વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરાયેલ દુધાળા પશુઓની ખાસ બાર કોડેડ ટેગીંગ(ઓળખ) માટેનો રાષ્ટ્રીય ટેગીંગ કાર્યક્રમ ચાલી રહયો છે. નાયબ પશુપાલન નિયામક ડો. કે.યુ.ખાનપરાએ આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લામાં કુલ 149 કર્મચારીઓ દ્વારા બાર કોડેડ ટેગીંગની કામગીરી થઇ રહી છે. જેમાં અત્યાર સુધીમાં જિલ્લાના કુલ નોંધાયેલ 6,21,337 પશુઓ (ગાય અને ભેંસ) પૈકી 3,04,625 પશુઓનું ટેગીંગ થઇ ચુકયું છે.
છ લાખથી વધુ પશુઓને અપાશે બારકોર્ડેડ ઓળખ 3 લાખથી વધુ પશુઓનું ટેગીંગ કાર્ય સંપન્ન
પશુપાલન વિભાગની વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ લેવા માટે પશુઓનું ટેગીંગ આવશ્યક હોઇ ડો. ખાનપરાએ જે-તે વિસ્તારમાં આ કામગીરી માટે મુલાકાતે આવતા પશુપાલન વિભાગના કર્મચારીને સહયોગ આપવા દરેક પશુ પાલકોએ પોતાના પશુઓનું બાર કોડેડ ટેગીંગ અવશ્ય કરાવી લેવા ભારપૂર્વક અનુરોધ કર્યો છે. આ તકે તેઓએ બાર કોડેડ ટેગીંગ સાથે ચોમાસાની ઋતુ આગાઉ કરવામાં આવતા પશુઓના રસીકરણનો લાભ લઇને પશુઓને રોગો સામે સુરક્ષિત કરવા જણાવ્યું હતું.
રાજકોટ જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા 20 જેટલા પ્રાથમિક પશુસારવાર કેન્દ્રો કાર્યરત છે. ગત વર્ષ 2020-21 દરમ્યાન જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા પશુ આરોગ્ય મેળા તથા સંકલ્પ પત્ર યોજના અન્વયે 205 કેમ્પનું આયોજન કરી પશુઓની સારવાર કરવામાં આવી હતી. 12187 પશુઓનું કૃત્રિમ બીજદાન કરાયું હતું. જયારે 5,93,835 પશુઓનું રસીકરણ કરી તેઓને ખરવા મોવાસા, ગળસુંઢો જેવા ચોમાસાની ઋતુઓમાં જોવા મળતા રોગો સામે સુરક્ષાકવચ અપાયું હતું.
ખાસ અંગભુત યોજના અન્વયે 2 લાભાર્થીને બકરા ઉછેર એકમ માટે પ્રત્યેકને રૂા. 45 હજાર લેખે કુલ રૂા. 90,000 જેવી રકમ સહાય પેટે ચુકવાયેલી હતી. પશુઓને ચારો કાપીને આપવા માટે ખાસ ઇલેકટ્રીક ચાફ કટરમાં સહાય માટે એકિકૃત યોજના અન્વયે 102 લાભાર્થીને પ્રત્યેકને રૂા. 18,000 લેખે કુલ રૂા. 18,05,966 તથા ખાસ અંગભુત યોજના અન્વયે 2 લાભાર્થીને રૂા. 36 હજાર એમ કુલ 104 લાભાર્થીને કુલ રૂા. 18,41,966ની સહાય ચુકવાઇ હતી. જયારે દુઘ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા 36 જેટલી દુઘ ઉત્પાદક હરિફાઇઓ યોજી હતી.