કોરોના સંક્રમણના પગલે દેશભરમાં બનાવતા ઉદ્યોગ ધંધાની સાથે સરકારી કચેરીઓથી માંડી ન્યાયપાલિકા નાં કપાટ પણ બંધ થયા હતા. આશરે એક વર્ષ સુધી ન્યાયમંદિરના કપાટ બંધ રહેતા દેશભરની નીચલી અદાલતોથી માંડી વડી અદાલતોમાં થોકબંધ કેસોનું ભારણ વધ્યું છે. એક આંકડા અનુસાર દેશભરની વડી અદાલતમાં આશરે પાંચ લાખ જેટલા કેસો પેન્ડિંગ છે. જ્યાં બીજી બાજુ વડી અદાલતોમાં ન્યાયાધીશોની 40 ટકા જગ્યાઓ પણ ખાલી છે. તેવા સમયે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય લેતા કહ્યું છે કે, વડી અદાલતમાં રહેલી જજોની ખાધ પૂરવા અને કેસોનું ભારણ ઘટાડવા માટે હવે નિવૃત્ત જજોની સેવા લેવામાં આવશે. નિવૃત્ત જજોને હાઇકોર્ટના જજ તરીકે નિમણૂક આપીને ઝડપી કેસોનો નિકાલ કરવામાં આવે તેવો આદેશ સુપ્રીમ કોર્ટે ગુરુવારે કર્યો છે.
દેશભરની વડી અદાલતો માં આશરે પાંચ લાખથી વધુ કેશો પેન્ડિંગ થતાં ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ સંજય કોલ અને જસ્ટિસ સૂર્યકાંતની ખંડપીઠે આદેશ આપતા કહ્યું હતું કે, બંધારણની કલમ 224-એ મુજબ એસઓપી તૈયાર કરીનિવૃત્ત ન્યાયાધીશને હાઇકોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવે અને કેસોનું તાત્કાલિક નિકાલ કરી ભારણ ઘટાડવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે. સુપ્રીમે વધુમાં કહ્યું હતું કે, નિવૃત્ત ન્યાયાધીશોને નિમણૂક આપવા અંગેની એસઓપી નું ગઠન 8 એપ્રિલ સુધીમાં થઈ જવું જોઈએ, જે બાદ આ મામલામાં વધુ સુનાવણી કરવામાં આવશે. બંધારણની કલમ 224-એમાં જોગવાઈ કરવામાં આવી છે કે, અગાઉ જજ તરીકે ફરજ બજાવી ચૂકેલા કોઈપણ ન્યાયાધીશને એસઓપીની અમલવારી કરી કોઈપણ રાજ્યના કાર્યકારી ન્યાયાધીશ બનાવી શકાય છે અને હાલ બંધારણની કલમ 224-એ મુજબ નિવૃત ન્યાયાધીશોને હાઇકોર્ટના જજ તરીકે નિમણૂક આપીને ઝડપી કેસોના નિકાલ તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.