ની રૂબરૂ મુલાકાત દરમ્યાન, ગુજરાત રાજયના સરકારી શાળા-કોલેજો-યુનિવર્સિટીઓમાં છેલ્લા ૨૨ વર્ષથી ખાલી રહેલી ગ્રંથપાલોની ભરતી પ્રક્રિયા યુ.જી.સી./ એ.આઈ.સી.ટી.ઈ ના ધારાધોરણ મુજબ, ગ્રંથપાલને શિક્ષક સમકક્ષ ગણી તે મુજબના પગાર ધોરણમાં સત્વરે ભરતી પ્રક્રિયા થાય તે માટે રજુઆત કરવામાં આવી હતી.
વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, આપણા રાજયમાં ૨૫૦થી વધુ કોલેજો તથા ૨૫૦૦થી પણ વધુ શાળાઓમાં જે નિયમ મુજબ ગ્રંથપાલની જગ્યાઓ ભરવી જોઈએ તે છેલ્લા બાવીસેક વર્ષથી ભરાયેલ નથી, જયારે મુખ્યમંત્રી ખુદ તાજેતરમાં અમદાવાદમાં થયેલ પુસ્તક મેળાના ઉદઘાટનમાં એમ કહેતા હોય કે દરેક શાળા-કોલેજોમાં પુસ્તકાલયો હોવા જોઈએ, તો તેના માટેના ગરંથપાલો કેમ ન હોવા જોઈએ ? શું આ વાત ફકત પુસ્તક મેળામાં કહેવા પુરતી સીમીત છે ? રાજયમાં યુનિવર્સિટીમાંથી દર વર્ષે સ્નાતક અને અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરતા તેમજ નેટ/સ્લેટ અને પી.એચ.ડી.ની લાયકાત ધરાવતા આશરે ૧૫૦૦૦ ઉમેદવારો પણ ભરતી પ્રક્રિયાના અભાવે બેરોજગાર છે જે વાતથી પણ વાકેફ કરાયેલ હતા. આજે ભરતીના અભાવે તેમજ નિયમ મુજબ શિક્ષક સમકક્ષ પગાર-ધોરણ અને સ્ટેટસ ન મળવાના અભાવે લાઈબ્રેરી સાયન્સના કવોલીફાઈડ તથા અનુભવી ઉમેદવારોએ અન્ય રાજયોમાં નોકરી કરવા અરજી કરવી પડે છે તે ખુબ જ દયનીય બાબત છે એ વાત પણ જણાવી હતી.
અંતમાં શિક્ષણમંત્રીએ બધી રજુઆતો સાંભળી પોતાનો પ્રતિભાવ આપી જણાવ્યું હતું કે, અમારી આ વિષયને લગતી મીટીંગો ચાલુ જ છે, સરકાર પ્રયત્નશીલ જ છે અને તમારી માંગણીઓ વ્યાજબી છે અને આગામી ટુંક સમયમાં જ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવો છેલ્લા સાત વર્ષથી આપવામાં આવતો રાજકીય જવાબ મળેલ હતો અને વધુ એક વખત ફકત વચન આપી સૌ બેરોજગારોને ફકત સાંત્વના મળી હતી. શિક્ષણમંત્રીએ કરેલી વાતને તેઓ ખરાઅર્થમાં લોકસભાની ચુંટણી પહેલા સાર્થક કરી બતાવે તેવી આશા સાથે સૌ પરત ફર્યા હતા. રૂબરુ મુલાકાત સમયે ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન પરીષદના વિવિધ જિલ્લાના અન્ય પ્રતિનિધિઓ સર્વે ડો.તેજસ શાહ, ડો.ગુલામનબી મસુરૂ મહેશ કે.સોલંકી, દિપીકાબેન, રશ્મીબેન ભાવેશ રાવલ તેમજ ગુજરાતના વિવિધ સ્થાનોએથી આવેલ લાઈબ્રેરી સાયન્સના મોટી સંખ્યામાં કવોલીફાઈડ બેરોજગાર ઉમેદવારો હાજર રહ્યા હતા.