કોરોનાની આ વૈશ્ર્વિક મહામારીમાં જેને એક વખત કોરોના પોઝિટિવ આવે છે તે સાજા થઈ ગયા છે તેને માનવ સેવા કરવાની એક તક પ્લાઝમાં ડોનેશન થકી મળે છે. આવી જ રીતે રાજકોટમાં ૧૬૮ લોકોએ પ્લાઝમાં ડોનેટ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

રાજકોટ પી.ડી.યુ. પેથોલોજી વિભાગ બ્લડ બેંકના પેથોલોજીસ્ટ ડો. હિરલ ચૌહાણે જણાવ્યું હતું કે, પ્લાઝમા એ લોહીનુ એવું તત્વ છે કે જેમાં કોરોના થયા પછી ઉત્પન્ન થયેલ રોગપ્રતિકારક શક્તિના એન્ટિબોડીઝ હોય છે. કોરોના થાય એટલે એન્ટિબોડીઝ બને છે અને આ એન્ટિબોડીઝ બીજી વખત કોરોનાવાયરસને ઓળખી તેનો પ્રતિકાર વધુ સક્ષમતાપૂર્વક કરે છે. તે બીજા દર્દીમાં મેડિસિન પ્રોટોકોલ મુજબ ટ્રાન્સફર કરીને દર્દીની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેનું અગત્યમું માધ્યમ પુરવાર થાય છે. આમ, પ્લાઝમા ડોનેટ કરવાથી બીજાની જિંદગી બચે છે. તેમજ દાન કરનાર વ્યક્તિનું પ્લાઝમા પૂર્ણ તબીબી તપાસ કરીને લેવામાં આવતું હોવાથી પ્લાઝમા ડોનરને કોઈ મુશ્કેલી પડતી નથી. આથી પ્લાઝમા ડોનેશન અંગે ભય રાખવાની પણ જરૂર નથી. નબળાઈ પણ આવતી નથી. રાજકોટમાં અત્યાર સુધીમાં ૧૬૮ લોકોએ પ્લાઝમા ડોનેટ કરેલ છે. જે ૧૬૧ દર્દીઓને ચઢાવવામાં આવેલ છે. જેનાથી પ્લાઝમા ડોનેશનના ત્વરિત ફાયદા જોવા મળ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.