રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજકોટ શહેર પોલીસ દ્વારા આગામી તા.૧૮-ફેબ્રુઆરી ૨૦૧૮ ના રોજ રાજકોટ ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય કક્ષાની મેરેથોન અને તેની સાથો સાથ અન્ય પાંચ કેટેગરીની બીજી દોડ સ્પર્ધાઓના આયોજનને પગલે રાજકોટવાસીઓનમાં અને ખાસ કરીને વિદેશી એથ્લેટોના ઉમંગ ઉત્સાહમાં જબ્બર વધારો થવા લાગ્યો છે. શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંઘ ગેહલોત અને મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીના સતત માર્ગદર્શન હેઠળ મેરેથોનના આયોજનને આખરી ઓપ આપવા માટેની અંતિમ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ વધુમાં જણાવ્યું હતું કે, આ વખતેની ફૂલ મેરેથોન ૨૦૧૮ માં કુલ ૨૭ વિદેશી એથ્લેટો ભાગ લેવાના છે. આ વિદેશી એથ્લેટોને ભારતના વિઝા મળ્યેથી ફૂલ મેરેથોનમાં ભાગ લેવા આવશે. જેમાં સાત સ્પર્ધકો ઇથીઓપિયા અને વીસ સ્પર્ધકો કેન્યાથી આવવાના છે. અત્યાર સુધીમાં ૨૨,૦૦૦ થી વધુ સ્પર્ધકો રજીસ્ટ્રેશન કરાવી લીધું છે અને હજુ વધુને વધુ સ્પર્ધકો રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે.
આ મહાઆયોજનમાં તમામ ખાનગી સંસ્થાઓ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, શાળાઓ – કોલેજો, રાજકોટવાસીઓ, તમામ એથ્લેટો, વિવિધ હોસ્પિટલો, સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્પોન્સર્સ, પાર્ટનર્સ, વિવિધ ક્ષેત્રો અને વ્યક્તિગતરૂપે પણ મળી રહેલા સહયોગ બદલ કમિશ્નર શ્રી બંછાનિધિ પાનીએ તમામ સદસ્ય મહાનુભાવો પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરી છે. લોકોમાં સ્વચ્છતાની સમસ્યા પ્રત્યે અવેરનેસ (જનજાગૃતિ) આવે તે માટે અને રાજકોટવાસીઓમાં એકતા અને તંદુરસ્તી તથા નવી ઉર્જાનો સંચય થાય તેવા શુભ હેતુથી યોજાનારી આંતરરાષ્ટ્રીય કક્ષાની ફૂલ મેરેથોન રાજકોટવાસીઓને પોતાના શહેર પ્રત્યે ગૌરવ અને ગર્વ લેવાનું મન થાય એવી અદભૂત સફળતા પ્રાપ્ત કરશે એવી તંત્રને શ્રધ્ધા છે. સમગ્ર આયોજન માટે નાયબ કમિશનર શ્રી ચેતન નંદાણીના માર્ગદર્શન હેઠળ શ્રેણીબધ્ધ બેઠકો યોજવામાં આવી રહી છે.