સગીર નિખિલ ધમેચા હત્યા કેસમાં નવજાત શિશુ સાથે આત્મવિલોપનની ચીમકીથી ખળભળાટ
વર્ષ ૨૦૧૫ માં મોરબીના નિર્દોષ સગીર બાળક નિખિલ ધમેચાનું અપહરણ કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી કરવામાં આવેલ નિર્મમ હત્યા કેસમાં ત્રણ – ત્રણ વર્ષ બાદ પણ સ્થાનિક પોલીસ કે સીઆઇડી હત્યારા સુધી પહોંચી ન શકતા નિખિલના માતા – પિતા અને બહેન તેમજ નવજાત શિશુ સહિતના પરિવારે આગામી ૨૨ માર્ચે ગાંધીનગર વિધાનસભા પરિસરમાં આત્મવિલોપન કરવા ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
મોરબીના સનાળા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પરેશભાઈ ગોરધનભાઇ ધમેચાએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર પાઠવી પોતાના પુત્ર નિખીલનું ૧૫ – ૧૨ – ૨૦૧૫ ના રોજ અપહરણ થયા બાદ તા. ૧૮ ના રોજ લાશ મળી આવ્યા બાદ નિખિલ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાનું પણ પીએમ રિપોર્ટમાં બહાર આવ્યું હતું આ પ્રકરણમાં પરિવારજનો દ્વારા શરૂઆતથી જ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વિરુદ્ધ શંકા દર્શાવવા છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હતા.
વધુ.આ પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તત્કાલીન ધારાસભ્યના દબાણને વશ થઈ સ્થાનિક પોલીસની જેમજ અનેક વખત કહેવા છતાં સીઆઇડી ક્રાઈમ પણ શકમંદો વિરુદ્ધ તપાસ કરતી ન હોય આખરે ભોગ બનનાર પરિવારજનો દ્વારા આગામી ૨૨ માર્ચે વિધાનસભા પટાંગણમાં આત્મ વિલોપન કરવા જાહેર કર્યું છે.
વધુમાં નિખિલના પરિવારજનો દ્વારા જાહેર કરાયુ છે કે જો તપાસનીશ સીઆઇડી ક્રાઈમ દ્વારા અમે જે જે શકમંદોની યાદી આપી છે તેમના નાર્કોટેસ્ટ કરી કાનૂની પગલાં ભરવામાં નહિ આવે તો ૨૨ માર્ચે સમગ્ર પરિવાર નવજાત શિશુ સાથે આત્મ વિલોપન કરીશું.
આમ, મોરબીના ચકચારી નિખિલ ધામેચા અપહરણ હત્યા કેસમાં પરિવારજનોને ન્યાય ન મળતા અંતિમ પગલું ભરવાની જાહેરાત કરતા સમગ્ર મોરબી શહેરમાં અને સૌરાષ્ટ્રમાં ચકચાર મચી જવા પામી છે.